મોદી સરકાર દ્વારા જ્યારે નોટબંધી કરવામાં આવી ત્યારે અનેક કંપની મુશીબતમાં આવી ગઈ હતી.કાળા ધનને સફેદ બનાવવાની કોશિશ કરવામાં આવી હતી, જેમાં ઘણા લોકોને સફળતા પણ મળી છે. ત્યારે હાલના રિપોટની વાત કરવામાં આવે તો લગભગ 13 બેંકોની લેવડ-દેવડની માહિતી મળી છે. નકલી કંપનીઓ દ્વારા કાળાનાણાંને સફેદ બનાવવાની કોશિશ કરવામાં આવી હતી. આવી બે લાખથી વધારે કંપનીઓ પર રોક લગાવી દેવામાં આવી છે.
કાળા નાણાંને સફેદ કરવાના ખેલમાં મોટો ચોંકવાનારો ખુલાસો થયો છે. ઘણી કંપનીઓએ 100-100 ખાતાઓ ખોલ્યા હતા. કુલ બે લાખ નવ હજાર બત્રીસ કંપનીઓ પર શંકાસ્પદ ગતિવિધિઓ બાદ રોક લગાવી દેવામાં આવી છે. શંકાસ્પદ કંપનીઓમાંથી 5800 કંપનીઓના બેંક ટ્રાન્સેક્શનની જાણકારી મળી છે. આ કંપનીઓના રજિસ્ટ્રેશન રદ્દ કરવામાં આવ્યા છે.
બેંકોએ આવી કંપનીઓના 13 હજાર 140 બેંક એકાઉન્ટોની જાણકારી ઉપલબ્ધ કરાવી છે. આમાની એક કંપનીના લગભગ 2134 એકાઉન્ટ હતા. નોટબંધી બાદ આ નકલી કંપનીઓએ લગભગ 4573.87 કરોડ રૂપિયાની લેવડ-દેવડ કરી હતી.
મોદી સરકાર શેલ કંપનીઓ પર સતત સકંજો કસી રહ્યું છે. આ પહેલા સરકારે કહ્યુ હતુ કે તે શેલ કંપનીઓ સાથે સંબંધ ધરાવનારા સાડા ચાર લાખ ડાયરેક્ટર્સને અયોગ્ય ઠેરવે તેવી શક્યતા છે. કોર્પોરેટ મામલાના કેન્દ્રીય પ્રધાન પી. પી. ચૌધરીએ કાળા ધન વિરુદ્ધની સરકારની લડાઈ ચાલુ રહેશે તેવું પણ જણાવ્યું હતું. ચૌધરીએ કહ્યુ છે કે કાયદેસર કામ કરી રહેલી કંપનીઓને આ પ્રક્રિયાથી કોઈ મુશ્કેલી થવાની નથી. જે કંપનીઓ નિયમ વિરુદ્ધ જઈને કામ કરી રહી છે.. તેમના કારણે જ અન્ય કંપનીઓને હેરાન થવું પડે છે.અયોગ્ય ઠેરવવામાં આવેલા તમામ ડાયરેક્ટર્સની પ્રોફાઈલની તપાસ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે આ પહેલા સપ્ટેમ્બર માસમાં 2.17 લાખથી વધારે કંપનીઓના નામ રેકોર્ડ પરથી હટાવ્યા છે. આ કંપનીઓ ગત ઘણાં સમયથી કારોબાર કરી રહી ન હતી.
સરકારે જણાવ્યું છે કે લોન એકાઉન્ટોને અલગ કર્યા બાદ નોટબંધીના દિવસ એટલે કે આઠ નવેમ્બર-2016 સુધી આ કંપનીઓના ખાતાઓમાં માત્ર 22.05 કરોડ રૂપિયા હતા. સરકારે કહ્યું છે કે કંપનીઓના નામ પર ઘણાં એકાઉન્ટો ઝડપાયા છે. તેમાંથી આઠમી નવેમ્બર-2016ના રોજ તેમા ઓછી રકમ હતી અથવા તો એકાઉન્ટ માઈનસમાં ચાલતા હતા.