- અનેક ગુનામાં સંડવણી છતાં કોની ભલામણથી હથિયાર આપવામાં આવ્યું?
- યુનિર્વસિટી પોલીસે હથિયાર પરવાના અંગે કેમ પોઝીટીવ રિપોર્ટ આપ્યો: પાંચ માસમાં જ હથિયાર લાયસન્સ રદ થશે
સુરેન્દ્રનગરની જેમ રાજકોટમાં પણ હથિયાર લાયસન્સ આપવામાં ગેરરીતી થયાની ઉઠેલી ફરિયાદને સમર્થન મળે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. અનેક ગુનામાં સંડોવાયેલા એક સમયના પાસના ક્ધવીનર તરીકે રહેલા દિલીપ સાવલીયાની પત્નીએ જાહેરમાં કરેલા ફાયરિંગના વીડિયો વાયરલની ઘટના અંગે ઉંડી છાનભીન થાય તો કેટલીક સ્ફોટક અને ચોકાવનારી વિગતો બહાર આવે તેમ છે.
મુળ પડધરી તાલુકાના ન્યારા ગામના વતની અને રૈયા રોડ પર આલાપ ગ્રીન સિટી પાસે કેપ્ટીલ ગોલ્ડ એપાર્ટમેન્ટમાં રહેતા દિલીપભાઇ તરશીભાઇ સાવલીયા નામના કારખાનેદારની પત્ની તૃપ્તીબેન સાવલીયાએ જાહેરમાં ફાયરિંગ કરતો વીડિયો વાયરલ થયો હતો. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. વાય.બી.જાડેજા સહિતના સ્ટાફે તેની ધરપકડ કરી હતી.
હથિયાર દિલીપભાઇ સાવલીયા પરવાનાવાળુ હોવાનું અને વેજાગામ પાસે અઢી માસ પહેલાં ફાયરિંગ કર્યુ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. પરંતુ દિલીપભાઇ સાવલીયા પાસના ક્ધવીનર હતા ત્યારે તેની સામે ગુના નોંધાયા હતા તેમ છતાં તેને લાયસન્સ કંઈ રીતે મળ્યું અને તેની સામેના ગુના કેમ અભિપ્રાય આપનાર પોલીસ મથકના સ્ટાફ દ્વારા નજર અંદાજ કરવામાં આવ્યા તે અંગે તપાસ થવી જરૂરી છે.
દિલીપ સાવલીયાને પાંચ માસ પહેલાં જ હથિયારનું લાયસન્સ મળ્યું છે. અને તે રદ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી શરૂ કરતા દિલીપભાઇ સાવલીયા દ્વારા લાયસન્સ મેળવવા કરેલી દોડધામ અર્થહીન બની રહેશે તેમ જાણકારો કહી રહ્યા છે.