છેલ્લા એક સપ્તાહથી પાણી ન મળતા મહિલાઓ બની રણચંડી: ચક્કાજામનો પ્રયાસ કરાતા કોંગી કોર્પોરેટર નિલેષ મારૂ અને કોંગી અગ્રણી મયુરસિંહ જાડેજાની પોલીસ દ્વારા અટકાયત
મેઘરાજાએ અનરાધાર હેત વરસાવી રાજકોટની જળ જરૂરીયાત સંતોષતા તમામ જળાશયો છલકાવી દીધા છે. પરંતુ મહાપાલિકાની અણઆવડતા કારણે શહેરીજનોને નિયમીત નળ વાંટે ૨૦ મીનીટ પણ પાણી મળતું નથી. પાંચ વર્ષ પૂર્વે મહાપાલિકાની હદમાં ભળેલા કોઠારીયા ગામના વિસ્તારોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં પણ તંત્ર સદંતર નિષ્ફળ નિવડયું છે. ભર ચોમાસે છેલ્લા ૧ સપ્તાહથી પાણી ન મળતા આજે વોર્ડ નં.૧૮માં કોઠારીયા સોલવન્ટની મહિલાઓ રણચંડી બની હતી અને રેલવે ફાટક ખાતે એકત્રીત થઈ માટલા ફોડયા હતા. ચક્કાજામ કરવાનો પ્રયાસ કરતા પોલીસે કોંગી અગ્રણી નિલેષ મારૂ અને મયુરસિંહ જાડેજાની અટકાયત કરી હતી.
ભરચોમાસે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણીની મોકાણ સર્જાય છે. ગઈકાલે ડેપ્યુટી મેયરના મત વિસ્તાર એવા વોર્ડ નં.૪માં પાણી પ્રશ્ર્ને નંદનવન સોસાયટીના લત્તાવાસીઓ કોર્પોરેશન કચેરીએ ધસી આવ્યા હતા. દરમિયાન આજે શહેરના વોર્ડ નં.૧૮માં આવેલા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી પીવાનું પાણી મળતું ન હોય મહિલાઓ વિફરી હતી. કોંગ્રી કોર્પોરેટર નિલેષ મારૂ અને કોંગી અગ્રણી મયુરસિંહ જાડેજાની આગેવાનીમાં મહિલાઓનું ટોળુ કોઠારીયા સોલવન્ટ પાસે આવેલ રેલવે ફાટક પાસે એકત્રીત થયું હતું અને અહીં પાણીના ધાંધીયાના વિરોધમાં માટલા ફોડયા હતા અને તંત્ર વિરુધ્ધ ઉગ્ર સુત્રોચ્ચાર પોકાર્યા હતા. રોડ ચક્કાજામ કરવાનો પ્રયાસ કરાતા પોલીસ દ્વારા કોર્પોરેટર નિલેષ મારૂ અને કોંગ્રી અગ્રણી મયુરસિંહ જાડેજાની અટકાયત કરી લેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. એક તરફ શહેર આખુ પાણી પાણી છે તો બીજી તરફ તંત્રના પાપે લોકોને પીવાનું પાણી પણ નસીબ થતું નથી.