૨૫૦૦ પોઝીટીવ કેસની સામે ૭૭ લોકોના નિપજયા મોત
દેશભરમાં સ્વાઈન ફલુએ અજગરી ભરડો લીધો છે. અત્યાર સુધીમાં સ્વાઈન ફલુના ૨૫૦૦થી વધારે કેસ નોંધાયા છે. અને સ્વાઈનફલુને કારણે ૭૭ લોકોના મોત થયા છે. બીમારીના સૌથી વધુ ૫૬ મૃત્યુ રાજસ્થાનમાં થયા છે. સરકાર તરફથી મળેલી આંકડાકીય વિગતો પ્રમાણે સ્વાઈન ફલુના ૨૫૭૨ કેસ આવ્યા છે. જેમાંથી ૧૫૦૮ કેસ રાજસ્થાનના છે.
આ સાથે જ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં ૨૦૧૯ના નવા વર્ષથી સ્વાઈન ફલુની મહામારી દિવસેને દિવસે વકરી હોય તેવું બન્યું છે. અને છેલ્લા ૧૫ દિવસમાં મૃત્યુ વધી રહ્યા છે. ઠંડીનું વધતા પ્રમાણને લઈને દર્દીઓની સંખ્યામાં અને તેમાં પણ પોઝીટીવ કેસ પણ સામે આવતા આરોગ્ય તંત્ર અહી વામણુ પૂરવાર થતુ હોય તેવું લાગે છે. છેલ્લા ૨૩ દિવસમાં ૧૫ના મોત સ્વાઈન ફલુમાં થયા છે આજે પણ રાજકોટની સિવિલ સહિત ખાનગી હોસ્પિટલોમાં સ્વાઈન ફલુનો ફફડાટ જોવા મળી રહ્યો છે.
મહત્વનું છે કે ગુજરાત સ્વાઈન ફલુના કેસની બાબતે બીજા નંબર પર છે. જયાં ૪૩૮ કેસ આવ્યા છે. તો બીજી તરફ દિલ્હીમાં ૩૮૭ કેસ નોંધાયા છે. જોકે દિલ્હીમાં અત્યાર સુધીસ્વાઈન ફલુથી કોઈનું મોત થયાના સમાચાર નથી જયારે હરિયાણામાં ૨૭૨ કેસ હતા.
સ્વાઈન ફલુના કારણો થતા મોતમાં ઉત્તરોતર થઈ રહેલા વધારાને કારણે આરોગ્ય વિભાગે તાજેતરમાં જ રાજયો સાથે બેઠક કરી તેમને નમૂનાની તપાસ ઝડપી બનાવવા અને હોસ્પિટલમાં જગ્યા રાખવા કહ્યું છે. આ સાથે દિલ્હી સરકારે પણ સ્વાઈન ફલુના કહેરને જોતા લોકો સાથે ચર્ચા વિચારણા કરવાનું પણ શરૂ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે સ્વાઈન ફલુના ભરડાએ રાજકોટ, ગારીયાધાર અને જૂનાગઢના દર્દીનાં મોત નિપજતા ચકચાર મચી છે તો તેની સામે છે નવા પોઝીટીવ કેસ સામે આવ્યા છે. ગઈ કાલે રાજકોટના અંબિકા ટાઉનશીપમાં રહેતા ૭૦ વર્ષિય વૃધ્ધ, ગારીયાધારમાં રહેતા ૫૮ વર્ષિય પ્રૌઢ અને જૂનાગઢમાં રહેતા ૫૦ વર્ષિય આધેડે સારવાર દરમિયાન દમ તોડયો પાંચ દિવસમાં ૭ દર્દીઓનાં સ્વાઈન ફલુને કારણે મોત થયા છે આ ઉપરાંત વધુ ૬ પોઝીટીવ કેસ ઉમેરાતા કુલ આંક ૮૧ પર પહોચ્યો છે.
જો કોઈ વ્યકિતને ખાંસી ગળામાં દુ:ખાવો, તાવ, માથુ દુખવું, ઉલ્ટી ઉબકા જેવા લક્ષણ છે. તો સ્વાઈન ફલુની તપાસ કરાવી જોઈએ. આ સ્થિતિમા દવા ડોકટરની સલાહ પ્રમાણે જ લેવી જોઈએ સ્વાઈન ફલુમાં ખાંસી કે ગળામાં ખીચખીચની સાથે તાવ પણ આવી શકે છે. યોગ્ય નિદાનની પુષ્ટી આરઆરટી કે પીસીઆર ટેકનીકથી કરાયેલા લેબ ટેસ્ટમાં જ કરાવવી,.
મહત્વનું છે કે વાતાવરણમાં અચાનક જ આવેલા પરિવર્તનને કારણે સ્વાઈન ફલુ એ ફરી માથુ ઉચકયું છે. આવા વાતાવરણમાં તાવથી પીડાતા લોકોએ આરામ કરવો જોઈએ અને વધુમાં વધુ પાણીજન્ય ખોરાક લેવો જોઈએ ડોકટરની સલાહ લીધા વગર કોઈ પણ દવા ન લેવી હાથને ઓછામાં ઓછી ૪૫ સેકન્ડ સુધી સાબુથી ધોવા જોઈએ. ખાંસી ખાતા કે છીંક ખાતા નાક અને મોઢાને ઢાંકીને રાખો.
સૌરાષ્ટ્રમાં એક માસથી સ્વાઈન ફલુએ કહેર મચાવ્યો છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યા વધી છે. આ દર્દીઓની સારવારમાં રહેલા મેડીકલ સ્ટાફને પણ અગમચેતીની પગા રૂપી દર વર્ષે ચેપથી રક્ષણ આપવા રસી આપવામા આવે છે.