વોર્ડ નં.૧૨ની શ્રીનાથજી સોસાયટી, વિનાયક સોસાયટી, ઉદયનગર અને રિદ્ધિ-સિદ્ધિ સોસાયટી સહિતના વિસ્તારોમાં ધીમા ફોર્સથી પાણી મળતું હોવાની ફરિયાદ: સિટી એન્જિનિયર રૂબરૂ દોડી ગયા

શહેરનાં વોર્ડ નં.૧૨માં મવડી વિસ્તારમાં આવેલી અનેક સોસાયટીઓમાં છેલ્લા ઘણા દિવસથી ધીમા ફોર્સથી પાણી મળતું હોવાની ફરિયાદો કરવા છતાં કોર્પોરેશન તંત્ર દ્વારા સમસ્યાનો નિકાલ કરવામાં ન આવતા આજે મહિલાઓએ મવડી ચોકડી ખાતે ચકકાજામ કર્યું હતું અને માટલા ફોડયા હતા. કોર્પોરેશનનાં શાસકો સામે ઉગ્ર સુત્રોચ્ચાર પોકાર્યા હતા. આ ઘટનામાં વેસ્ટ ઝોનના સિટી એન્જીનીયર ડોડીયા ખુદ ઘટના સ્થળે દોડી ગયા હતા.IMG 0440

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરનાં વોર્ડ નં.૧૨માં મવડી વિસ્તારમાં આવેલી શ્રીનાથજી સોસાયટી, વિનાયક સોસાયટી, ઉદયનગર, રિદ્ધિ-સિદ્ધિ સોસાયટી, દ્વારકાધીશ સોસાયટી સહિતના વિસ્તારોમાં અત્યંત ધીમા ફોર્સથી અને પુરતું ૨૦ મિનિટ પાણી મળતું નથી. આ અંગે અનેકવાર ફરિયાદો કરવા છતાં કોર્પોરેશન દ્વારા કોઈ નિકાલ ન કરાતા આજે વોર્ડના કોંગી કોર્પોરેટર વિજય વાંક અને સંજય અજુડીયાની આગેવાનીમાં વિસ્તારની મહિલાઓએ મવડી ચોકડી ખાતે ચકકાજામ સર્જી દીધો હતો અને માટલાઓ ફોડયા હતા. કોંગી કોર્પોરેટરોએ એવો પણ આક્ષેપ લગાવ્યો હતો કે, વાલ્વ પુરતો ખોલવામાં આવતો ન હોવાનાં કારણે આ વિસ્તારમાં ધીમા ફોર્સથી પાણી મળી રહ્યું છે. મહિલાઓના રોષને પારખી વેસ્ટ ઝોનના સિટી એન્જીનીયર ડોડીયા રૂબરૂ ઘટના સ્થળે દોડી ગયા હતા.IMG 0456

વેસ્ટ ઝોનના સિટી એન્જીનીયર ડોડીયાએ અબતક સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, વાવડી સહિતનો વિસ્તાર મહાપાલિકામાં ભળ્યો છે અને અહીં પાઈપલાઈનનું નેટવર્ક પણ ખુબ જ જુનું છે. પુનિતનગરના ટાંકા ખાતેથી અલગ-અલગ સોસાયટીઓને પાણી આપવામાં આવતું હોવાનાં કારણે ધીમા ફોર્સની ફરિયાદો ઉઠી છે જે હલ કરવા માટે મહાપાલિકા દ્વારા વાવડી અને જેટકો ચોકડી ખાતે બે નવા ઈએસઆર-જીએસઆર બનાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત પાઈપલાઈનનું નેટવર્ક પણ ઉભું કરવામાં આવી રહ્યું છે. આજે મહિલાઓની પાણી રજુઆત સાંભળી છે અને તે હલ કરવા માટેની પણ ખાતરી આપી છે. વાલ્વ પુરતો ખોલવામાં ન આવતો હોય જેના કારણે પાણી પુરતા ફોર્સથી મળતી નથી તે વાત પાયાવિહોણી અને ખોટી છે.

છતે પાણીએ પાણીનો પોકાર! ચૂંટણીલક્ષી ખેલ હોવાની શંકા

શહેરનાં વોર્ડ નં.૧૨માં મવડી સહિતના મોટાભાગના વિસ્તારોમાં પુરા ફોર્સથી અને ૨૦ મિનિટ પાણી આપવામાં આવતું હોવાની કબુલાત ખુદ વોર્ડવાસીઓ કરી રહ્યા છે ત્યારે આજે કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા પાણી પ્રશ્ર્ને મવડી ચોકડીએ કરેલા ચકકાજામ અને માટલા ફોડ કાર્યક્રમ વાસ્તવમાં લોકસભાની ચુંટણીલક્ષી ખેલ હોવાની શંકા ઉપજાવે છે. હાલ શહેરના એક પણ વિસ્તારમાંથી પાણીની કોઈપણ ફરિયાદ મળતી નથી ત્યારે મવડી વિસ્તારની અનેક સોસાયટીઓમાં પુરતા ફોર્સથી પાણી મળતું ન હોવાની ફરિયાદ કરી જે કાર્યક્રમ આપવામાં આવ્યો તે અનેક રીતે શંકા ઉપજાવે તેવો છે.

ત્રણેય ઝોનમાં સરખા પ્રેસરથી પાણી વિતરણ કરીએ છીએ, વ્હાલા-દવલાની નીતિ રાખી નથી: મેયર

પાણી પ્રશ્ર્ને આજે મહિલાઓએ મવડી ચોકડી ખાતે કરેલા ચકકાજામ અને માટલા ફોડવા સહિતના કાર્યક્રમ અંગે પ્રતિક્રિયા આપતા મેયર બીનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, મહાપાલિકા દ્વારા શહેરના ત્રણેય ઝોનમાં સરખા પ્રેશરથી પાણી વિતરણ કરવામાં આવે છે. પાણીમાં કયારેય વ્હાલા-દવલાની નીતિ રાખી નથી. વોર્ડ નં.૧૨ની તમામ સોસાયટીઓમાં પુરા ફોર્સથી પુરુ ૨૦ મિનિટ પીવા લાયક શુદ્ધ પાણી આપવામાં આવે છે.

પરીન ફર્નિચર પાછળનાં જે નવા વિસ્તારો મહાપાલિકાની હદમાં ભળ્યા છે અને ત્યાં પાઈપલાઈનની સુવિધા નથી ત્યાં પણ ટેન્કર દ્વારા પાણી આપવામાં આવે છે. ઉનાળાના દિવસોમાં પાણીની માંગમાં વધારો થતા અહીં વધારાનાં ટેન્કર પણ દોડાવવામાં આવી રહ્યા છે. લોકસભાની ચુંટણીમાં મતદારોને ગેરમાર્ગે દોરવા માટે કોંગ્રેસે આજે કાર્યક્રમ આપ્યો હોવાની શંકા છે. વાસ્તવમાં આ વિસ્તારમાં પુરતા ફોર્સથી કે પુરતો સમય પાણી ન મળતું હોય તેવી એક પણ ફરિયાદ આજ સુધી મળી નથી. અહીં નવા પાણીના ટાંકા અને પાઈપલાઈનનું નેટવર્ક ઉભું કરવાની કામગીરી પણ ચાલી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.