“આઈ લવ માય ઈન્ડિયા”
‘વેક્સિન ફોર ધ વર્લ્ડ’ માત્ર આપણાં પુરતી જ નહિં પણ વિશ્વ આખાની રસીકરણની માંગ સંતોષવા ભારત સક્ષમ
વેક્સિનેશનમાં ‘આત્મનિર્ભર અભિયાન’: વિશ્વની કુલ રસીનું ૬૦ટકા ઉત્પાદન ભારતમાં!!
આઈ લવ માય ઈન્ડિયા… ભારતે ઘણી સંસ્કૃતિઓ અને પ્રાચીન પરંપરાઓની વિશ્વને ભેટ ધરી છે. ભારત સાંસ્કૃતિક વારસો હોય કે સામાજીક વિશ્વભરમાં ‘વિવિધતા માં એકતા’ના નામે અનોખી નામના ધરાવે છે. વર્ષો પૂરાણી ચિકિત્સા પધ્ધતિ, યોગા, આયુર્વેદ અને વૈશ્ર્વિક ધરોહર વગેરે જેવી અમૂલ્ય ભેટ ભારતે વિશ્વને ભેટ કરી છે. ત્યારે હવે, હાલના કોરોના કાળના આ સમયમાં મહામારીમાંથી ઉગરવાનાં હથિયાર તરીકેનું સાધન ‘રસી’ની ભારત વિશ્વના દેશોને ભેટ ધરે તો નવાઈ નહિ !! કોરોના મૂકત થઈ પરિસ્થિતિને કાબુમાં લેવા અને ફરી ‘વિકાસ’ના માર્ગે આગળ ધપવા દરેક દેશો મથામણ કરી રહ્યા છે. સો ટકા વિશ્વસનીયતાનો અભાવ, રસીની કિંમતો, સંગ્રહ ક્ષમતા તો આડઅસરની શંકાને લઈ રસીની ‘રસ્સા ખેંચ’ તીવ્ર બની જઈ રહી છે. પરંતુ આ ‘રસ્સા ખેંચ’માં હરણફાળ ભરવા વિશ્ર્વને ભારત વિના ઉધ્ધાર નથી. ભારતના સહારા વગર વિશ્વ કોરોના મહામારીમાંથી મૂકત થઈ શકે તેમ નથી.
દરેક રસીના ઉત્પાદનમાં ભારતનું મહત્વપૂર્ણ યોગદાન
રસી ઉત્પાદન ક્ષેત્રે ભારતનું પહેલેથી જ મહત્વનું યોગદાન રહેલું છે. અગાઉના સમયમાં નીકળેલા પોલિયો, પ્લેગ, ડેંગ્યુ જેવા રોગોને જળમૂડમાથી નાબુદ કરવા વિશ્વભરનાં દેશોનો સહિયારો પ્રયાસ રહેલો પણ આમાં ભારતે મહત્વપૂર્ણ ફાળો આપી લગભગ તમામ પ્રકારની રસીનું વિશ્વના ઉત્પાદનની સરખામણીએ ૬૦ ટકા ઉત્પાદન કરી વિશ્વભરનાં દેશોને વેચાણ કરેંલુ છે. આવી જ રીતે ભારત દેશ હાલના સમયમાં પણ મહત્વનું યોગદાન આપી વિશ્વના આર્થિક રીતે પછાત અને નાના વિકાસશીલ દેશોને કોરોનાને નાથતી ‘સચોટ’ રસી ઓછી કિંમતે પહોચાડશે તેવો વિશ્ર્લેષકોએ આશાવાદ વ્યકત કર્યો છે.
વેક્સિન ફોર ધ વર્લ્ડ: કોવિશીલ્ડ
ભારતમાં હાલ, અલગ અલગ આઠ પ્રકારની રસીઓ પરીક્ષણ હેઠળ છે. જેમાં ઓકસફર્ડ યુનિ. અને એસ્ટ્રાજેનેકા સાથે મળી સંયુકત રીતે વિકસાવાયેલી સીરમ ઈન્સ્ટીટયુટની કોવિશીલ્ડનો સમાવેશ છે જે રસીનું બીજુ નામ ‘વેક્સિન ફોર ધ વર્લ્ડ’ એટલે કે ‘વિશ્વ માટે રસી’ અપાયું છે. ઉત્પાદક કંપનીઓનાં જણાવ્યા મુજબ કોવિશીલ્ડ રસીનો ૬૦ ટકા જેટલો જથ્થો તૈયાર થઈ ચૂકયો છે. અંતિમ તબકકાના પરીક્ષણ પૂર્ણ થયા બાદ અને સરકાર તરફ લીલીઝંડી મળ્યા બાદ તેને ભારત ઉપરાંત વિશ્વના એવા દેશોને પ્રાથમિકતા અપાશે કે જેઓ આર્થિક રીતે પછાત છે. અને આવા દેશોને આ કોવિશીલ્ડ રસી ઓછી કિંમતે પહોચાડાશે વેપાર કરી નફો રળવાના હેતુથી નહ પણ વિશ્વને કોરોનામહામારીમાંથી ઉગારવાના લક્ષ્યાંક સાથે રસી પહોચાડવામાં આવશે.
મોટાપાયે રસીનું ઉત્પાદન કરવાની ઉપલ્બધી એક માત્ર ભારત પાસે-ઓસ્ટ્રેલીયન રાજદૂત
રસીને જટ વિકસાવી પોતાના નાગરિકોને પહોચાડી કોરોના મહામારીમાંથી મૂકત થવા દરેક રાષ્ટ્રની સરકાર પ્રયાસ કરી રહી છે. રસીની આડઅસરને લઈ હજુ ચિત્ર સ્પષ્ટ થયું નથી. આ પ્રકારની રસીની રેસ વચ્ચે તમામ દેશો મોટા જથ્થામાં ઓર્ડર કરી રહ્યા છે. આ અંગે ઓસ્ટ્રેલિયામાં ભારતનાં રાજદૂત બેરીઓ’ફેરેલે મોટુ નિવેદન આપતા જણાવ્યું છે કે, વિશ્વમાં ઘણી કંપનીઓ છે જે કોરોનાની દવા, રસી બનાવી રહી છે. ઘણી રસીઓનાં પરીક્ષણ અંતિમ તબકકામાં છે. પરંતુ વિશ્વમાં ભારત જ એક એવો દેશ છે કે જે અન્ય દેશોનાં નાગરિકોની ‘રસી’ની જરૂરીયાત સંતોષવા સક્ષમ છે. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયન રાજદૂત ઓ’ફેરેલ તાજેતરમાં ભારતની મુલાકાતે આવ્યાહતા. અને ભારતમાં કોરોના રસી ઉત્પાદક કંપનીઓની મુલાકાત લઈ સંશોધકો સાથે ચર્ચારી હતી.