ગુજરાતમાં જાતિવાદ અને કોમવાદને ઉશ્કેરીને સમાજ-સમાજ વચ્ચે વેરઝેરના બીજ રોપવાનું કામ કોંગ્રેસ કર્યું છે જે ગુજરાતની જનતા જાણે છે: ભરત પંડયા

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ કોંગ્રેસના નેતાઓએ કરેલ નિવેદનો સામે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ, કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ અને કેન્દ્રીય કોંગ્રેસના મોવડી મંડળે હંમેશા નર્મદા યોજનાને રોકવાનું પ્રયાસ કર્યો હતો, જે કોંગ્રેસે નર્મદાનું પાણી રોકવાનો પ્રયાસ કર્યો, તે કોંગ્રેસ કોમવાદ અને જાતિવાદના નામે ગુજરાતમાં આગ લગાડવાનું પ્રયાસ કરી રહી છે. ગુજરાતમાં જાતિવાદ અને કોમવાદને ઉશ્કેરીને સમાજ-સમાજ વચ્ચે વેરઝેરના બીજ રોપવાનું કામ કર્યું છે જે ગુજરાતની જનતા જાણે છે. તેમ છતાં કોંગ્રેસ ભાજપ ઉપર જૂઠ્ઠા આક્ષેપો કરે છે.

સામાન્ય વાત છે કે દેશ કે વિશ્વમાં કોઇપણ સરકાર  કે કોઈપણ રાજકીય પાર્ટી એવું ન ઈચ્છે પોતાના શાસિત રાજ્યમાં આંદોલન થાય. કોંગ્રેસો જૂઠ્ઠાણાં ફેલાવી રહી છે. કોંગ્રેસ દરેક મુદ્દે દરેક ઘટનામાં બે મોઢાની વાત કરે છે.

પંડયાએ જણાવ્યું હતું કે, સંવિધાન, ગાંધીજી અને સરદાર પટેલ આ ત્રણેયની વાત કોંગ્રેસના મોઢે શોભતી નથી. કારણે કે, આ ત્રણેયનું સતત અવમૂલ્યન, અન્યાય અને અપમાન કોંગ્રેસે કર્યું છે. આજે કોંગ્રેસ કયા મોઢે સંવિધાનની વાત કરે છે ? જે કોંગ્રેસે બંધારણમાં ૮૬વાર સુધારા કર્યા છે. જે કોંગ્રેસે ૫૦ વાર ૩૫૬ દુરુપયોગ કરીને લોકશાહી અને લોકમતથી ચૂંટાયેલી રાજ્ય સરકારોને બરખાસ્ત કરવાનું પાપ કર્યું છે. જે કોંગ્રેસે દેશમાં ૬૩૫ દિવસની કટોકટી નાંખીને લોકતંત્ર, મિડીયા તંત્રને બાનમાં લઈને લાખો લોકોને જેલમાં પૂરીને અત્યાચારો કર્યાં હતાં તે કોંગ્રેસ આજે સંવિધાન બચાવોની વાત કરે છે. કોંગ્રેસ ગાંધીજીના સત્ય, પ્રેમ અને અહિંસાને સમજતી નથી. તેમજ એનાથી ઉલ્ટુ કામ કરી રહી છે. કોંગ્રેસે અસત્ય બોલે છે, પ્રેમના બદલે વેર ફેલાવે છે અને અહિંસાને બદલે હિંસા ફેલાવવાના ષડયંત્રો કરે છે. કોંગ્રેસના વિચારો, કાર્યક્રમો અને નિવેદનો હંમેશા વેરઝેર ફેલાવવાના, દેશની એકતા અને દેશની સંસ્કૃતિને તોડનારા હોય છે. કોંગ્રેસે સરદાર પટેલને ૪૧ વર્ષ સુધી ભારત રત્ન ન આપ્યો, સંસદમાં તૈલ ચિત્ર મૂકવા દીધું ન હતું તેમજ સ્ટુચ્યુ ઓફ યુનિટીને ભંગાર કહ્યું. તે કોંગ્રેસ સરદાર પટેલની વાત કરે છે. સંવિધાન, ગાંધીજી અને સરદાર પટેલની વાતો કોંગ્રેસના મોઢે શોભતી નથી. કોંગ્રેસ વેરઝેર ફેલાવવાનું બંધ કરે તેવી અપીલ કરૂં છું.

admin ajax 1

એલઆરડી મુદ્દે લેવાયેલ નિર્ણયને આવકારતાં ભરત પંડયાએ જણાવ્યું હતું  કે, તા.૦૧.૦૮.૨૦૧૮ના પરિપત્રને સુષુપ્ત કરીને દરેક સમાજ બહેન- દિકરીઓની નોકરીની સંખ્યા વધારીને દરેકને વધુ લાભ મળે તે માટે ડહાપણ ભર્યો નિર્ણય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ભાજપ સરકારે કર્યો છે. તેને આવકારીએ છીએ. સરકારના ડહાપણ ભર્યા નિર્ણયની સામે કોંગ્રેસ જાતિવાદનું ગાંડપણ ન કરે તેવી અપીલ કરીએ છીએ. દરેક સમાજની બહેન-દિકરીઓની લાગણીઓનું પ્રતિબિંબ આ નિર્ણયમાં પડે છે. એસસી, એસટી અને ઓબીસી અનામત યથાવત છે. લોકલાગણી અને કાયદાની લાગણી સમજીને આજે ડાહપણ ભર્યો નિર્ણયને આવકારું છું. આશા-અપેક્ષા અને વિનંતી છે કે,  દરેક સમાજની બહેન-દિકરીઓ આ સરકારના પ્રજાકીય અને કાયદાકીય નિર્ણયના સંદભમાં આ વાતને સમજશે. સરકારને સહકાર આપશે અને પોતાના આંદોલનને પૂર્ણાહુતિ કરશે એવો અમને વિશ્વાસ છે.

ભાજપ સરકારને હંમેશા જોડવામાં રસ છે ત્યારે કોંગ્રેસ તોડવામાં રસ છે. ભાજપ સરકાર સામાજીક સમરસતા જળવાઈ રહે તેવા નિર્ણયો કરી રહી છે. ભાજપએ એસસી, એસટી અને ઓબીસી અનામત યથાવત રાખી છે. ગત વિધાનસભા સત્રમાં એસસી અનામતને વધુ ૧૦ વર્ષ માટે રાજકીય અનામત માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો. એસટી માટે પેસાનો કાયદો અમલમાં મુકીને અધિકારો આપ્યાં છે. ઓબીસીના મુદ્દે કોંગ્રેસને બંધારણીય દરજ્જો આપ્યો ન હતો.  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકારે ઓબીસી બીલને બંધારણીય દરજ્જો આપવાનું કામ કર્યું છે. કોંગ્રેસે ઓબીસી બીલનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસે શરૂઆતમાં પાટીદાર સમાજને  ઓબીસી અનામત આપવાની વાત કરી હતી. કોંગ્રેસ હંમેશા જૂઠ્ઠાણાં ફેલાવે છે અને બે મોઢાની વાતો કરે છે. ગુજરાતમાં દરેક વર્ગ/સમાજની અનામત યથાવત રાખીને સૌ પ્રથમવાર ગુજરાતમાં ૧૦%  ઈબીસી (આર્થિક પછાત અનામત)ની શરૂઆત થઈ અને અત્યારે સમગ્ર દેશમાં અમલમાં મુકવામાં આવી છે. જયારે કોંગ્રેસે પોતાના શાસિત રાજયોમાં ૧% ટકો ઈબીસી આપવાની જાહેરાત કરી નથી. હું ગુજરાતની જનતાને અપીલ કરું છું કે, ભારતીય જનતા પાર્ટીના શાસનને સૌને જોડવાનું કામ કર્યું છે, જયારે કોંગ્રેસને તોડવાનું કામ કર્યું છે. સૌનો સાથ-સૌનો વિકાસના મંત્રમાં સહકાર આપે. કોંગ્રેસના વેરઝેર ફેલાવવાના ષડયંત્રને સમર્થન નહીં આપે તેવો વિશ્વાસ છે.

કોંગ્રેસ અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસની ટીકા ન કરે

ભરત પંડયાએ કોંગ્રેસના નેતાએ અમેરીકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસ અંગે કરેલ ટીકા સામે તીવ્ર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું. કે, પ્રેસિડેન્ટ ગુજરાત આવે તે દેશ અને ગુજરાત માટે ગૌરવની વાત છે. આપણી સંસ્કૃતિમાં અતિથી દેવોની વાત છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી એના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આજે વિશ્વમાં એક મજબૂત, સ્વીકૃત અને લોકપ્રિય નેતા તરીકે પ્રસ્થાતિ થતાં હોય. બીજીબાજૂ વિશ્વની આર્થિક મહાસત્તાના પ્રેસીડેન્ટ ટ્રમ્પ આ બન્ને વિશ્વનું મજબૂત નેતૃત્વ ગુજરાતમાં એકત્રિત થવાના છે. ટ્રમ્પ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમના ઉદ્ઘાટન માટે આવી રહ્યાં હોય ત્યારે તેની ટીકા ન કરવી જોઈએ. અમેરિકામાં રહેતાં લાખો ગુજરાતીઓનું મહત્વ અને પ્રભુત્વ વધી રહ્યું છે. તેઓઓનો આ ગુજરાત પ્રવાસ ઐતિહાસીક બનવાનો છે. સાંસ્કૃતિક સંબંધ અને આર્થિક પ્રગતિ વધુ મજબૂત બનશે અને રાજકીય રીતે વિશ્વમાં ભારતની વિદેશનીતિ વધુ પ્રભાવશાળી બનવાની હોય ત્યારે કોંગ્રેસને અમેરીકન પ્રમુખ ટ્રમ્પના પ્રવાસની ટીકા ન કરવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.