રાજયમાં નલીયા ૧૬.૬ ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર: રાજકોટનું લઘુતમ તાપમાન ૨૦ ડિગ્રી
રાજયમાં ધીમે-ધીમે લોકો શિયાળાની ઠંડીનો અનુભવ કરી રહ્યા છે પરંતુ હજુ શિયાળો બરાબર જમાવત લેતો નથી. ૧૦ થી ૧૫ દિવસમાં પારામાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. રાજયનાં કેટલાક શહેરોમાં તાપમાન ૧૯ ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે અને નલીયા રાજયનું સૌથી ઠંડી શહેર છે. ઉતર ભારતનાં પહાડોમાં થઈ રહેલી હિમવર્ષાનાં પગલે ગુજરાત તરફ ઠંડા પવન ફુંકાતા તાપમાનનો પારો થોડો ગગડયો છે પરંતુ હજુ ગુલાબી ઠંડી શરૂ થઈ નથી. રાજયમાં ૧લી ડિસેમ્બરથી ઠંડીનું જોર વધે તેવી હવામાન વિભાગની આગાહી છે.
મળતી માહિતી મુજબ આજે સવારે ૮:૩૦ કલાક દરમિયાન રાજયનાં વિવિધ શહેરોમાં ઠંડીનાં તાપમાનનો પારો ૧ થી ૨ ડિગ્રી જેટલો ગગડયો છે. નલીયા ૧૬.૬ ડિગ્રી સાથે રાજયનું સૌથી ઠંડુ શહેર છે. બીજા શહેરની વાત કરીએ તો અમદાવાદનું લઘુતમ તાપમાન ૧૯.૨ ડિગ્રી, ડિસાનું ૧૯ ડિગ્રી, વડોદરાનું ૧૯.૨ ડિગ્રી, સુરતનું ૨૨ ડિગ્રી, રાજકોટનું ૨૦ ડિગ્રી, ભાવનગરનું ૨૧ ડિગ્રી, પોરબંદરનું ૨૧.૪ ડિગ્રી, વેરાવળનું ૨૨.૧ ડિગ્રી, દ્વારકાનું ૨૨.૫ ડિગ્રી, ઓખાનું ૨૪ ડિગ્રી, ભુજનું ૧૯ ડિગ્રી, સુરેન્દ્રનગરનું ૧૯.૮ ડિગ્રી, કંડલાનું ૧૯.૧ ડિગ્રી, ગાંધીનગરનું ૧૯ ડિગ્રી, મહુવાનું ૧૮.૫ ડિગ્રી, દિવનું ૧૯.૭ ડિગ્રી, વલસાડનું ૧૯.૬ ડિગ્રી અને વલ્લભવિદ્યાનગરનું ૨૧.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજકોટ શહેરની વાત કરીએ તો આજે સવારે રાજકોટનું મહતમ તાપમાન ૩૨.૬ ડિગ્રી નોંધાયું હતું જયારે લઘુતમ તાપમાન ૨૦ ડિગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૭૯ ટકા અને ૪ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો. રાજયભરમાં ઠંડીનું જોર હજુ વઘ્યું નથી અને ઠંડી જમાવટ લેતી નથી. મોટાભાગનાં શહેરોમાં તાપમાનનો પારો સતત ઉતાર-ચઢાવ કરી રહ્યો છે ત્યારે આગામી ૧લી ડિસેમ્બરથી રાજયભરમાં ઠંડીનું જોર વધે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.