- પ્રેમ સંબંધ પાંચ મહિના પણ ન ટક્યો : ઓશિકા વડે મોઢું દબાવી ઠંડા કલેજે હત્યા નિપજાવી આરોપી ફરાર
રાજકોટ ન્યૂઝ : શહેરમાં હવે સામાન્ય બાબતોમાં મારામારીથી માંડી મર્ડર સુધીની ઘટનાઓમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. તેમાં પણ હવે પતિ-પત્ની જેવા સંબંધમાં સામાન્ય બાબતે બોલાચાલી કે ખટરાગ ઉદભવતા હત્યા સહિતના બનાવોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આશરે એકાદ માસ પૂર્વે જ શહેરના અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં પતિએ પત્નીની નિર્મમ હત્યા નીપજાવી મૃતદેહ સાથે વિડીયો બનાવી પોતે કરેલા કૃત્યનો કોઈ અફસોસ નહિ હોવાનું જણાવ્યું હતું.
જે બાદ ફરીવાર શહેરમાં આ પ્રકારનો એક બનાવ બન્યો છે. રૈયા રોડ પર આરએમસી ક્વાર્ટરમાં મૈત્રી કરારમાં રહેતા મિત્રએ જ મહિલાનું મોઢું ઓશિકા વડે દબાવી મોતને ઘાત ઉતારી દીધાનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત વિગત અનુસાર ઇલાબેન મનસુખભાઇ સોલંકી (ઉ.વ. આશરે 30) અને સંજય ભારતી ગોસાઈ (ઉ.વ. આશરે 35) અંદાજિત પાંચ મહિના પૂર્વે મૈત્રી કરારથી જોડાયા હતા. યુગલ શહેરના રૈયા રોડ પર આરએમસી ક્વાર્ટરમાં 360 નંબરના ક્વાર્ટરમાં આશરે અઢી માસથી રહેવા આવ્યો હતો. ઇલાબેન સોલંકીને તેના પહેલા ઘરેથી એક 13 વર્ષીય પુત્ર હતો જે યુગલની સાથે જ રહેતો હતો.
પોલીસે આપેલી વિગતો અનુસાર છેલ્લા થોડા દિવસોથી બંને વચ્ચે કોઈક કારણોસર ખટરાગ ઉભો થયો હતો. દરમિયાન ગત રાત્રીમાં વાસણ ધોવા બાબતે બંને વચ્ચે ફરીવાર ઝગડો થયો હતો. ઝઘડો ઉગ્ર બની જતાં લિવ ઈન પાર્ટનર સંજય ભારતી ગોસાઈએ ઓશિકા વડે મોઢું દબાવી ઇલાબેનને મોતને ઘાત ઉતારી દીધા હતા. આરોપીએ હત્યા નીપજાવી ફરાર થઇ ગયો છે.ઘટનાની જાણ થતાં યુનિવર્સીટી પોલીસના પી.આઈ. એન વાય રાઠોડ તેમજ સેક્ધડ પીઆઈ જાદવ તેમજ એસીપી રાધિકા ભારાઈ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી ગયાં હતા. પોલીસે ઘટનાસ્થળે પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી સંજય ભારતી ગોસાઈને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
વાસણ ધોવા બાબતે થયેલી બોલાચાલીએ હત્યાનું સ્વરૂપ ધારણ કર્યું
એસીપી રાધિકા ભારાઈના જણાવ્યા અનુસાર આરોપી અને મૃતક વચ્ચે છેલ્લા થોડા દિવસથી ખટરાગ ઉભો થયો હતો. દરમિયાન ગત રાત્રીએ વાસણ ધોવા બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જે બાદ સંજયે ઓશિકા વડે મૃતકનું મોઢું દબાવી દઈ હત્યા નીપજાવી હતી. હત્યા બાદ આરોપી ક્વાર્ટર છોડી નાસી ગયો હતો. હાલ આરોપીને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
મત્તક હોમકેરનો વ્યવસાય કરતી હોય એમ્બ્યુલન્સ ડ્રાયવર સંજયનો સંપર્ક થયો’તો
મૃતક ઇલાબેન સોલંકી હોમકેરનો વ્યવસાય કરતી હતી. આરોપી સંજય ભારતી પોતે એમ્બયુલન્સ ડ્રાયવર હોય બંનેનો વ્યવસાય એકબીજાને સંલગ્ન હોય બંનેનો પરિચય થયાં બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો. જે બાદ બંનેએ મૈત્રી કરારથી સાથે રહેવાનું નક્કી કર્યું હતું. જે બાદ યુગલે મૈત્રી કરાર કરી રૈયા રોડ પરના આરએમસી ક્વાર્ટરમાં સાથે રહેવાનું ચાલુ કર્યું હતું. જો કે, પ્રેમ સંબંધનો કરુણ અંત થયો છે.