જૂનાગઢથી કાર ભાડે કરી ચોટીલા દર્શન કરવા લઇ જઇ પૂર્વ પતિ અને પત્નીએ હત્યાનો પ્લાન બનાવ્યાની સ્ફોટક કબુલાત
દારૂ પીવડાવી ગોંડલ પાસેના વેકરી ગામે તળાવમાં કાર ધકેલી દીધાની જૂનાગઢના શખ્સની કબુલાતથી બે હત્યાનો ભેદ ઉકેલાયો
મૃતક પટેલ યુવકની પત્નીની હત્યાના ગુનામાં શોધખોળ: સસ્પેન્સ થ્રીલર જેવી સ્ટોરીનો જૂનાગઢ અને ગોંડલ પોલીસે કર્યો ઘટ્ટસ્ફોટ
ગોંડલ તાલુકાના વેકરી ગામના તળાવમાંથી વીસ્ટા કારમાં ડુબેલી હાલતમાં બે મૃતદેહ મળી આવતા જૂનાગઢ અને ગોંડલ પોલીસે રાતભર દોડધામ કરી સસ્પેન્સ થ્રીલર જેવી સ્ટોરીનો ઘટ્ટસ્ફોટ કર્યો છે. જૂનાગઢના કાર ચાલક ચોટીલા ભાડુ લઇને ગયા બાદ પાંચેક દિવસથી ભેદી રીતે ગુમ થયાની ઘટના અંગે જૂનાગઢ પોલીસે કરેલી છાનભીનમાં ડબલ મર્ડરની ઘટનાનો પર્દાફાસ થયો છે. પતિનો વીમો પકવવા પત્નીએ પોતાના પુર્વ પતિ સાથે મળી પતિની હત્યાનો પ્લાન બનાવી પતિ અને કાર ચાલકની હત્યા કર્યાનો ઘટ્ટસ્ફોટ થયો છે. ગોંડલ તાલુકાના વેકરી ગામના તળાવમાં કાર ડુબાડી જેપુર અને જૂનાગઢના યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો છે. હત્યાના ગુનામાં સંડોવાયેલા એક શખ્સની ધરપકડ બાદ તેની પૂર્વ પત્નીની શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના વંથલી રોડ પર આવેલા દિપજંલી-૨માં રાજમહેલ એપાર્ટમેન્ટમાં રહેતા ટેકસી ચાલક અશ્ર્વિનભાઇ પ્રેમજીભાઇ પરમાર નામના ૪૮ વર્ષના પ્રૌઢ ગત તા.૧૨મીએ ચોટીલાનું ભાડુ લઇને ગયા બાદ પરત ન આવ્યાની જૂનાગઢ પોલીસમાં નિર્સગ અશ્ર્વિનભાઇ પરમારે નોંધ કરાવી હતી.
જૂનાગઢ ડીવાય.એસ.પી. પ્રદિપસિંહ જાડેજા અને એલસીબી પી.એસ.આઇ. ગોહિલ સહિતના સ્ટાફે અશ્ર્વિનભાઇ પરમારની કાર કોને ભાડે કરી અને તેના મોબાઇલ નંબર અને લોકેશનના આધારે તપાસ શરૂ કરતા કાર નાસીરખાન નામના શખ્સે ચોટીલા જવા માટે ભાડે કરી હોવાનું બહાર આવતા પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ કરતા નાસીરખાને પોતાની પુર્વ પત્ની મંજુ ઉર્ફે મરિયમ સાથે મળી મંજુના બીજા પતિ રમેશ કલા બાલધાની હત્યા કરી તેના નામો વીમો અને ખેતીની જમીન હડપ કરવાનો પ્લાન બનાવી રમેશની હત્યા કરવા માટે અશ્ર્વિન પરમારની કાર ભાડે કર્યા બાદ બંનેને દારૂ પીવડાવી કાર ગોંડલ તાલુકાના વેકરી પાસે તળાવમાં ડુબાડી દીધાની સ્ફોટક કબુલાત આપતા પોલીસ પણ ચોકી ઉઠી છે.
ગોંડલ અને જેતપુર વચ્ચે આવેલા જેપુરના રમેશ કલાભાઇ બાલધાની ઉમર થવા છતાં લગ્ન ન થતા તેને મુસ્લિમ યુવતી મરિયમ સાથે લગ્ન કર્યા હતા. ત્યારે મરિયમના પરિવારજનોએ રમેશ બાલધાના નામનો રૂા.૨૫ લાખનો વીમો ઉતરાવવાનું નક્કી થયું હતું. રમેશનું આકસ્મિક મોત થાય તો વીમાની રૂા.૨૫ લાખની રકમ વારસદાર તેની પત્ની મંજુ ઉર્ફે મરિયમને મળે તેમ હોવાથી મંજુ ઉર્ફે મરિયમે પોતાના ભાઇ નાસીરખાન સાથે મળી રમેશ બાલધાની હત્યાનો પ્લાન બનાવ્યાની નાસીરખાને પોલીસ સમક્ષ કબુલાત આપી છે.
રમેશ બાલધાને ગોંડલ નજીક જેપુર ગામે આઠ વિઘા જમીન હોવાનું અને તેના નામો રૂા.૨૫ લાખનો વીમો મુંજ ઉર્ફે મરિયામને મળે તે માટે તેની હત્યા કરી સમગ્ર બનાવને આકસ્મિક ઘટનામાં ખપાવવા માટે ઘડેલા કાવતરાના ભાગરૂપે જૂનાગઢના અશ્ર્વિનભાઇ પરમારની જી.જે.૧૧બીએચ. ૮૩૨૪ નંબરની વીસ્ટાકાર ચોટીલા દર્શન કરવા માટે ભાડે કરી હતી ત્યાંથી પરત આવ્યા ત્યારે નાસીરખાને પોતાની પ્રથમ પત્ની મંજુ ઉર્ફે મરિયમને ગોંડલ ઉતારી દીધા બાદ કાર ચાલક અશ્ર્વિનભાઇ પરમાર અન રમેશ કલાભાઇ બાલધાને ચીકાર દારૂ પીવડાવ્યા બાદ ગોંડલ તાલુકાના વેકરી ગામે તળાવ પાસે ઢાળમાં કાર ઉભી રાખી કારના ચારેય દરવાજા લોક કરી ધક્કો મારી દેતા અશ્ર્વિનભાઇ પરમાર અને રમેશભાઇ બાલધાના કાર સાથે તળાવમાં ડુબી જવાના કારણે મોત નીપજ્યાની નાસીરખાને જૂનાગઢ એલસીબી સમક્ષ આપેલી કબુલાતના આધારે ગતરાતે તેને સાથે રાખી વેકરી ગામે તળાવે આવી બંનેના મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે રાજકોટ મેડિકલ કોલેજ ખાતે મોકલ્યા છે. ગોંડલ તાલુકા પોલીસે નાસીરખાન અને તેની પ્રથમ પત્ની મંજુ ઉર્ફે મરીયમ સામે ડબલ મર્ડરનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.
પૈસા કમાવા ભીમો બન્યો નાસીર અને મરિયમ બની મંજુ
જૂનાગઢના કાર ચાલક અશ્ર્વિનભાઇ પરમાર અને જેપુરના રમેશભાઇ બાલધાની હત્યાના ગુનામાં ઝડપાયેલા નાસીરખાને પોલીસ સમક્ષ પૈસા કમાવવા ડબલ મર્ડર કર્યાની કબુલાતની સાથે પોતે ૨૦૧૮માં ભીમો આહિર નાસીરખાન બન્યો હતો અને મરિયમ સાથે પ્રેમ લગ્ન કર્યાની કબુલાત આપી છે. મરિયમે પણ પૈસા કમાવવા માટે જેપુરના રમેશ બાલધા સાથે બીજા લગ્ન કરી મુસ્લિમમાંથી હિન્દુ ધર્મ અંગીકાર કરી મરિયમમાંથી મંજુ બની રમેશભાઇ બાલધાની પત્નીની સાથે વારસદાર બની વીમાની રકમ હડપ કરવાનો કારસો રચ્યાની સ્ફોટક વિગતો પ્રકાશમાં આવતા સનસનાટી મચી ગઇ છે.