જમ્મુ-કશ્મીર અને હિમાચલ સહિતના પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે સમગ્ર ઉત્તર ભારતમાં ગરમીનો પારો ગગડયો છે, તો બીજી બાજુ રાજસ્થાન અને ગુજરાત જેવા મેદાની પ્રદેશોમાં શીત લહેર વધી છે.
હિમવર્ષાના પગલે ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં તાપમાનનો પારો ગગડતા લોકો ઠુઠવાયાં છે, તો ફુલ ગુલાબી ઠંડીનો સામનો કરવા લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે. રાજ્યમાં હજુ ઉત્તરાયણ સુધી આવા જ ઠંડા પવનો વાય તેવી શક્યતા છે.
આ ઠંડા પવનોને કારણે રાજ્યના અનેક શહેરમાં તાપમાન 11 ડિગ્રીની નીચે પહોંચી ગયું છે, તો નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બની ગયું છે. કચ્છના નલિયામાં 5 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જેના કારણે કચ્છના રણપ્રદેશના લોકો ઠંડીથી થીજી ગયા છે. રાજસ્થાનની બોર્ડરે આવેલ બનાસકાંઠાના ડીસામાં પણ 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
રાજ્યના પાટનગર ગાંધીનગર અને અમદાવાદમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જો કે છેલ્લા કેટલાય સમયથી અમદાવાદમાં પ્રદૂષણની બૂમો પડી રહી હતી, જેમાં ઠંડા પવનોના કારણે થોડી રાહત મળી રહી છે.
રાજકોટ અને વડોદરામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે આ તરફ અમરેલી અને સુરેન્દ્રનગરમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે કચ્છના ભુજમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે.