વેદિક કાળ વખતે સંયુકત કુટુંબોની પ્રથા હતી અને હમણા સુધી મહાજન પ્રથા હતી: તે બંનેનું ધોવાણ અમંગળ એંધાણ!
આપણે ત્યાં લગ્ન-વેવિશાળની મોસમ પ્રવર્તે છે. ‘લગ્ન-પ્રથા’ આજકાલથી નહિ પણ પૌરાણિક કાળથી ચાલી આવી છે. દેવ-દેવીઓનાં વિવાહ અને ઋષિ-મૂનિઓનાં વિવાહોની કથાઓનો સાક્ષી આપણો પૌરાણિક ઈતિહાસ છે. યુગોની તવારિખ પણ છે.
સીતા-દૌપદીનાં ‘સ્વયંવર’ રચાયા હતા. શિવ-પાર્વતી- ઉમા શંકર – વિષ્ણુ લક્ષ્મી, કૃષ્ણ-રૂક્ષ્મિણી એમ પરમેશ્ર્વરથી માંડીને રાજા-મહારાજાના લગ્નની અને એક પત્નીત્વથી માંડીને પાંચ પતિઓનાં એક જ પત્ની સુધીની, અર્થાત બહુપત્નીત્વની પ્રથા પણ પૌરાણિક, પ્રાગૈતિહાસિક ઈતિહાસમાં વર્ણવાઈ છે. ગાંધાર પ્રથા પણ અસ્તિત્વમાં હતી. શકુન્તલા-દુષ્યંતના લગ્ન પ્રેમ લગ્ન હતા.
પ્રેમ લગ્નની અને માબાપ-વડીલો દ્વારા રીતસરનાં લગ્નની સફળ-નિષ્ફળ લગ્નોની વાતો પણ આપણા વેદિક અને મધ્યયુગની કથાઓ આપણે જાણી શકયા છીએ. લગ્નેતર સંબંધો, વેશ્યાગીરી, બળાત્કારોને આપણા હિન્દુ સમાજે સંસ્કૃતિગત નથી લેખ્યા અને ‘પાપ’જન્ય ગણાવ્યા છે.
જૂના જમાનાને બાજુએ રાખીને સમીક્ષા કરીએ તો પૃથ્વીરાજ-સંયુકતા જેવા અપહરણ-લગ્ન વિષે આપણે ઈતિહાસમાં વાંચી શકયા છીએ.
એક રીતે એવું પણ લાગે છે કે, સદીઓ પૂર્વે ઘડાયેલી લગ્ન પ્રથા ક્રમે ક્રમે જૂની-પૂરાણી ગણાવા લાગવા માંડી છે.
એક જમાનો એવો પણ હતો કે, ‘પતિ એજ પરમેશ્ર્વર’ કહેવાતા હતા. પતિની પાછળ સતિ થવાનો રિવાજ હતો.
મહાભારત-કાળમાં પાંડુ રાજાની પત્ની માદ્રી માન્ડુના મૃત્યુ બાદ સતિ થઈ હતી. તેના બે પુત્રો સહદેવ અને નકુલને પાંડુતા બીજી પત્ની કુન્તીએ પોતાના ત્રણ પુત્રોની સાથે પોતાના જ પુત્રોની જેમ રાખ્યા હતા.
સ્વામિનારાયણ મહારાજે સ્ત્રી-પુરૂષોને અલગ રાખવાની હિમાયત કરી હતી. અત્યારે પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો સ્ત્રીઓથી અલગ રહે છે. સન્યાસીજીવન પાળે છે. અરે, નજરથી પણ દૂર રહે છે.
એક કવિએ એવું લખ્યું છે કે, ‘લગ્ન બંધન નથી, આત્મસંધાન છે, પ્રણયના પંથ છે. ઔર ન્યારા !’
લગ્નજીવનમાં પતિ-પત્ની આત્મસંધાનના રેશમી દોરે બંધાય તો જ દામ્પત્યજીવન સુખસંતોષથી લીલુંછમ બને એવો આમાં સંદેશ છે.
આ આદર્શનો દ્રોહ થાય અને વફાદારીના વિશ્ર્વાસનો દ્રોહ થાય ત્યારે ‘છૂટાછેડા’નો ઘાટ ઘડાય છે. અત્યારે એવી કહેવત પ્રવર્તે છે. કે, લગ્ન-ખર્ચ પાંચ-દશથી માંડીને પચાસ લાખના ખર્ચ સુધી પહોચે છે. અને છૂટાછેડા માટે એનાથી બમણો ખર્ચ આવે છે. અને એની સાથે બદનામી પણ થાય છે જે ભાવિમાં નડતર પ બને છે !
લગ્નમાં થતી દેખાદેખી અને શ્રીમંતાઈનું વરવું પ્રદર્શન સામાજીક દોષ જ લેખાય. જો આમાં સંયમની બ્રેક નહિ લાગે તો તે જબરા અનિષ્ટમાં ફેરવાઈ જવાનું જોખમ ખડું કરશે.
સમૂહ લગ્નો અને આદર્શ લગ્નોને પ્રોત્સાહિત કરવાની યોજનાઓ ઘડાવી ઘટે અને આર્થિક રીતે ગરીબ તેમજ નબળા મધ્યમ વર્ગના કુટુંબોને લક્ષમાં રાખીને જ ઘડાવી જોઈએ…
લગ્ન જીવનમાં તમામ સૌ ભાગ્ય સાંપડયા બાદ વૃધ્ધાવસ્થા આવે ત્યારે સંતાનો વૃધ્ધ માબાપોને સાચવવાની દરકાર નહિ કરતા હોવાના કિસ્સા વધતા ગયા છે. અને શ્રવણ સંસ્કૃતિનો લોપ થતો ગયો છે. સંયુકત કુટુંબોની પ્રથા અને મહાજન-પ્રથા પણ ઓસરવા લાગી છે. વૃધ્ધાશ્રમો-અનાથશ્રમો ઉભા કરવાની બાબત સારી કે એકંદર નઠારી એવો સવાલ જાગ્યો છે.
આ બધું જોતા, આપણી સામાજીક પ્રથાઓનું પૂન: નિરીક્ષણ કરવાનું જરૂરી બન્યું છે. લગ્ન પ્રથાથી માંડીને સંતાનને શિક્ષણ, શારીરીક સંભાળ લગ્ન પ્રથા છૂટાછેડા વૃધ્ધાવસ્થા, વૃધ્ધાશ્રમ અનાથાશ્રમ, વગેરે બાબતો અંગે યુગલક્ષી પરીક્ષણ કરવું જ પડશે. અને તે વિલંબ વિના કરવું પડશે. વેદિક કાળ વખતે સંયુકત કુટુંબોની પ્રથા અને મહાજન પ્રથા હતી, તેને લુપ્ત થવા દેવાનું આપણા સમાજને નહિ જ પાલવે.
આપણી સામે દેશના રાજકીય, આર્થિક અને સામાજીક ક્ષેત્રે બહુ મોટા પડકારો આંખો ફાડીને ઉભા છે. તે વખતે આ પ્રથાઓને વધુ લુપ્ત થવા દેવાને બદલે એને બળવત્તર બનાવવી જ પડશે.
આ સંસારને જોડવાનો ઉપદેશ આપવાને બદલે એને રળિયામણો બનાવવાનો ઉપદેશ આપણી ધર્મસત્તાએ આપવો ઘટે છે.