પછેડી એટલી સોડ તણાય!!!

મોદીના ૫ ટ્રિલિયન ડોલર ઇકોનોમીનું લક્ષ્ય: વિશ્વ ૧૮૮ ટ્રિલિયન ડોલરના દેણામાં

વિશ્ર્વ આખાના ઉત્પાદકતા કરતા ૨૩૦ ટકા વધુ દેવું!!!

ભારત દેશ અને તેમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમીનું સ્વપ્ન છે તેને પરીપૂર્ણ કરવા માટે દેશ સાર્વત્રિક રીતે અનેકવિધ પ્રકારે મહેનત કરી રહ્યું છે. નવા કાયદાઓ, નવી યોજનાઓ થકી ૨૦૨૫ સુધીમાં કેવી રીતે લક્ષ્યને પહોંચી શકાય તે દિશામાં વિશેષ પગલા લેવામાં આવી રહ્યા છે પરંતુ સાંપ્રત પરિસ્થિતિમાં દેશમાં જે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે તેની સામે વિશ્ર્વ આખું મંદીનાં ઓથા હેઠળ છે તેવો રીપોર્ટ આઈએમએફ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. હાલ વિશ્ર્વ આખાની જે ઉત્પાદકતા હોવી જોઈએ તેની સામે દેણુ ૨૩૦ ટકા વધુ છે. હાલનાં આંકડાકિય માહિતી મુજબ વિશ્ર્વ આખું ૧૮૮ ટ્રિલીયન ડોલરનાં દેણા હેઠળ આવી ગયું છે.

વિશ્ર્વ આખાની અર્થવ્યવસ્થાને સૌથી માઠી અસર પહોંચવા પામી છે. ઉત્પાદકતામાં દિન-પ્રતિદિન ઘટાડાની સામે જે લોકો દ્વારા જે ખર્ચ કરવામાં આવી રહ્યો છે તેનું દેણુ શહેર, રાજય અને દેશ ઉપર આવતા અર્થવ્યવસ્થાને તેની માઠી અસર પહોંચવા પામી છે. અમેરિકા, ચાઈના વચ્ચેનો ટ્રેડવોર હોય કે પછી આરસીઈપી કરાર હોય હાલ સમગ્ર વિશ્ર્વ અર્થવ્યવસ્થાને વધુ મજબુત અને બેઠી કરવા માટેનાં વિશેષ પ્રયત્નો હાથધરી રહી છે પરંતુ જે યોગ્ય નિરાકરણ આવવું જોઈએ તે હજુ સુધી આવ્યું નથી. જોવાનું એ રહ્યું કે જો આજ સ્થિતિ પ્રર્વતીત રહેશે તો સમગ્ર વિશ્ર્વમાં વ્યાપક મંદીની છબી ઉદભવિત થશે અને વ્યવસાયોને તેની માઠી અસરનો સામનો પણ કરવો પડશે. વાત કરવામાં આવે તો કોઈપણ દેશની અર્થવ્યવસ્થા મજબુત ત્યારે જ થઈ શકે જયાં રૂપિયાની તરલતા સૌથી વધુ જોવા મળતી હોય. ડિમાન્ડ સપ્લાયનો જે નિયમ છે તેમાં હાલ સમગ્ર વિશ્ર્વમાં ડિમાન્ડ કરતા સપ્લાય વધુ હોવાનું સામે આવ્યું છે જેનાથી રોજગારી, ઉત્પાદકતાને ઘણી ખરી અસર પહોંચવા પામી છે.

વિશેષ રૂપથી જે રીતે ખાનગી ક્ષેત્ર ખુબ મોટી રકમ બેંક પાસેથી જયારે લોન પેટે લે છે ત્યારે સરકારની જવાબદારી પણ સામે એટલા જ અંશે વધી જતી હોય છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડનાં અહેવાલ મુજબ ૨૦૧૯માં વિશ્ર્વનું દેણુ ૧૮૮ ટ્રિલીયન ડોલરનું છે. જે ૨૦૧૬માં ૧૬૪ ટ્રિલીયન ડોલર રહ્યું હતું. ૧૯૮૦ બાદ દેણાનું પ્રમાણ પ્રતિ વર્ષ વધતું જોવા મળ્યું છે. વિશ્ર્વ આખાનું દેણુ માત્ર ખાનગી સંસ્થાઓમાં જ નહીં પરંતુ પબ્લીક કંપનીમાં પણ જોવા મળી રહ્યું છે. હાલ ૧૮૮ ટ્રિલિયન ડોલરનાં દેણા સામે વિશ્ર્વ આખાએ જો બેઠુ થવું હોય તો યોગ્ય ઉપાયોને વળગી રહી નવીનતમ વિકાસલક્ષી યોજનાઓને મહત્વ આપવું પડશે અને તે દિશામાં કામગીરી પણ કરવી પડશે. હાલનાં તબકકે વિશ્ર્વ આખું દેણાનાં કિચડ હેઠળ એટલું ફસાઈ ગયું છે કે તેને બહાર નિકળવું પણ સૌથી કઠીન બની ગયું છે.

એફકેઝેડ

ભારતની અર્થવ્યવસ્થાનો આકાર માત્ર ૨.૭ લાખ કરોડ ડોલરનો છે, જ્યારે કે દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકાનો આકાર લગભગ ૨૧.૩૫ લાખ કરોડ ડોલરનો છે. આઈએમએફની પ્રમુખ ક્રિસ્ટલીના જોર્જીવાએ લોનના આટલા વિશાળકાય બોજ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, લોનની રકમ વિશ્વના કુલ ઉત્પાદનના બેગણાથી પણ વધુ છે.

તેમણે ચેતવણી આપતા કહ્યું કે, જો અર્થવ્યવસ્થાની ઝડપ ધીમી થઈ જાય છે, તો સરકારો અને ઈન્ડિવિઝ્યુઅલ ખતરામાં પડી જશે.  ૨૦૧૬માં સમગ્ર વિશ્વ પર લોનનો બોજ લગભગ ૧૮૮ લાખ કરોડ ડોલર હતો. જૂન મહિનામાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)નો એક રિપોર્ટ આવ્યો હતો જે મુજબ, ભારતનું કુલ વિદેશી દેવું ૨૦૧૯ સુધી ૫૪૩ અબજ ડોલર હતું. માર્ચ ૨૦૧૮ની સરખામણીએ વિદેશી દેવાની રકમમાં લગભગ ૧૩.૭ અબજ ડોલરનો વધારો થયો. જીડીપી સાથે સરખામણી કરીએ તો રકમ ૧૯.૭ ટકા હતી. કેન્દ્ર સરકાર દર વર્ષે લાખો કરોડ રૂપિયા માત્ર દેવા પર વ્યાજ ચૂકવવામાં ખર્ચ કરી દે છે. ગત બજેટમાં સરકારે દેવા પર વ્યાજ ચૂકવવા માટે ૫.૭૫ લાખ કરોડ રૂપિયા એલોટ કર્યા હતા. બજેટ ૨૦૧૯-૨૦ની વાત કરીએ તો સરકારએ લગભગ ૨૭.૮૦ લાખ કરોડ રૂપિયા ખર્ચનો લક્ષ્ય રાખ્યો છે.

વિશ્ર્વનાં ઘણા વિકાસશીલ અને વિકસિત દેશો કે જેની આર્થિક સ્થિતિ સારી હોય તે સર્વેએ એકઠા થઈ આ અંગેનું યોગ્ય નિરાકરણ લાવવું જોઈએ. વૈશ્ર્વિક મંદી અને વિશ્ર્વ કે જે દેણા હેઠળ છે તેનું એક કારણ એ પણ છે કે જે રીતે વિશ્ર્વનાં વિકસિત દેશો પોતપોતાની રીતે વિશ્ર્વભરમાં વ્યાપાર કરવા માટે નત નવા નિયમો અને અન્ય દેશોની ચીજ-વસ્તુઓ પર વધુને વધુ ડયુટી લગાવવી રહ્યા છે જેનાથી બંને દેશો વચ્ચેનાં વ્યાપારી સંબંધોને પણ ઘણી ખરી અસર પહોંચે છે ત્યારે જો અન્ય દેશોની ચીજ-વસ્તુઓ પર જે ટેરીફ લગાવવામાં આવે છે તે ન લગાવાય તો પરિસ્થિતિ થોડી અલગ જ હશે.

આર્થિક નાદારીનાં ભયે બે બળીયાને ભેગા થવા મજબુર થવું પડયું!

સમગ્ર વિશ્ર્વમાં હાલ ચાઈના અને અમેરિકા તેની જોહુકમી ચલાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ આરસીઈપી કરાર તો બીજી તરફ અમેરિકાનું એશીયા પેસેફિક ટ્રેડ પાર્ટનરશીપમાંથી બહાર થવું તે પણ સૌથી મોટો ચિંતાનો વિષય જોવા મળી રહ્યો છે. આરસીઈપી કરાર કે જે ચાઈના પ્રેરીત હતો અને ભારત દેશ દ્વારા તેનો નનૈયો કરવામાં આવતાની સાથે જ ભારત માટે અમેરિકા અને યુરોપીયન યુનિયન દેશોમાં વ્યાપારનો વેગ વધારવા માટેની એક ઉતમ તક સાંપડી હતી જયારે બીજી તરફ અમેરિકા દ્વારા એશિયા પેસેફિક ટ્રેડ પાર્ટનરશીપમાં જોડાણ ન કરતા અમેરિકાનું પ્રભુત્વ એશિયન દેશોમાં નહિવત થયું હતું ત્યારે બીજી તરફ અમેરિકા અને ચાઈના વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરનાં કારણે વિશ્ર્વ આખાને તેની માઠી અસરનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થિતિને અવલોકન કરતાની સાથે જ બંને દેશો વચ્ચે મૈત્રીપૂર્વક વ્યાપાર સંબંધોને વધુ વિકસિત બનાવવા અને વધુ મજબુત બનાવવા મહેનત શરૂ કરી દેવામાં આવી છે. હાલ અમેરિકા અને ચાઈના વચ્ચે જે ટ્રેડવોર ચાલી રહ્યો છે તેનો અંત લાવવા માટે અમેરિકાનાં ડોનાલ્ડ ટ્રમ્પ અને ચાઈનાનાં જીનપીંગની મુલાકાત આવનારા સમયમાં ખુબ જ વિશેષ બની રહેશે ત્યારે માનવામાં આવી રહ્યું છે કે, અમેરિકા દ્વારા ૧.૨૫ લાખ કરોડ રૂપિયાની ચાઈનીઝ વસ્તુઓ પર ટેરીફ હટાવાય તેવી શકયતા પણ પ્રવર્તી રહી છે જેની સામે અમેરિકાની ચીજ-વસ્તુઓ કે જે ચાઈનામાં વેચાય છે તેમાં ચાઈના પણ અમેરિકાની ચીજ-વસ્તુઓ પરના ટેરીફ હટાવશે. આ સ્થિતિ જો નિર્માણ પામે તો વિશ્ર્વની બે મોટી સત્તા એટલે કે અમેરિકા અને ચાઈના વૈશ્ર્વિક સ્તર પર અને સાથો સાથ ભારત તેમની સાથે જોડાઈ વિશ્ર્વ પર દબદબો સ્થાપી વિશ્ર્વની અર્થવ્યવસ્થાને ફરીથી મજબુત કરી શકે છે તે માટે જીનપીંગ અને ટ્રમ્પની મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે તેવું તજજ્ઞોનું માનવું છે. આરસીઈપી કરાર ભારત માટે કયાંકને કયાંક આશીર્વાદરૂપ બન્યું છે તેની અસર અંગે વિચારણા કરતા એવું લાગે છે કે, ચાઈના અને અમેરિકા કે જે બે મોટા બડિયા છે તે મજબુરીવશ ભેગા થયા હોય બીજી તરફ એવો એક પણ ઉપાય નથી કે વિકલ્પ નથી કે બંને દેશોએ સાથે ભેગુ થવુ પડે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.