ભ્રષ્ટાચાર કોઈ અત્યારે ઉભો થયેલો પ્રશ્ન નથી. સદીઓ જૂનો પ્રશ્ન છે. લોભ અને લાલચ તેમજ સુખ- સુવિધાઓ વધારવાની હોડને પરિણામે સતામાં તથા પાવરમાં રહેલા લોકો રીશ્વતનો સહારો લ્યે છે. આ સમસ્યા માત્ર ભારતની નથી પણ વિશ્વ આખાની છે. વાસ્તવિકતા એ છે કે બધા દેશોમાં એક જ તફાવત છે ક્યાંક થોડી છુપી રીતે, ક્યાંક સાવ છુપીરીતે તો ક્યાંક ખુલ્લી રીતે ભ્રષ્ટાચાર થાય છે. ભ્રષ્ટાચારનું આ દુષણ જમીની હકીકત જોઈએ તો નીકળી શકે તેમ નથી.
દુનિયાના ભ્રષ્ટ દેશોનુ લિસ્ટ જાહેર કરતી સંસ્થા ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ દ્વારા મંગળવારે વર્ષ 2023 માટે ગ્લોબર કરપ્શન ઈન્ડેક્શની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 180 દેશોનો સમાવેશ થયો છે. ભારતનુ આ લિસ્ટમાં 93મુ સ્થાન છે. ગત વર્ષના મુકાબલે ભારત 8 સ્થાન પાછળ હટયુ છે. જેનો અર્થ એ થયો કે, દુનિયાના 92 દેશો કરતા વધારે કરપ્શન ભારતમાં છે અને 87 દેશો એવા છે જ્યાં ભારત કરતા વધારે ભ્રષ્ટાચાર છે.
આ લિસ્ટ દરેક દેશના પબ્લિક સેક્ટરમાં ચાલતા કરપ્શનના આધારે તૈયાર કરવામાં આવે છે. જેમાં જે દેશને 100માંથી 100 સ્કોર મળે તે સૌથી ઈમાનદાર અને 0 સ્કોર મળે તે દેશ સૌથી વધારે ભ્રષ્ટ છે તેવી ગણતરીના આધારે રેન્કિંગ તૈયાર કરાય છે. 180 દેશોના લિસ્ટમાં બે તૃતિયાંશ કરતા પણ વધારે દેશોનો એવરેજ સ્કોર 50 કરતા નીચે છે. જ્યારે આ લિસ્ટમાં સામેલ દેશોનો એવરેજ સ્કોર 43 છે. રિપોર્ટમાં કહેવાયુ છે કે, પબ્લિક સેક્ટરમાં સૌથી વધારે કરપ્શન થાય છે.
કરપ્શન ઈન્ડેક્સ 2023 દર્શાવે છે કે, મોટાભાગના દેશોએ પબ્લિક સેક્ટરમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારને કાબૂમાં લેવા માટે પણ કોઈ ખાસ કાર્યવાહી કરી નથી. દુનિયાના સૌથી ઓછા ભ્રષ્ટ દેશોની યાદીમાં ડેન્માર્ક ટોપ પર છે. સતત છઠ્ઠા વર્ષે ડેન્માર્કે પોતાનુ ટોચનુ સ્થાન જાળવી રાખ્યુ છે. ડેન્માર્કને 100માંથી 90નો સ્કોર મળ્યો છે. જ્યારે ફિનલેન્ડ 87ના સ્કોર સાથે બીજા અને ન્યૂઝીલેન્ડ 85ના સ્કોર સાથે ત્રીજા સ્થાન પર છે. 84ના સ્કોર સાથે નોર્વે ચોથા, 83ના સ્કોર સાથે સિંગાપુર પાંચમા, 82ના સ્કોર સાથે સ્વીડન છઠ્ઠા સ્થાને છે. આ સીવાય સ્વિત્ઝરલેન્ડ 82ના સ્કોર સાથે સાતમા, નેધરલેન્ડ 79ના સ્કોર સાથે આઠમા, જર્મની 78ના સ્કોર સાથે નવમાં અને 78ના સ્કોર સાથે લક્ઝમબર્ગ દસમા સ્થાને છે. આ ઈન્ડેક્સ પ્રમાણે ભારતનુ રેન્કિંગ 93મા ક્રમે છે. ભારતનો સ્કોર 39 છે. ગત વર્ષે ભારતનુ સ્થાન 85મુ છે. પાડોશી દેશ પાકિસ્તાનનુ આ લિસ્ટમાં 134મુ સ્થાન છે. તેને 29 સ્કોર મળ્યો છે. શ્રીલંકાને 34, અફઘાનિસ્તાન અને મ્યાનમારને 20, ચીનને 42 તથા બાંગ્લાદેશને 24 સ્કોર મળ્યો છે.
આમ આ રેન્કિંગ સમગ્ર વિશ્વની વાસ્તવિકતા દેખાડે છે. સમગ્ર વિશ્વમાં ભ્રષ્ટાચારનો ભરડો છે. તફાવત એટલો હોય છે કે વિકસિત દેશોમાં છાની છુપી રીતે મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોય છે. જે ધ્યાનમાં આવતો નથી જ્યારે વિકાસશીલ દેશોમાં તરત નજરે ચડે તેવો ભ્રષ્ટાચાર થતો હોય છે. ઉપરાંત નિષ્ણાતો તો એવું પણ જણાવે છે કે અમેરિકા જેવા વિકસિત દેશો કે જે દૂરથી સળિયામણા લાગે છે પણ અંદરખાને ત્યાં મોટા પાયે ભ્રષ્ટાચારનો લૂણો લાગેલો હોય છે હા એ વાસ્તવિકતા છે કે સત્તાધારીઓ તેમજ પાવર ધરાવતા લોકો સામાન્ય માણસોને ખલેલ પહોંચે નહીં તેનું બરાબર રીતે ધ્યાન રાખતા હોય છે પરંતુ સમય આવીએ તેઓ પણ પોતાનું ઘર રીશ્વતથી ભરી લેતા હોય છે.