સખી મંડળને મળેલી રૂ.12 હજાર અને ત્યાર બાદ રૂ.2.65 લાખની લોનથી આર્થિક પ્રવૃત્તિ ફૂલી ફાલી
કોન બનેગા કરોડપતિમાં આવી ચૂકેલ પાબી બેગ ફેમ પાબીબેને પોતાની પ્રવૃતિની શરૂઆત બહુ જ નાના પાયે કરી હતી. તેઓ પોતાના હુન્નર અને સખી મંડળના સહકારથી રાષ્ટ્રીય આંતર રાષ્ટ્રીય સ્તરે પ્રસિધ્ધી પામ્યા છે. કચ્છના આ પાબીબેનની જેમજ રાજકોટ જિલ્લાના પડધરીના રીટાબેન ગોસ્વામી પણ નાનકડા એવા નગરના વતની છે.
રીટાબેન દીકરીના આણાની વસ્તુઓ, દિવાળીની આઇટમો બનાવવાની શરૂઆત સાવ નાના પાયે કરી હતી. તેઓ એક નાનકડા થેલામાં પોતાની વસ્તુઓ ઘરે ઘરે જઇને વેચતા હતા. એવામાં સખી મંડળનો સહકાર મળ્યો, ને સરકારી સહાય પણ મળી. એટલે તેમણે પોતાના કામનો વ્યાપ વધાર્યો. સરકારી હસ્તકલા મેળામાં તેમને સ્ટોલ પ્રાપ્ત થવા લાગ્યા. તેમની વસ્તુઓ લોકપ્રિય થવા લાગી. હવે તેઓને તેમના માલસમામન માટે સામેથી ડિમાન્ડ રહે છે. હવે તેમને ઘરે બેઠા ફોનથી જ ઓર્ડર પ્રાપ્ત થતા રહે છે. આ બહેન દેશના તમામ રાજયના હસ્તકલાના મેળામાં પોતાના હુન્નર લોકો સુધી પહોંચાડી શકયા છે. પોતાની ગામની બહેનોને પણ તેમણે પોતાની સાથે જોડી છે. રીટાબેન કહે છે કે અભ્યાસ ઓછો હતો. એટલે નોકરી તો મળે નહીં. હા, ભરત ગુંથણ સહિતની કલા આવડતી. એમાં નારી ગૌરવ સખી મંડળની 2006માં સભ્ય બની. અમારી પ્રવૃત્તિ માટે એક વાર બાર હજારની અને પછી બે લાખ પાંસઠ હજારની વગર વ્યાજની લોન સરકાર દ્વારા મંજૂર કરાઇ હતી. જે પણ અમે ભરપાઇ કરી દીધી છે. આજ મારી સાથે મારા મંડળની દસે દસ બહેનો પગભર બની શકી છે. આ માટે અમે સરકારની સખી મંડળની કલ્યાણકારી યોજનાના આભારી છીએ.
આ સમગ્ર સખી મંડળના પ્રોજેકટ જિલ્લા વિકાસ અધિકારી અનીલ રાણાવસીયા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે. પટેલ, પ્રોજેકટ મેનેજર વી.બી.બસીયા, આસી. મેનેજર સરોજબેન મારડીયા સહિતના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સુપેરે કાર્યરત છે.