પ્રથમ દિવસે વિપક્ષ કોરોનાનું નવું વેરીએન્ટ, પેગાસસ અને 4 લાખની સહાય સહિતના મુદાઓ ઉપર સરકારને ભીડવશે
કૃષિ કાયદો રદ કરવાનો ખરડો પ્રથમ દિવસે જ રજૂ થવાની શક્યતા, સત્રમાં મહત્વના 30 બિલ રજૂ કરાશે
અબતક, નવી દિલ્હી : આજથી શરૂ થતું સંસદનું શિયાળુ સત્ર તોફાની બની રહેવાનું છે. સંસદના પહેલા જ દિવસે સંસદમાં ગરમ માહોલ જોવા મળશે. શિયાળુ સત્ર પહેલા રવિવારે યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં પણ તંગદિલીભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. આમ આદમી પાર્ટીએ બેઠકમાંથી વોકઆઉટ કર્યું અને વિપક્ષે બેઠકમાં હાજરી ન આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી. સરકાર લોકસભામાં ત્રણ નવા કૃષિ કાયદા રદ કરવાનુ બિલ મુકે તેવી પણ શક્યતા છે. સાથે સાથે ક્રિપ્ટોકરન્સી અંગેના બિલનો પણ સમાવેશ થાય છે.
આ તમામ મુદ્દે રવિવારે થયેલી સર્વપક્ષીય બેઠકમાં પણ હોબાળો જોવા મળ્યો હતો. બેઠકમાં વિપક્ષે સ્પષ્ટ કરી દીધુ કે તેઓ પોતાની માગણીઓને લઈને મજબૂતાઈથી ઊભા રહેશે. આ અંગે કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે અમારી તરફથી સર્વપક્ષીય બેઠકમાં મોંઘવારી, ખેડૂતો અને કોરોના જેવા મુદ્દાઓને ઉઠાવવામાં આવશે. તમામ પાર્ટીઓએ માગણી કરી છે કે એમએસપી માટે કાયદો બનાવવામાં આવે. આ ઉપરાંત એવી પણ માગણી કરાઈ છે કે કોરોના મૃતકોને ચાર લાખ રૂપિયાની મદદ કરવામાં આવે.
કોંગ્રેસ નેતાએ એ વાતનો પણ અંદેશો જતાવ્યો કે સરકાર ફરી પાછા ફેરફાર કરીને કૃષિ કાયદા પાછા લાવી શકે છે. આ અંગે તેઓ કહે છે કે સરકારે કૃષિ કાયદા પાછા જરૂર લીધા છે પરંતુ પીએમ મોદી પોતે માને છે કે તેઓ પોતાનો સંદેશો ખેડૂતોને બરાબર સમજાવી શક્યા નહીં. આવામાં બની શકે કે સરકાર થોડા ફેરફાર સાથે આ કાયદા પાછા લાવવાનું કામ કરે.
લોકસભા સચિવાયલ દ્વારા અપાયેલી જાણકારી પ્રમાણે, આ સત્રમાં વીજળી સંશોધન બિલ 2021, બેકિંગ કાયદામાં સુધારા માટેનુ બિલ, પેન્શન કાયદામાં સુધારા માટેનુ બિલ, ઉર્જા સંરક્ષણના કાયદામાં સુધારા માટેનુ બિલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્સ, કોસ્ટ એન્ડ વર્કર્સ એકાઉન્ટનન્ટસ અને કંપની સેક્રેટરી સાથે સંકળાયેલા બિલનો સમાવેશ થાય છે. સંસદીય કાર્ય રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યુ હતુ કે, શિયાળુ સત્રમાં 30 બિલ રજૂ કરાશે. વિપક્ષને આગ્રહ છે કે, આર્થિક સુધારા તેમજ બીજા મુખ્ય વિષયો સાથે જોડાયેલા કેટલાક બિલ પર ચર્ચા કરે અને તેને પસાર કરવામાં સહયોગ કરે. સરકાર તમામ પ્રકારની ચર્ચા કરવા માટે તૈયાર છે.
સંસદનું આ શિયાળુ સત્ર આજથી, સોમવારથી શરૂ થઇને 23મી ડિસેમ્બર સુધી ચાલશે. બીજી તરફ સત્તાધારી ભાજપ અને વિપક્ષોએ પોત પોતાના સાંસદોને આ શિયાળુ સત્રમાં સંસદમાં હાજર રહેવા વ્હીપ જારી કર્યો છે. જેથી દરેક સાંસદોએ ફરજિયાત સંસદમાં હાજર રહેવું પડશે.