વિશ્ર્વનું સૌથી શક્તિશાળી, માભેદાર અને વનના રાજાનું બિરૂદ ધરાવતાં સિંહનું અસ્તિત્વ બચાવવા માટે સંરક્ષણ અને જાગૃતિ માટે વિશ્ર્વમાં 10 ઓગષ્ટનો દિવસ વિશ્ર્વસિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે સિંહની ઘટતી જતી વસ્તી અંગે દુનિયા ચિંતિત હોય તે સ્વભાવિક છે પરંતુ દુનિયાને સિંહોનું જતન કેમ થાય તે તો ગીર, સૌરાષ્ટ્ર અને ગુજરાત પાસેથી જ શિખવું જોઇએ. વર્ષો પહેલા સિંહો એશિયા, આફ્રિકા, મધ્યપૂર્વ અને યુરોપમાં મુક્તપણે વિહરતાં હતા પરંતુ છેલ્લા 100 વર્ષમાં સિંહોની વસ્તીમાં 80 ટકા ઘટાડો આવી ગયો છે.
આફ્રિકાના 25 દેશોમાં સિંહો વસે છે પણ સંખ્યા સતત ઘટતી જાય છે. એશિયાટીક સિંહો માત્ર ગુજરાત અને તે પણ ગીરના જંગલમાં જ વસે છે. દુનિયામાં તાજેતરમાં જ આવેલા સર્વેમાં સિંહની 30,000ની વસ્તી ઘટીને 20,000 થઇ જવા પામી છે. પરંતુ ગુજરાત અને ગીરની સ્થિતિ અલગ છે. સિંહોની વસ્તીનો ઇતિહાસ ખૂબ જૂનો છે. સદીઓ પહેલા ત્રણ પ્રકારના સિંહો જોવા મળતાં તેમાંથી એક જાત લુપ્ત થઇ ગઇ. હવે આફ્રિકન અને એશિયાટીક બે પ્રજાતી સમગ્ર વિશ્ર્વમાં બચી છે.
આફ્રિકન સિંહો એટલે પેન્થારાલીયોલીયો અને એશિયાટીક સિંહો પેન્થારાલીયોપોશિકા કહે છે. આજે સિંહો વિશ્ર્વ માટે ચિંતાનો વિષય બન્યા છે ત્યારે ગુજરાતના સિંહો ભારત માટે ગૌરવનું પ્રતિક બની રહ્યાં છે. આ ગૌરવ અપાવવામાં જૂનાગઢના પૂર્વ રાજવીઓની તકેદારી યાદ કરવી રહી. 1893માં જૂનાગઢના નવાબ રશુલખાનજીના કાર્યક્રમ દરમ્યાન સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવી ત્યારે અસ્તિત્વ જોખમમાં હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે રાજવી ઘરાનાઓમાં સિંહોનું શિકાર શોખ અને શક્તિનું પ્રતિક માનવામાં આવતાં હતાં.
નવાબે સિંહ સંરક્ષણ શરૂ કરાવ્યું. 1925માં નવાબ મહાબ્બતખાન ત્રીજાએ સિંંહના શિકાર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકીને એક સમયે બ્રિટિશ હુકુમત અને સૌરાષ્ટ્રના અન્ય રાજવીઓના શિકારના શોખના દરવાજા બંધ કરી દીધા હતાં. જો નવાબે સિંહ માટે સુરક્ષા કવચ બનાવ્યું ન હોત તો આજે કદાચ ભારતમાં પણ સિંહ લુપ્ત થઇ ચુક્યાં હોત. આઝાદી પૂર્વેે 1900માં ગીર જંગલને આરક્ષિત વિસ્તાર જાહેર કર્યો હતો. 2005માં વસ્તી ગણતરી શરૂ થઇ 369 સિંહોથી શરૂ થયેલી વસ્તીનો આંકડો 2010માં 523 પહોંચ્યો હતો. આજે સતત સિંહોની વસ્તી વધતી જાય છે. ગીરના સિંહોનું જતન સરકારી રાહે તો થાય જ છે.
ગીરના વનવાસી માલધારીઓ અને પ્રજા સિંહને હિંસક ગણવાને બદલે દેવતૂલ્ય ગણે છે. પોતાના પાલતું પશુઓના શિકાર કરનાર સિંહને ક્યારેય રંજાળતાં નથી. સિંહો પણ માનવી પર વિના કારણે હુમલા કરતા નથી. ગીરના સામાજીક જીવનમાં માનવી અને સિંહો વચ્ચેના પરસ્પર લાગણી અને એકબીજાના બલિદાનની અનેક ગાથાઓ રચાઇ છે. સિંહ પણ સમયના તકાજાને સમજનાર પ્રાણી તરીકે જંગલ વિસ્તારમાં વધતી વસ્તીને લઇને સિંહો આપોઆપ પોતાની નવી-નવી ટેરટરી વિકસાવવા લાગ્યા છે.
ગીરના સિંહો શરૂઆતમાં ગીર જંગલ આસપાસના દરિયા કાંઠે અને હવે સૌરાષ્ટ્રમાં પોતાની નવી વસાહતો સમજીને ઉભી કરી રહ્યાં છે. ગુજરાત, સૌરાષ્ટ્ર અને ગીરના માનવીઓ અને તમામ સમાજ સિંહને દેવતૂલ્ય ગણે છે. સિંહને ભોગ ધરવામાં પૂણ્ય માને છે. સિંહ પણ સામે ખાનદાની દર્શાવતો હોય તેમ પશુઓ સિવાય સિંહ કોઇને વિનાકારણે રંજાળતું નથી. કેન્દ્ર સરકાર, ગુજરાત સરકારની સાથેસાથે વિશ્ર્વને સિંહ સંરક્ષણના પાઠ ભણવા હોય તો ગુજરાત, સૌરાષ્ટ્ર અને ખાસ કરીને ગીરની ખમીરવંતી પ્રજા પાસેથી સિંહને સાચવવાની આવડત શિખવી જોઇએ. વિશ્ર્વ સિંહ દિવસની ઉજવણી થકી ભલે વિશ્ર્વ કુદરતનું સર્વશ્રેષ્ઠ, સર્વ શક્તિમાન અને શાલીન પ્રાણી સિંહની જાળવણી માટે જાગૃત થાય તે માટે કંઇ ખોટું નથી પણ દુનિયા આખીને સિંહ સાચવતા તો ગુજરાત પાસેથી જ શિખવી પડે.