કોરોનાને હરાવવામાં રાજયસરકારની ગ્રામ્ય આરોગ્ય સેવાઓ પણ પૂરતી સક્ષમ છે, એમ જસદણ તાલુકાના ગામડાંની હાઇ રીસ્ક મહિલાએ સાબિત કરી આપ્યું છે. જસદણ નજીકના આણંદપુર ગામના 50 વર્ષની ઉંમરના ચંદ્રાબેન ખાચરને કોરોનાનું સંક્રમણ ખૂબ વધી ગયું હતું. તેમનો સી.આર.પી.સ્કોર 272, ડી ડાઇમર 4200 અને સી.ટી.સ્કેનનો સ્કોર 18નો હતો. અતિ ગંભીર કહી શકાય એવા આ દર્દીને રાજકોટ બેડ મળતો ન હોવાથી તેમને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર લઇ જવાયા. જયાં ત્રણ એમ.ડી.ડોક્ટરોએ આ બેનને સારું થાય તેમ નહી હોવાનું જણાવીને સારવાર કરવાની જ ના પાડી દીધી.
અંતે હારી-થાકીને તેમના પરિવારજનો જીવવું તો ગામમાં, મરવું તો ગામમાં એમ નક્કી કરીને ચંદ્રાબેનને વીરનગરના ડેડિકેટેડ કોવિડ હેલ્થ કેર સેન્ટર ખાતે લઇ આવ્યા. જયાં આ સેન્ટરના નોડલ ઓફિસર ડો. ધવલ ગોસાઈ તથા મેડિકલ ઓફિસર ડો. વિધિ વાઘેલા, ડો. શીતલ મેનીયા, ડો. નીલેશ બાંભણીયા અને ડો. હેતલ નકુમે સાવ નંખાઇ ગયેલા, પણ મનથી જરાય હિંમત નહી હારેલા ચંદ્રાબેનની સારવાર શરૂ કરી. ડો. ધવલ ગોસાઈ જણાવે છે કે ચંદ્રાબેનને ગ્લુકોઝની બોટલ ચડાવવા માટે નસ પકડવાની ટ્રાય કરી, ત્યાં જ 4200 ડી ડાઇમરને લીધે ચંદ્રાબેનને કલોટ થઇ ગયા. પરંતુ ન અમે હિંમત હાર્યા, ન ચંદ્રાબેને અમને હિંમત હારવા દીધી.
સવાર-સાંજના અડધી કલાકના મહામુત્યુંજય મંત્રના જાપ, સતત કાઉન્સેલિંગ અને ચંદ્રાબેનના વિધેયાત્મક વલણને લીધે ત્રીજા દિવસથી અમને પોઝિટિવ સીગ્નલ્સ મળવા મંડયા.સતત 12 દિવસની તબીબી મથામણ બાદ અમે તેમને મોતના મુખમાંથી પરત લાવી શકયા. અને તેઓ સંપૂર્ણપણે કોરોનામુકત થઇ શકયા. 1 મેના દિવસે ચંદ્રાબેનને હેમખેમ ઘરે પહોંચી શકયા, તેમનો સંપૂર્ણ જશ ચંદ્રાબેનના પરિવારજનો વીરનગરના કોવિડ સેન્ટરના ડો. ગોસાઈ અને તેમની ટીમને આપે છે, અને જણાવે છે કે વીર નગર ખાતે સારી સારવારને લીધે અમારો પરિવાર અખંડ રહી શકયો છે. શ્રેષ્ઠ સારવાર બદલ વીરનગર ના સરપંચ અને જિલ્લા પંચાયતના સભ્ય પરેશભાઈ રાદડીયા એ પણ ડોક્ટરોની ટીમને અભિનંદન આપ્યા હતા. જસદણ તાલુકા કર્મચારી સહકારી મંડળીના પ્રમુખ પ્રતાપ ભાઈ ધાધલે પણ ડોક્ટરોના સાચા પ્રયત્નો અને સેવાભાવની કામગીરીને બિરદાવી હતી.