- દર્દી નારાયણીની સમસ્યાઓમાં સિવિલ પર આવીને પણ વધારો: જીએસટી બાકી હોવાનો તંત્રનો બચાવ
- ત્રણ દિવસથી પાચથી વધુ એમ્બ્યુલન્સ, દર્દીને સ્થળાંતર કરતી રીક્ષા સહિતની તમામ સુવિધાઓ ઠપ્પ
સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટે કેન્દ્ર સ્થાન પર રહેલી સિવિલ હોસ્પિટલમાં હવે જાણે દર્દીઓ આવતા તેમની મુશ્કેલીઓમાં વધારો થતો હોય તેવું લાગી રહ્યું છે. જેમાં સિવિલ હોસ્પિટલ તંત્રના પાપે દર્દીઓ અને તેમના સબંધીઓને હાલાકીનો સમનો કરવો પડી રહ્યો છે. જેમાં છેલ્લા ત્રણ દિવસથી સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સની પણ કફોડી સ્થિતિ સામે આવી છે. રૂ.12 લાખનું બિલ ન ચૂકવતાં હાલ તમામ એમ્બ્યુલન્સ ઠપ્પ થઈ ગઈ છે.
આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ સિવિલ હોસ્પિટલમાં ચાલતી એમ્બ્યુલન્સ છેલ્લા ઘણા સમયથી ધૂળ તો ખાઇ થી હતી. પરંતુ હવે તો તેમાં ઇંધણ પૂરું થઈ જતાં હવે તેના પૈડાં પણ થંભી ગયા છે. સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ સિવિલ હોસ્પિટલમાં રહેલી એમ્બ્યુલન્સમાં ડીઝલનું બિલ ચડી જતા પેટ્રોલ પંપના સંચાલકે ડીઝલ આપવાનું બંધ કરી દેતા છેલ્લા ત્રણ દિવસથી એમ્બ્યુલન્સ બંધ પડી છે.
મધ્યમ વર્ગ અને ગરીબ દર્દીઓ માટે દાતાઓ લાખો – કરોડો રૂપિયાનું દાન કરતા હોય છે. જેના કારણે દર્દીઓને સુવિધાઓ મળી રહે. પરંતુ સિવિલ હોસ્પિટલ તંત્રના પાપને કારણે હાલ પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત રહેવાનો દર્દીઓનો વારો આવી રહ્યો છે. એમ્બ્યુલન્સ જેવી સુવિધાઓ પણ ન સાચવતા હાલ બહારગામથી આવતા દર્દીઓની હાલત કફોડી બની છે.
આ અંગે સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા એમ્બ્યુલન્સમાં ડીઝલ ભરવા માટે પંપના સંચાલકોને સમયસર ચુકવણી ન કરતા 1લી ઓગસ્ટથી પંપના સંચાલકોએ ડીઝલ આપવાનુ બંધ કરી દીધું હતું. સિવિલનું બાકી રહેતું રૂ.12 લાખનું ચૂકવણું ન થતાં એમ્બ્યુલન્સમાં ઇંધણની અછતથી થતા પૈડાં થંભાવી દેવામાં આવ્યા હતા.
સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટે કેન્દ્ર સ્થાન પર રહેલી સિવિલમાં પ્રાથમિક સુવિધાઓ પણ પૂરી ન થતાં હવે દર્દીઓ રામ ભરોસે જેવી સ્થિતિમાં મુકાયા છે. એક તરફ એઈમ્સ જેવી સુવિધાઓ રાજકોટને પ્રધાન થઈ છે તો બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પ્રાથમિક સુવિધાઓ પણ ન મળતી હોવાથી દર્દીઓને તેના સંબંધીઓમાં રોશનો માહોલ જોવા મળી રહ્યો છે.
સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની સાથે દર્દીઓને એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં ખસેડવા માટે ઉપયોગમાં લેવાતી રિક્ષાઓના પૈડા પણ થંભી જતા હાલ દર્દીઓને મોટી હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.
જીએસટીનો પ્રશ્ન હોવાથી મુશ્કેલી ઊભી થઈ હોવાનો તંત્રનો બચાવ
સિવિલ હોસ્પિટલમાં ડીઝલના બિલની ચુકવણી ન થતાં તેમના પૈડાં થંભાવી દેવામાં આવ્યા છે. આ અંગે સિવિલ હોસ્પિટલના અધિકારીઓ સાથે વાતચીત કરતા તેઓએ પોતાના બચાવમાં જણાવ્યું હતું કે પેટ્રોલ પંપમાં બિલની ચુકવણી કરી દેવામાં આવી હતી. પરંતુ જીએસટી ન ચૂકવવાના કારણે મુશ્કેલી પાડી હતી જેનો નિવેડો આજે આવી જશે તેમ પણ જણાવ્યું હતું. સિવિલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીને કદાચ એ પણ ખબર નથી કે પેટ્રોલ અથવા ડીઝલમાં જીએસટી નહિ પણ એક્ષાઇસ ડ્યુટી લાગુ પડતું હોય છે.
થોડા દિવસ પહેલા સિવિલમાં વધતાં જતાં તસ્કરોના ત્રાસથી કંટાળી એસીપી જેવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ રાઉન્ડ માટે આવી ગયા હતા. છતાં પણ સિવિલમાં ઉચ્ચ અધિકારીઓને મિટિંગ કરીને તેના ઉકેલ માટે પણ સમય ન હોવાથી દર્દીઓ અને તેના સબંધીઓને અનેક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.