રાજકોટથી ઉપડતી અમદાવાદની 4, મહુવા, નવસારી 2-2, સુરતની 1 બસ બંધ કરાશે: અન્ય 20થી વધુ બસો રાજકોટ સિટીમાં નહીં પ્રવેશે
કોરોનાના કેસ વધવાના કારણે રાજકોટ સહિત રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કરફયુનો સમય આજ રાતથી 10 થી સવારે 6 સુધીનો કરાતા તેની અસર પરિવહન સેવાને પડી છે. રાજકોટ એસટી બસ પોર્ટ પરથી દરરોજ રાત્રે 10 વાગ્યા પછી ઉપડતી કે અન્ય શહેરોમાં રાત્રે 10 વાગ્યા બાદ પહોંચતી તમામ બસ આજથી બંધ કરી દેવામાં આવી છે. રાત્રે 10 પછી રાજકોટમાં આવતી જતી 32 જેટલી બસનું રાત્રી કરફયુ સમયમાં બદલાવની અસર થઈ છે. રાજકોટ બસ પોર્ટ પરથી ઉપડતી સુરતની 1 બસ, અમદાવાદ 4 અને મહુવા નવસારીની 2 બસ સહિત લોકલ પણ 32 જેટલી બસો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવતા મુસાફરોને ભારે હાલાકી પડશે.
આ ઉપરાંત સ્ટેશન પરથી રાજકોટ રાત્રે 10 વાગ્યા બાદ હવે કોઈ બસ શહેરમાં નહીં આવે અને રાજકોટ બાયપાસ થઈને જ પરત જશે. રાજકોટમાં આજથી રાત્રીના 10 વાગ્યાથી કરફયુનો અમલ કરાશે જેના પગલે રાજકોટથી બહારગામ રાત્રી મુસાફરી કરતા યાત્રીકોને પણ મુશ્કેલી પડશે. રાજ્યના શહેરોમાંથી કોઈપણ એસટી બસ રાજકોટમાં પ્રવેશી શકશે નહીં અને રાજકોટથી ઉપડતી તમામ એસટી બસ જે તે શહેરમાં પહોંચી જાય તે રીતે સમય નક્કી કરી દોડાવવામાં આવશે.
કોરોનાના કેસો વધતા રાત્રી કરફયુનો સમય રાત્રે 10 થી 6નો કરાતા હવે મુસાફરોને રાત્રે અવર-જવરમાં ખાસ મુશ્કેલી થશે. તેમાં પણ ખાસ કરીને જે લોકો નોકરીયાત વર્ગના છે અને ડેઈલી અપડાઉન કરે છે તેવા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. ખાસ કરીને જે કનેક્ટિવીટીવાળી બસના રૂટ છે તે બસ રાજકોટમાં પ્રવેસશે નહીં પરંતુ હાઈવે પરથી બાયપાસ જતી રહેશે. જેમાં નખત્રાણા-સોમનાથ, જામનગર-ભાવનગર, સાયલા-સોમનાથ, ક્વાટ-જૂનાગઢ, મુદ્રા-કોડીનાર, અમદાવાદ-જૂનાગઢ, રાજકોટ-વેરાવળ, નારાયણ સરોવર-માંગરોળ, દાહોદ-બાટવા, ઈડર-જૂનાગઢ, કવાટ-ઉપલેટા, જૂનાગઢ-ભૂજ, જામનગર-માણસા, જામજોધપુર-દાહોદ, સોમનાથ-ભૂજ, રાજકોટ-જામનગર, બાટવા-ગોધરા, દીવ-ભૂજ, જામનગર-સુરત, મહેસારા-દ્વારકા, અમદાવાદ-દ્વારકા, જામનગર-ભીલોડા, અમદાવાદ, જામનગર, અમરેલી-માતાનો મઢ, ધોરાજી-દાહોદ, રાજકોટ-મેઘરજ, દ્વારકા-બરોડા, ગોંડલ-દાહોદ, જામનગર-ગોંડલ અને ભાવનગર-માંડવીની બસો હવે આ રૂટ રાત્રી કરફયુના હિસાબે બંધ કરી દેવામાં આવ્યા છે.
રાજકોટની 9 બસોના રાત્રીના 10 વાગ્યા બાદ પૈડા થંભી જશે
રાજકોટ-સુરત સવારે 11:45 કલાક, રાજકોટ-અમદાવાદ બપોરે 12:15 કલાક, રાજકોટ-મહુવા બપોરે 1:00 કલાક, રાજકોટ-અમદાવાદ સાંજે 5:20 કલાક, રાજકોટ-મહુવા સાંજે 7:00 કલાક, રાજકોટ-અમદાવાદ બપોરે 1:00 કલાકે, રાજકોટ નવસારી રાત્રે 9:25, 10:30 કલાક, રાજકોટ-અમદાવાદ સાંજે 6:15 વાગે ઉપડનારી 10 જેટલી રાજકોટ ડેપોની બસોના પૈડા આજ રાતથી થંભી જશે.