દિલ્હીમાં 8 દેશોના રાષ્ટ્રિય સુરક્ષા સલાહકારોની બેઠક સંપન્ન : અફઘાનના પાડોશી દેશોએ પણ ભારતની વાતોમાં સુર પુરાવ્યાં
અબતક, નવી દિલ્હી :અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ સત્તા સંભાળ્યા બાદ સર્જાયેલી વિકટ પરીસ્થિતિને લઈને 8 દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો ( એનએસએ)ની બેઠક નવી દિલ્હીમાં યોજાઈ હતી. આ બેઠકમાં ઈરાન, રશિયા ઉપરાંત મધ્ય એશિયાના દેશો તઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને તુર્કમેનિસ્તાને ભાગ લીધો હતો.
આ બેઠકમાં તમામ દેશોએ અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું કે ત્યાંથી આતંકવાદ અને ડ્રગ્સની દાણચોરીને અટકાવવી જોઈએ. આ બેઠકનું નામ ‘દિલ્હી રિજનલ સિક્યોરિટી ડાયલોગ ઓન અફઘાનિસ્તાન’ રાખવામાં આવ્યું હતું. ભારત આ એનએસએ બેઠકનું યજમાન બન્યું છે અને તેની અધ્યક્ષતા ભારતના એનએસએ અજિત ડોભાલે કરી હતી. આ બેઠકમાં પાકિસ્તાને સામેલ થવાનો ઇનકાર કરી દીધો હતો. આ સાથે જ ચીને પણ બેઠકમાં સામેલ થવાનો ઇનકાર કર્યો હતો. આ બેઠકમાં તમામ દેશોએ એક મત થઈને જણાવ્યું હતું કે જો આંતકવાદને હટાવવામાં આવે તો સમગ્ર વિશ્વ તાલિબાન અને અફઘાનિસ્તાની સાથે છે.
અજિત ડોભાલના નેતૃત્વમાં બેઠક બાદ જારી કરાયેલા ડેકલેરેશનમાં પાકિસ્તાનનું નામ લીધા વિના જણાવવામાં આવ્યું હતું કે, અમે અફઘાનિસ્તાનના મામલાઓમાં કોઇપણ બાહ્ય હસ્તક્ષેપનો વિરોધ કરીએ છીએ. અફઘાનિસ્તાનની ધરતીનો કોઇપણ પ્રકારની આતંકવાદી પ્રવૃત્તિઓ માટે થવો જોઇએ નહીં. ડોભાલે જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનનો ઘટનાક્રમ પાડોશી દેશો પર ગંભીર અસર કરનારો છે. અફઘાનિસ્તાનની સ્થિતિ પર ગંભીર ચર્ચાની તાતી જરૂર છે.
કઝાખસ્તાનના એનએસએ કરિમ મેસિમોવે જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનને માનવીય સહાય વધારવાની તાતી જરૂર છે. અફઘાનિસ્તાનની આર્થિક અને સામાજિક સ્થિતિ બદતર બની રહી છે અને દેશ માનવીય કટોકટીના ઉંબરે આવીને ઊભો છે. ઇરાનના એનએસએ અલિ શામકાનીએ જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં નિરાશ્રિાતો અને પલાયનની સ્થિતિ ગંભીર બની છે. તાજિકિસ્તાનના એનએસએએ જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાન સાથેની અમારી સરહદની સ્થિતિ જટિલ બની છે. તેના કારણે ડ્રગ ટ્રાફિકિંગ અને આતંકવાદની સંભાવનાઓ વધી છે.