મંગળવારે ગુજરાતમાં કોરોનાના નવા 12 કેસ નોંધાયા: 10 કેસ માત્ર અમદાવાદમા
ગુજરાતમાં મંગળવારના દિવસે કોરોનાના નવા 12 કેસ નોંધાયા હતા. જે પૈકી 10 કેસ તો માત્ર અમદાવાદમાં નોંધાયા છે. જ્યારે બાકીના બે કેસ વડોદરામાં નોંધાયા છે. અમદાવાદ અને વડોદરા સિવાયના તમામ મહાનગરો અને જિલ્લાઓ મંગળવારે કોરોના મુક્ત રહ્યા હતા. 15 દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા હતા. હાલ રાજ્યમાં કોરોનાના 108 એક્ટિવ કેસ છે. જે પૈકી માત્ર 2 દર્દીઓ વેન્ટીલેટર પર છે.
અન્ય રાજ્યમાં કોરોનાની ચોથી લહેરે દસ્તક દઇ રહી છે ત્યારે ગુજરાતમાં કોરોના સંપૂર્ણપણે કાબૂમાં છે. મંગળવારના રોજ રાજ્યમાં કોરોનાના માત્ર 12 કેસ નોંધાયા હતા. જે પૈકી 10 કેસ તો એકલા અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં નોંધાયા હતા. જ્યારે બાકીના બે કેસ વડોદરા મહાનગરમાં નોંધાયા છે.
રાજ્યની અન્ય છ મહાપાલિકા અને તમામ 33 જિલ્લાઓમાં કોરોનાનો નવો એકપણ કેસ ન નોંધાતા રાહત રહી હતી. રાજકોટમાં પણ મંગળવારે રાહત રહેવા પામી હતી. સોમવારે શહેરમાં એક સાથે કોરોનાના ચાર કેસો નોંધાયા બાદ મંગળવારે નવો એકપણ કેસ ન નોંધાતા શહેરીજનોએ હાશકારો અનુભવ્યો હતો.
રાજ્યમાં ગઇકાલે 15 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. એકપણ વ્યક્તિનું મોત થયું નથી. હાલ રાજ્યમાં કોરોનાના માત્ર 108 એક્ટિવ કેસ છે. જે પૈકી 2 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં કોરોનાથી 10943 દર્દીઓના મોત નિપજ્યા છે. જ્યારે 12,13,335 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે. રાજ્યમાં કોરોનાની ચોથી લહેરને ઉગતી જ ડામી દેવા સરકાર સજ્જ બની છે.