કરવેરા ભરતી પ્રજા રોડ પ્રશ્ર્ને હરહંમેશ સહન કરતી આવી છે, કયાં સુધી આ હાડમારી સહન કરવાની?: નાગરિકોની બૂમરાણ
જો કયાંય સારો રોડ નજરે પડે તો તમારી જાતને નસીબદાર માનીને દુર્લભ નજારો માણી લેજો !!
છેલ્લા એકાદ મહિનાથી પડી રહેલા ભારે વરસાદને પગલે રાજયના મુખ્ય માર્ગો સહિતના રોડ-રસ્તાઓની હાલત બિસ્માર બની છે. શહેરો, ગ્રામ્ય વિસ્તારોમાં રોડ, રસ્તા તૂટી જતા લોકો ખુબ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. માથાના દુ:ખાવા સમાન ઉબડ ખાબડ રસ્તા હવે ફરી કયારે રીપેર થશે તેવો પ્રશ્ર્ન ઉઠાવી રહ્યાં છે.
વરસાદ પછી રસ્તાઓમાં પડેલા મોટા મોટા ભુવાથી લોકો કંટાળ્યા છે જો કે ૯ર વર્ષે વરસાદ પછી આ પરિસ્થિતિ સર્જાઇ છે અને પ્રજાને હાલાકી ભોગવવી પડે છે. ત્યારે આ વર્ષે ભારેથી અતિ ભારે વરસાદન.ે પગલે આ પરિસ્થિતિ વધુ વણસી છે અને શહેરોના એક પણ રસ્તાઓ અકબંધ રહ્યા નથી.
ખાસ કરીને નાના નાના ગામડાઓમાં ગ્રામ્યજનોને આ અસહ્ય મુશ્કેલી વધુ સહન કરવી પડે છે. ગોંડલ, ભુજ, ગાંધીધામ, સહિતના શહેરો રીતસર ખાડાનગરીમાં પરિવર્તિત થયાં છે.
નિયમિત વેરો ઉઘરાવતી સરકાર રોડ-રસ્તાની સુવિધા આપવામાં ઉણી ઉતરી છે. સૌરાષ્ટ્રભરની પ્રજા રોડ-રસ્તાનો પ્રશ્ર્ન હમેશા સહન કરતી આવી છે. ત્યારે કયાં સુધી આ હાડમારી સહન કરવાની રહેશે તેવી બુમરાણ નાગરીકોમાંથી ઉઠી છે.
‘તંત્ર વેરો ઉઘરાવવામાં શુરવીર, સુવિધા આપવામાં શૂન્ય….!!’
ગોંડલ ઔદ્યોગિક વસાહત જામવાડી જીઆઇડીસી સામે આવેલ ખાડિયા વિસ્તાર ના માર્ગ ગાડા માર્ગ થી પણ વધુ બદતર હાલતનો હોય રોજીંદા વાહનો ખાડાઓ માં ખૂંચી રહ્યા છે. જેને કારણે વાહન ચાલકો રોજીંદા ભારે પરેશાની ભોગવી રહ્યા છે. આ વિસ્તાર જીઆઈડીસી હોય ભારે વાહનો ની પણ અવરજવર રહેતી હોયછે. જીઆઇડીસીના ઉદ્યોગકારો નું રોષ સાથે કહેવું છે કે તંત્ર વેરો ઉધરાવા માં શુરવીર છે પણ સુવિધા આપવામાં શૂન્ય સ્તરનું થઈ ચૂક્યું છે.
જામનગરમાં સેન્ટ આન્સથી જોગર્સ પાર્ક સુધીનો માર્ગ બન્યો ગાડા માર્ગ
જામનગરના પોશ વિસ્તાર ગણાતા જોગર્સ પાર્ક વિસ્તારમાં મુખ્ય માર્ગ સંપૂર્ણપણ ખાડવાળો થઈ ગયો છે. સેન્ટ આન્સથી જોગર્સ પાર્ક સુધીનો માર્ગ નાના-મોટા ખાડા-ગાબડાના કારણે આખો માર્ગ ઉબડખાબડ થયો છે અને જાણે ગાડા માર્ગ બની ગયો હોય તેવી સ્થિતિ છે. સૌથી નોંધપાત્ર અને નવાઈની વાત એ છે કે ખુદ મ્યુનિ. કમિશનર આ માર્ગ ઉપરથી કમ-સે-કમ ચાર-છ વખત તો પસાર થાય જ છે. તેમ છતાં માર્ગની અવદશાનો તેમને અનુભવ થયો નથી… કદાચ મોંઘીદાટ એસી લક્ઝરી કારમાં બંધ કાચ સાથે નીકળતા હોવાથી આ માર્ગના ખાડાઓનો અનુભવ નહીં થતો હોય. અધુરામાં પૂરૃં આ વિસ્તારના કોમ્પ્લેક્ષોના સેલરમાં ભરાયેલા પાણી ઉલેચવામાં આવી રહ્યા હોવાથી આ પાણી માર્ગમાં ખાડાઓમાં ભરાઈ ગયા છે. મહાનગરપાલિકા તંત્ર દ્વારા તાકીદે યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગણી ઊઠવા પામી છે.
ભુજમાં ખાડાઓ અને ભુવાઓને વધાવતું વિપક્ષ
સમગ્ર રાજયની જેમ ભુજ શહેરમાં પણ વરસાદના કારણે અનેક ખાડાઓ અને ભુવાઓ પડી ગયા છે. આ ખાડાઓ પુરવામાં ભુજ નગરપાલિકા નિષ્ફળ ગઇ છે. ભુજમાં અનેક વિસ્તારો છે. જયાં નગરપાલિકા રસ્તા પરના ખાડાઓ પુરી શકી નથી. તો બીજી બાજુ ખુદ ભુજ નગરપાલિકા પોતાની ગટરના ખાડાઓ પણ પુરી શકી નથી. ભુજની જનરલ પોસ્ટ ઓફીસ પાસે પડેલા ભુવાન ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ વધાવ્યા હતા.
ભુજ નગરપાલિકા હમીરસર વધાવવા માટે શુરા થાય છે. પરંતુ ખાડાઓ અને ભુવાઓ માટે ભુજ નગરપાલિકાને સમય નથી ગત સમયમાં આવા ભુવાઓ પડવાથી અનેક અકસ્માતો સર્જાયા હતા. તે અંગે પણ ભુજ નગરપાલિકા ગંભીર હોય તેવું દેખાતું નથી.
ભુજ નગરપાલિકાની બેદરકારી જોઇ વિઘુત આકરા પાણીએ આવ્યું છે. અને આવા ખાડાઓ અને ભુવા માટે ભુજની નગરપાલિકાના સત્તાધીશોને સમય નથી અને તાયફાઓ મા વ્યસ્ત છે. આવા ખાડાઓને વધાવી લઇ લોકોનું ઘ્યાન દોર્યુ હતું.
ગાંધીધામ વિસ્તારમાં રસ્તાઓના ઘોવાણથી લોકોના જીવ જોખમમાં
ગાંધીધામ વિસ્તારમાં ભારે વરસાદને પગલે ગાંધીધામના રસ્તાઓ ઘોવાતા મોટી મુશ્કેલી ઉભી થઇ રહ્યું છે. અને અનેક લોકોના ગાંધીધામના રસ્તાઓ જળ બંબાકાર બની જાય છે. અને બબ્બે ત્રણ ત્રણ ફુુટના ખાડાઓ પડી જાય છે.
ગાંધીધામ નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે નવી કેનાલ બનાવવામાં આવેલ હતી તે નાલા માટે કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવેલ હતો. પરંતુ કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ સમસ્યા ઠેરની ઠેર છે. આજે પણ ગાંધીધામ અને તેની આસપાસના વિસ્તારોમાં ગોઠણ સમા પાણી ભરાઇ જાય છે. પરંતુ ગાંધીધામ નગરપાલિકા કે ધારાસભ્યના પેટનું પાણી પણ હલતું નથી. ગાંધીધામમાં નગરપાલિકા દ્વારા પ્રી-મોન્સુન કામગીરીમાં પણ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની રાવો ઉઠવા પામેલ હતી. અને ત્યારે ફરીયાદો બાદ બધું ભીને ભીનું સંકેલાઇ ગયેલ હતું. અને તે આજે ગાંધીધામના લોકો ભોગવી રહ્યાં છે.
તલગાજરડાની રૂપાવો નદી પર કોઝ-વે બનાવવા ગ્રામજનોની માંગ
મહુવાના તલગાજરડા ગામમાં આવેલ રૂપાવો નદી ઉપર પુલ બનાવવા સુખદેવસિંહ વાળા (ટાઇગર ગ્રુપ) તેમજ તેમના સભ્યો દ્વારા મહુવા નાયબ કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું.
તલગાજરડાના તરેહ રોડ ઉપર આવેલ રૂપાવો નદી પરનો કોઝવે ખુબ જ ખરાબ થઇ ગયેલ હોવાથી લોકોને અવર જવર માટે ખુબ મુશ્કેલી પડી રહી છે.
વરસાદ ચાલુ હોય પાણીની આવક ચાલુ હોય ત્યારે લોકોને અવર જવર બંધ કરવી પડે છે તેથી આ રૂપાવાના કોઝવે પર પુલ બનાવવામાં આવે તો લોકોને આવી સમસ્યાનો સામનો ન કરવો પડે તેથી તાત્કાલીક પુલ બનાવવામાં તલગાજરડા ગામલોકોની માંગ છે.
માણાવદરના ભીંડોરા ગામને પુર અસરગ્રસ્ત જાહેર કરવા સરપંચની માંગ
માણાવદર તાલુકાના ભીંડોરા ગામે ભાદર નદીના પાણીને કારણે ખેતરો જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા ખેડૂતો ના ખેતરોમાં મોટાપાયે ધોવાણ સાથે ખેત પેદાશો નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે અત્યારે ખેડૂતો મુશ્કેલી મા મુકાયા છે વરસાદી પાણી લાંબો સમય સુધી ખેતરોમાં સતત પાણી ભરાયેલા રહેતા હોવાથી ખેતપેદાશો નિષ્ફળ થતા ખેડૂતો એ વાવેતર કરેલ ખેતપેદાશો નું ખાતર બિયારણ મજુરી સહીતની આર્થિક નુકશાની ખેડૂતો વેઠી રહ્યા છે ખેડૂતોએ વાવેતર કરેલ હજારો વિધાની મગફળી માં વરસાદી પાણી ભરાયેલા રહેતા મગફળી ના પાકને નુકસાન થવાની શકયતા સેવાઇ રહી છે
ધ્રોલ તાલુકાના રસ્તાઓ તાકિદે રીપેર કરાવવા ધારાસભ્ય રાઘવજી પટેલની નાયબ મુખ્યમંત્રીને રજૂઆત
ધ્રોલ તાલુકામાં વધારે વરસાદના કારણે એક ગામથી બીજા ગામને જોડતા હૈયાત રસ્તાઓ તુટી જવાના કારણે તેમજ આ રોડ ઉપર ખાડા પડી જવાથી આ રસ્તાઓ તાત્કાલીત રીપેર કરવા માટે નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલને ગાંધીનગર ખાતે રૂબરૂ મળીને લેખીતમાં રજુઆત કરેલ જેમાં સુમરા ગામથી પીપરટોડા સુધીના રસ્તાને રીપેર કરવાનું કામ, સુમરા ગામે નદીના કોઝવે રીપેરીંગનું કામ, મોડપરના પાટીયાથી ગામ સુધીના રસ્તાને રીપેરીંગનું કામ, રોઝીયા પાટીયાથી રોઝીયા ગામ સુધીના રસ્તાને રીપેરીંગનું કામ, રોઝીયાથી ધ્રાંગડા સુધીના રસ્તાનું રીપેરીંગ કામ, માણેકપરના પાટીયાથી કંડલા હાઇવે સુધીનો રસ્તો રીપેરીંગ કામ, ભેસદડ ચોકડીથી સરમરીયાની જગ્યા સુધીના રસ્તાનું રીપેરીંગ કામ, લતીપુરથી રામેશ્ર્વર પરા સુધીનો રસ્તો રીપેર કરવાનું કામ, લતીપુરથી મેલડી માતાજીના મંદિર સુધીના રસ્તાને રીપેર કરવા કામ, લતીપુરથી પીઠળ સુધીના રસ્તાને રીપેરીંગનું કામ, લતીપુરથી નાગપુર સુધીના રસ્તાને રીપેરીંગકરવાનું કામ, સોયલથી મજોઠથી આણંદા સુધીના રસ્તાને રીપેર કરવાનું કામ, ગઢડાથી લૈયારા સુધીના રસ્તા રીપેર તથા આ રસ્તાપર કોઝવે રીપેર કરવાનું કામ, જાયવાથી સુધાધુના ગામ સુધીના રસ્તાનો રીપેરનું કરવાનું કામ, સોયલથી નથુવડલાથી મજોઠથી આણંદ સુધીનો રસ્તો રીપેર કરવાનું કામું આમ ઉપરોકત રસ્તાઓ અંગે જામનગરે ગ્રામ્યનાં ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલે રજૂઆત કરી ઘટતુ કરવા કાર્યવાહીની માંગ કરી છે.
ઘેડ પંથકમાં હજારો હેકટરમાં મગફળીનો પાક નિષ્ફળ જવાની ભીતિ
કેશોદ તાલુકાના ધેડ વિસ્તાર સહિતના ૫૩ ગામોમાં ભારે વરસાદ થી ખેડુતોના મગફળીના હજારો હેક્ટર ના પાક ને ભારે નુકસાન થવાની શક્યતા છે કારણ કે સતત વરસેલા વરસાદ થી આજે પણ ધેડ પંથક અન્ય ગામોમાં ખેતરમાં પાણી ભરાયેલા છે અને વરસાદે વિરામ આપ્યો છતાં ખેડૂતો ખેતરમાં પાણી ભરાયેલ હોવાથી કોઈ કામગીરી કરી શકે તેવી સ્થિતિમાં નથી ત્યારે ખેડુત ને મગફળી ના પાકમાં નુકસાન થવાની પુરી ભિતી છે ત્યારે સરકારે તાત્કાલિક અસરથી સર્વે કરી ખેડૂતો માટે સહાય જાહેર કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે