8 કલાક ચાલેલી ચર્ચા બાદ બીલના તરફેણમાં 454 મત પડ્યા, વિરૂદ્ધમાં માત્ર 2 જ મત પડ્યા : બિલ આજે રાજ્યસભામાં મુકાશે
અબતક, નવી દિલ્હી : મહિલા અનામત બિલ લોકસભામાં પસાર થયું છે. બુધવારે તેની તરફેણમાં 454 વોટ પડ્યા જ્યારે વિરોધમાં માત્ર 2 વોટ પડ્યા. આ બિલ લોકસભામાં બે તૃતિયાંશ બહુમતી સાથે પસાર કરવામાં આવ્યું છે. કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલે કહ્યું છે કે ગઈકાલે લોકસભામાં ઐતિહાસિક દિવસ હતો. સૌ કોઈ નારી શક્તિ વંદન ને અભિનંદન આપી રહ્યા હતા. કેટલાક લોકોએ તેનું રાજનીતિકરણ કરવાનો પ્રયાસ કર્યો અને અમે પણ તેનો જવાબ આપ્યો. આજે રાજ્યસભામાં ચર્ચા થશે. આજે દિવસભર ચર્ચા થશે, ચંદ્રયાન પર પણ ચર્ચા થશે.
મહિલા આરક્ષણ બિલ પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે ઓબીસી અનામત, સીમાંકન મુદ્દો કે વસ્તી ગણતરી અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે, હું તે તમામના જવાબ આપું છું. સૌ પ્રથમ, વર્તમાન બંધારણમાં ત્રણ પ્રકારના સાંસદો છે, જે સામાન્ય, એસસી અને એસટી શ્રેણીમાંથી આવે છે. અમે આ ત્રણ કેટેગરીમાં મહિલાઓ માટે 33% અનામત રાખ્યું છે. હવે જો ત્રીજા ભાગની બેઠકો અનામત રાખવાની હોય તો તે બેઠક કોણ નક્કી કરશે? આપણે કરવું જોઈએ? વાયનાડને અનામત મળશે તો તમે કહેશો કે અમે રાજનીતિ કરી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લોકસભામાં મહિલા અનામત બિલ પર બોલવા માટે ઉભા થયા કે તરત જ કોંગ્રેસ સહિત વિપક્ષી દળોએ હંગામો શરૂ કર્યો. આ પ્રસંગે અમિત શાહે રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર કરતા કહ્યું કે, ડરશો નહીં, ડરશો નહીં. પોતાના ભાષણ દરમિયાન રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ભારત સરકારના 90 સચિવોમાંથી માત્ર 3 ઓબીસીના છે. રાહુલ ગાંધીએ કહ્યું- ડરશો નહીં… અમે જાતિની વસ્તી ગણતરીની વાત કરી રહ્યા છીએ. અમિત શાહે કહ્યું કે આ બિલ યુગને બદલી નાખશે. અમિત શાહે આ બિલ માટે વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો. અમિત શાહે કહ્યું કે કેટલીક પાર્ટીઓ માટે મહિલા અનામત એક રાજકીય મુદ્દો હોઈ શકે છે, તે ચૂંટણી જીતવાનું હથિયાર બની શકે છે, પરંતુ મારી પાર્ટી અને મારા નેતા નરેન્દ્ર મોદી માટે તે કોઈ રાજકીય મુદ્દો નથી.