ગુજરાતનાં સમાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે રાજ્યમાં ‘સવર્ણ’ શબ્દના બોલવા અને લખવા ઉપર પ્રતિબંધનો આદેશ કર્યો છે. તેમને કહ્યું છે કે આ શબ્દ ગેરબંધારણીય છે. જેથી સરકારનાં તમામ વિભાગો, બોર્ડ- નિગમ, ગ્રાન્ટેડ સંસ્થાઓ, શાળા, યુનિવર્સિટી, પાલિકા- પંચાયતો, મહેસૂલી રેકર્ડમાંથી ‘સવર્ણ’ શબ્દ દૂર કરવાનો રહેશે. રાજ્યમાં બિન-અનામત વર્ગ માટે સામાન્યપણે વપરાતા શબ્દ – સવર્ણના સરકારી કાર્યવાહીમાં ઉપયોગ અંગે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે ગુજરાત બિન અનામત આયોગ અને અન્ય વર્ગોના પંચ પાસે અભિપ્રાય માંગ્યો હતો.
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે તમામ વિભાગોને આ સંદર્ભે પત્ર લખીને આદેશ કર્યો છે. જેમાં જણાવાયું છે કે સરકારી વ્યવસ્થાઓમાં ‘સવર્ણ’ શબ્દનો ઉલ્લેખ કર્યો હોય તો તેવા તમામ દસ્તાવેજો અને આ શબ્દોના પ્રયોજનના પ્રમાણોની વિગતો મોકલી આપવાની રહેશે. વિભાગના સિનિયર અધિકારીના કહેવા મુજબ સરકાર કે તેને આધીન સંસ્થાઓ આ શબ્દનો ઉપયોગ કરી શકશે નહીં. નોંધનીય છે કે આ શબ્દ થોડા સમયથી બોલચાલની ભાષામાં સરકારી ખાતાઓથી લઇને સામન્ય માણસ સુધી પહોંચ્યો છે.
આ પહેલા પણ માહિતી અધિકારના કાયદા (2005) હેઠળ મેળવેલી માહિતીમાં ગુજરાત સરકારે એવો સ્વીકાર કર્યો હતો કે, ‘સવર્ણ જાતિ’ અથવા ‘સવર્ણ’ શબ્દનો સરકારી રેકર્ડમાં (દસ્તાવેજ) ક્યાંય ઉલ્લેખ નથી. માનવ અધિકાર માટે લડતા કિરીટ રાઠોડે ગુજરાત સરકાર પાસેથી માંગેલી માહિતીમાં આ ખુલાસો થયો હતો. કિરીટ રાઠોડે 18 મેના રોજ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ (ગુજરાત સરકાર) પાસે આ અંગેની માહિતી અધિકારની માહિતી માંગી હતી.