પોલીસના પાયદળીયાઓએ તોડમાં કળા કરી હોવાની ચર્ચાઓ: બનાવમાં ઉચ્ચ અધિકારીઓ દુધનું દુધ અને પાણીનું પાણી કરે તેવી લોકમાંગ
જુનાગઢમાં તાજેતરમાં જ તોડબાજ ટોળકી સક્રિય થઈ હોવાના સમાચારો ૯ ઓકટોબરના અખબારી માધ્યમોમાં પ્રસિઘ્ધ થયા હતા. આ સમાચારોને લાગતી વળગતી વાત હોય તેમ એક મહિલા સિવિલ હોસ્પિટલમાં પોતાના પર રેપ થયેલ હોવાનું કહી દાખલ થયેલ.
દાખલ થતી વખતે તેમણે ડોકટરને પ્રથમ મારામારી થઈ હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસ નિવેદન નોંધતી વખતે તેણે દવાખાના, પોલીસ ચોકીને ભારે ગુનાની વિગતો આપતા પોલીસે બી ડિવીઝન તરફ આ મામલાનો ડી.ઓ રવાના કર્યો હતો. આ બધુ બને તે પહેલા જ એક મીડિયા કર્મીએ મહિલા સાથે વાતચીત કરતા તેમણે સઘળી હકિકત જણાવી હતી. જોકે આ વાતનો ખ્યાલ પોલીસને ન હોવાથી આ ઘટનામાં આરોપી તેમજ ફરિયાદીને સંકલનમાં રાખી પોલીસે એક આરોપીને છુમંતર કરી બીજા આરોપી માથે ફકત છેડતીનો ગુનો નોંધી મોટો તોડ કર્યો હોવાની ચર્ચા ઉઠવા પામી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સિવિલ હોસ્પિટલ ખાતે એક જેતપુરની મહિલા પોતે જુનાગઢમાં ઘરકામ કરવા ગઈ હોય ત્યાં તેમના પર બે શખ્સોએ બળાત્કાર કર્યાની ફરિયાદ સાથે દવાખાનામાં દાખલ થઈ હતી. જોકે પહેલેથી જ પોપટ પઢાવેલો હોય તેમ દાખલ થતી વખતે આ મહિલા દ્વારા ડોકટરને ગુનાની હકિકત અલગ જણાવાઈ છે. જયારે જુનાગઢ દવાખાના પોલીસ ચોકીના કર્મચારી નિવેદન લેતા જાય છે ત્યારે તેમને ભારે ગુનાની વિગતો અપાતા દવાખાના પોલીસ ચોકી તરફથી ભારે ગુનાનો ડીઓ બી ડીવીઝન તરફ રવાના કરાય છે.
બી ડીવીઝન પી.આઈ પોતે સ્ટાફ સાથે આ મહિલાનું નિવેદન નોંધવા હોસ્પિટલ પહોંચે છે. કલાકો પહેલા બુમો પાડી પાડીને રેપ થયો હોવાનું કહેતી મહિલા પોલીસના ઉચ્ચ અધિકારી સમક્ષ છેડતી થયાનું જણાવે છે. આ મહિલા પ્રથમ બે વ્યકિત પર આક્ષેપો કરતી હતી બાદમાં પોલીસ એક શખ્સ ચોબારી રોડ પર કુબેર એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતા શખ્સ સામે ૩૫૪ એ/બી મુજબ ગુનો નોંધાયો છે.
આ સમગ્ર ઘટનાક્રમમાં બપોરે રેપની વાત સાંજે છેડતીની વાત સમગ્ર ઘટનાક્રમ નજરે જોનારાઓના ગળે ઉતરતો ન હતો ત્યારે બુદ્ધિજીવીઓએ આ મામલે પોલીસના પાયદળીયા સક્રિય થયા હોય મહિલાની સાથે મળી આરોપીઓ પાસેથી મોટો તોડ થયાની ચર્ચા જોર શોરથી ચાલી રહી છે અને આ તોડકાંડમાં પીઆઈ સહિતના અધિકારીઓનો કઠપુતળીની જેમ ઉપયોગ થયો હોય અને અધિકારીઓના નામે મોટો તોડ થયો હોવાની ચર્ચા હાલ જોરશોરથી ચાલી રહી છે.
સમગ્ર ઘટનામાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ રસ દાખવી દુધનું દુધ અને પાણીનું પાણી કરે તેવી લોકોમાં જબરી માંગ ઉઠવા પામી છે. જેનાથી પોલીસના પાયદળીયાઓ સાથે સંપર્કમાં રહી તોડબાજી કરતી આ ટોળકી પોલીસના હાથ ભાગી શકે છે તેમજ કેટલાય ભોગ બનતા અટકી શકે છે.