લાભુભાઇ ત્રિવેદીનું નામ પડતા જ એક મૂઠી ઉંચેરા મહામાનવનું ચિત્ર મનોપટલ ઉપર તાદ્રશ્ય થાય છે. સાદગીની મુરત, સમર્પણનો પર્યાય, ત્યાગની સર્વોચ્ચ સાફસુથરી છબી, નિષ્કામ કાર્યશૈલી, ઓલીયા જોગી જેવુ અલૌકીક વ્યક્તિત્વ, શૂન્યમાંથી સર્જન કરનાર સર્જનહાર જેવા વિશેષણો જેમના માટે ઓછા પડે એવા ગુરૂ ના હુલામણા નામથી સુખ્યાત લાભુભાઇ ત્રિવેદીની ૨૫મી પૂણ્યતિથી નિમીતે આ શબ્દાંજલી એમના જીવનકવનને તાદ્રશ્ય કરવાનો નમ્ર પ્રયાસ છે.
આ જીવન ગાંધી વિચારધારાથી પ્રભાવિત લાભુભાઇ હંમેશા લાઇનીંગવાળુ આખી બાંઇનું ખાદીનું શર્ટ, ખાદીનો લેંઘો કે પેન્ટ અને પગમાં સામાન્ય ચપ્પલ પહેરતા. એમનું જીવન જ એમનો સંદેશો હતો. જાડી ફ્રેમના જાડા કાચવાળા ચશ્મામાંથી ડોકાતી એમની વેધક દ્રષ્ટિ હંમેશા આશાવાદી ભવિષ્યને શોધતી રહેતી. લાભુભાઇનો દેખાવ સામાન્ય માવી જેવો પણ પ્રભાવ અસામાન્ય હતો.
લાભુભાઇની સમાજસેવાના મૂળીયા ઉંડા હતા. એટલી જ તેમના ચારિત્ર્યની ઉંચાઇ હતી. સેવા કાર્યોના ભેખધારી અને સમાજને કશુંક આપવું છે, સમાજ પાસેથી માત્ર પ્રેમ મેળવવો છે, સમાજના આશિર્વાદ મેળવવા છે, બીજું કશું નહીં. લાભુભાઇ બહુ વિનમ્ર ભાવે કહેતા કે ‘ગુણો-અવગુણોથી ભરેલુ જીવન ડાઘ વિનાનું રહી ચૂક્યુ હોય તો એમાં મારી નિષ્ઠાની સાથે ઇશ્ર્વરની વિશેષ કૃપા રહી છે.’
જીવનમાં ઉચ્ચ કર્તવ્યને જ સ્થાન આપનાર લાભુભાઇ માટે કર્તવ્યપુ‚ષ એવુ નામાભિધાન કરવુ યથાયોગ્ય છે. ક્યારેક તેઓ વિવેકશીલ વિદ્યાપુ‚ષ લાગે તો બીજી જ ક્ષણે એમનામાં શિક્ષણપ્રેમ સાથે ઉંડો કલાપ્રેમ પ્રગટ થતો જોઇ શકાય. એ રીતે મૂલવતા વળી એક વધુ વિશેષણ આપવાનું મન થાય કે તેઓ ‘કલાપ્રેમી કેળવણી પુ‚ષ છે’. પોતાના જીવનમાં સાદગી, સંયમ અને કરકસરની દ્રષ્ટિ રાખનાર ગુ‚ની દિર્ઘદ્રષ્ટિ ભાવિ આયોજન પ્રતિ મંડરાયેલી રહેતી. આથી લાભુભાઇ ‘સ્વપ્નદ્રષ્ટા’ પણ લાગતા. આઘ્યાત્તમને એમણે આચરણમાં મુક્યું હતું.
લાભુભાઇનું વ્યક્તિત્વ અનેક ક્ષેત્રોમાં પ્રતિબિંબીત થતું રહેતું. સંસ્કારની સોડમ પ્રસરાવતુ તેમનું જીવન તેમની સંસ્થાઓમાં જ્ઞાન પિપાસા સંતોષતા દરેક વિદ્યાર્થીઓમાં પામી શકાતું. તેઓ માનતા કે શિક્ષણ સંસ્કારથી દીપે છે. વ્યક્તિને જીવનમાં આવનારા અણધાર્યા સંકટ સામે સંઘર્ષ કરવાનું પ્રેરણાબળ પુ‚ પાડે છે. પરિણામે તેઓ અનેકાનેક શિક્ષણ સંસ્થાઓનાં પ્રણેતા, પ્રવર્તક, પ્રચારક અને સુયોગ્ય સંચાલક બનેલા. વિદ્યાને દૈવી શક્તિ માનતા લાભુભાઇએ સંસ્થાઓમાં હંમેશા પારદર્શિતા રાખી હતી. એટલે જ આજે રાજકોટ વિદ્યાધામ સ્વરૂપે સ્થાપિત થયેલુ જોવા મળે છે.
શિક્ષણનું મહત્વ તેઓ સુપેરે સમજતા એટલે જ તેઓ વારંવાર કહેતા કે કોઇપણ સમાજ, રાજ્ય કે રાષ્ટ્રની પ્રગતિનો માપદંડ શૈક્ષણિક અને સાંસ્કૃતિક વારસો હોય છે. શિક્ષણની સાથોસાથ સાંસ્કૃતિક, ધાર્મિક અને આઘ્યાત્મિક વારસો જળવાશે તો સમાજની સાથોસાથ દેશ પણ મજબુત બનશે એવુ તેઓ દ્રઢ પણે માનતા.
‘શૈક્ષણિક સ્તરની પારાશીશીનો આંક જેમ ઉંચો એમ રાષ્ટ્રની સુખાકારી ઉંચી’માં માનનારા લાભુભાઇને એમની આ વિચારધારાને કારણે જ માનવ સભ્યતાના ઉત્થાનના ભેખધારી તરીકે એમને પ્રસ્થાપિત કરે છે. ‘જન જાગૃતિ એ જ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે’માં માનનારા લાભુભાઇ જનજાગૃતિ માટે સતત પ્રયત્નશીલ રહેતા.
મોટે પાયે સાંસ્કૃતિક પ્રવૃતિના પ્રણેતા એવા લાભુભાઇ રંગીલા રાજકોટની શાન સમાન ગણાતા. જન્માષ્ટમીના લોકમેળાના પ્રણેતા હતા. લોકમેળા થકી વિદ્યાર્થીઓમાં વ્યાપારની વ્યવહાર કુશળતા જન્મે એ માટે એમની સંસ્થાઓનાં વિદ્યાર્થીઓ દ્વારા લોકમેળાના સ્ટોલનું સંચાલન કરાવતા. શિક્ષણ, રાજકારણ, સમાજસેવા, અન્નદાન, પ્રાણીપ્રેમ, પર્યાવરણ જેવા વિવિધ ક્ષેત્રોમાં રત રહ્યા પછી પણ લોકજીવનને ધબકતું રાખે તેવા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ એટલી જ નિષ્ઠાથી કરતા.
તેઓ કલાના ઉત્તમ ભોક્તા હોવાથી કવિ, કલાકારોને સદૈવ પ્રેમ અને આદર સત્કાર આપતા. જીવનની દડમજલ કાપતા અને એકધારા જીવનચક્રમાં વ્યસ્ત રહેતા શહેરી અને ગ્રામ્યજનોને થોડા દિવસોમાં તરોતાજગીથી ભરી દેનારા તહેવારોની ઉજવણીમાં સાંસ્કૃતિક મેળાઓનું મહાત્મ્ય સમજનારા લાભુભાઇએ શરૂ કરેલા લોકમેળાના કારણે હજારો લોકોને રોજગારી મળી રહે તેવા બેવડા ઉદ્દેશથી તેઓ કાર્યો કરી જાણતા.
આનંદબજાર અને બાળમેળો, લોકમેળો જેવા નામકરણ સાથે શાસ્ત્રીમેદાનથી શ‚ થયેલી સાંસ્કૃતિક વિરાસત આજે રેસકોર્સના વિરાટ મેદાન સુધી વિસ્તરેલી છે. તહેવારોની મોસમમાં રાજકોટના ઘણા બધા પાર્ટી પ્લોટોમાં ચાલતા વ્યવસાયલક્ષી લોકમેળા કરતા એમના સ્થાપેલા લોકમેળાની લોકચાહના અકબંધ જળવાઇ રહી છે જે ઉત્તરોત્તર વધતી જોવા મળે છે.
વિશ્ર્વ વિખ્યાત કથાકાર મોરારીબાપુનો રાજકોટવાસીઓને પ્રથમ પરિચય કરાવનાર તેમજ આચાર્ય રજનીશને વાકેફ કરાવનાર લાભુભાઇ ત્રિવેદી જ હતા. વિદ્યાર્થીઓના ભવિષ્યને પારખીલેનાર લાભુભાઇની ધાર્મિક તેમજ આઘ્યાત્તમ મહાપુરૂયષોને પારખવાની દિર્ઘદ્રષ્ટિ પણ કેળવી હતી તે આ બાબતથી સ્પષ્ટ થઇ જાય છે.
આ અર્થમાં તેઓ સાચા કેળવણીકાર હતા. કૂમળા છોડને કેળવીને ઉછેર કરવાની કળામાં તો તેઓ માહેર હતા. આવા ‘ગુરૂ’ના નામથી લોકહૃદયમાં સદાકાળ બિરાજતા લાભુભાઇ ત્રિવેદી વિશે લખતા શબ્દો પણ ખૂટી પડે એવુ તેમનું જીવન છે.