ચીનની સૌથી અમીર મહિલા ઝોઉ કયૂનફેઈને આ વર્ષે ફોર્બ્સે બિલિયનર્સ લિસ્ટમાં 16માં નંબર પર રાખી છે. આ સાથે જ તેણી દુનિયાની સૌથી અમીર સેલ્ફમેડ મહિલા પણ છે. એક વખત એવો હતો કે તે મોબાઈલ સ્ક્રીન ગ્લાસ બનાવતી ફેકટરીમાં કામ કરતી હતી.
હવે તેમની કંપની લેન્સ ટેક્નોલોજી એપલ, સેમસંગ અને અન્ય દિગ્ગ્જ કંપનીઓ માટે ટચસ્ક્રીન ગ્લાસ બનાવે છે. તેમને ‘કવીન ઓફ મોબાઈલ ફોન્સ ગ્લાસ’ના નામે પણ ઓળખવામાં આવે છે. તેમની સંપત્તિ લગભગ 9.8 બિલિયન ડોલર છે.
45 વર્ષીય કયૂનફેઈ મોબાઈલના ગ્લાસ બનાવતી અલગ-અલગ ફેક્ટરીઓમાં કામ કરી ચુકી છે. 1970માં સેન્ટ્રલ ચીનના હુનાન પ્રાંત સ્થિત એક નાનકડા ગામમાં તેનો જન્મ થયો હતો. તે ઘણા જ ગરીબ પરિવારથી આવતી હતી. કરિયરની શરૂઆત તેમણે દક્ષિણી શહેર શેનઝેનની એક ફેક્ટરીમાં ઘડિયાળોના ગ્લાસ બનાવીને કરી. રસપ્રદ વાત એ છે કે તે ગ્લાસ સ્ક્રીન બનાવવાવાળી હરીફ કંપની ‘બાઈ એન’માં પણ કામ કરી ચુકી છે.
2003માં તેણે પોતાની કંપનીની શરૂઆત કરી. તેનું હેડક્વાર્ટર તેમણે પોતાના હોમ ટાઉન હુનાનમાં બનાવ્યું હતું. આજે આ કંપનીની 10થી વધુ સહાયક કંપનીઓ આખા ચીનમાં ફેલાયેલી છે. તેમની પાસે પોતાની ફાર્મના 89 ટકા શેર્સ પણ છે. તેમની કંપનીમાં 82 હજારથી વધુ કર્મચારીઓ કામ કરે છે.