• મોદી પણ આજ બેઠક ઉપરથી ધારાસભ્ય બનીને મુખ્યમંત્રી અને ત્યારબાદ પ્રધાનમંત્રી સુધી પહોંચ્યા હતા, પશ્ર્ચિમ વિધાનસભા મત વિસ્તારે ક્યારેય ભાજપને નીરાશ નથી કર્યું
  • રૂપાલાને સૌથી વધુ 1.13 લાખ મતની લીડ અપાવી

પરસોત્તમ રૂપાલા આમ તો રાજકોટ લોકસભા બેઠકની તમામ સાતેય વિધાનસભા મત વિસ્તારોમાં ધાનાણીથી આગળ રહ્યા, પણ વાંકાનેરમાં કોંગ્રેસનું જોર વધુ રહેતા માત્ર 27 હજારની જ લીડ મળી

રાજકોટ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પરષોત્તમભાઈ રૂપાલાનો 4.84 લાખ મતોની લીડથી જંગી વિજય થયો છે. ત્યારે વિજય અપાવવા પાછળ પશ્ચિમ વિધાનસભા બેઠકનો સિંહ ફાળો રહ્યો છે પરિણામમાં ફરી સાબિત થઈ ગયું છે કે પશ્ચિમ વિધાનસભા બેઠક ભાજપનો અડીખમ ગઢ છે.

રાજકોટ શહેરની ચાર વિધાનસભા બેઠકો પૈકી 69 પશ્ચિમ વિધાનસભા બેઠક વર્ષોથી ભાજપનો ગઢ રહ્યો છે. લોકસભાની ચૂંટણીમાં પણ વિધાનસભા મત વિસ્તાર ફરી તે સાબિત કરીને બતાવ્યું છે.  રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાને વિધાનસભા બેઠક ઉપરથી 1.13 લાખની લીડ મળી છે. જે સૌથી વધુ છે. આજ વિધાનસભા બેઠક ઉપર ભૂતકાળમાં નરેન્દ્ર મોદીએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તે સમયે વજુભાઈ વાળાએ પોતાની સીટ ખાલી કરી નરેન્દ્ર મોદીને ચૂંટણી લડવા માટે આપી હતી..ત્યારે પણ પશ્ચિમ વિધાનસભાના મતદારોએ ખોબલે ખોબલે મત આપી નરેન્દ્ર મોદીને ધારાસભ્ય બનાવ્યા હતા. જ્યાર બાદ તેઓ મુખ્યમંત્રી અને બાદમાં દેશના વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા હતા. આમ દરેક ચૂંટણીમાં પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રના મતદારો ભાજપના વફાદાર રહ્યા છે. અગાઉ બે વખત બેઠક ઉપરથી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ જંગી લીડથી ચૂંટાઈ આવ્યા છે. ઉપરાંત છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ધારાસભ્ય દર્શિતાબેન શાહ કે જેવો વિધાનસભા માટે નવો ચહેરો હતા. તેમ છતાં પણ અહીંના મતદારોએ તેઓને પણ જીત અપાવી હતી.

વધુમાં રાજકોટ લોકસભા બેઠકની સાથે વિધાનસભા બેઠકો વાઈઝ પરસોતમ રૂપાલાની લીડ જોઈએ તો ટંકારામાંથી તેઓને 61,924 મત, વાંકાનેરમાંથી 27123 મત, રાજકોટ પૂર્વમાંથી 68,576 મત, રાજકોટ પશ્ચિમમાંથી 1,13,990 મત, રાજકોટ દક્ષિણમાંથી 76,862 મત, રાજકોટ ગ્રામ્ય માંથી 85,845 મત અને જસદણમાંથી 47,562 મતની લીડ મળી છે બીજી તરફ રાજકીય નિષ્ણાંતોના જણાવ્યા મુજબ વાંકાનેરમાં કોંગ્રેસના પરેશ ધાનાણીએ પરસોતમ રૂપાલા અને બરાબરની ટક્કર આપી હતી. પરસોતમ રૂપાલા અહીંથી માત્ર 27000 જેટલા મતોની લીડ કાપી શક્યા હતા. લઘુમતી સહિતના વર્ગો કોંગ્રેસ તરફી ભરપૂર મતદાન કર્યું હોય રૂપાલા વાંકાનેર વિધાનસભામાંથી સૌથી ઓછી લીડ મેળવી શક્યા છે. ઉલ્લેખનીય છે કે ભાજપના પરસોતમ રૂપાલાને 8,57,984 અને કોંગ્રેસના પરેશ ધાનાણીને 3,73,724 મત મળ્યા છે. આમ રૂપાલા 4.84 લાખની રેકોર્ડ બ્રેક લીડ સાથે જીત્યા છે.

નોટામાં 15,922 મત પડ્યા

રાજકોટ લોકસભા બેઠક ઉપર નોટામાં 15,922 મત પડ્યા છે. જેમાં ટંકારા વિધાનસભામાં 1485, વાંકાનેર વિધાનસભામાં 1699, રાજકોટ પૂર્વ વિધાનસભામાં 2249, રાજકોટ પશ્ચિમ વિધાનસભામાં 3684, રાજકોટ દક્ષિણ વિધાનસભામાં 2161, રાજકોટ ગ્રામ્યમાં 2510, જસદણ વિધાનસભામાં 1500 જ્યારે પોસ્ટલ બેલેટમાં 634 મળી કુલ 15,922 લોકોએ નોટામાં મત આપ્યો છે.

સાત ઉમેદવારોની ડિપોઝીટ થશે ડૂલ અપક્ષ કરતા નોટામાં વધુ મત: માન્ય મતના 16.6% મત મળેવવામાં પક્ષઅપક્ષ ઉમેદવારો નિષ્ફ્ળ

રાજકોટ લોકસભા બેઠકની મંગળવારે મતગણતરી બાદ માન્ય મતથી 16.6 ટકા મત એકપણ અપક્ષ ઉમેદવારને મળ્યા હોય ભાજપ અને કોંગ્રેસ સિવાયના તમામ સાત ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ કરવામાં આવશે.

રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીના 12,60,778 મતોની આજે ગણતરી કરવામાં આવી હતી. જેમાં ભાજપના પરશોત્તમભાઈ રૂપાલાને 8,50,846, કોંગ્રેસના પરેશ ધાનાણીને 3,68,964 મત મળ્યા હતા. અન્ય ઉમેદવારો ચમનભાઈ સવસાણીને 10356, અજાગિયા નીરલભાઈ અમૃતલાલને 3674, જીજ્ઞેશભાઈ મહાજનને 1322, ઝાલા નયન જે.ને 2321, પ્રકાશ ગોવિંદભાઈ સિંધવને 2355, ભાવેશ ઉપેન્દ્રભાઈ આચાર્યને 2806, ભાવેશભાઈ કાંતિલાલ પીપળીયાને 2846 મત મળ્યા હતા. જ્યારે નોટામાં 15288 મત પડ્યા હતા. ચૂંટણી પંચના નિયમો મુજબ, જો ઉમેદવાર કુલ માન્ય મતોના ઓછામાં ઓછા છઠ્ઠા ભાગના મત એટલે કે 16.6 ટકા મત મેળવવામાં નિષ્ફળ જાય, તો ઉમેદવારની ડિપોઝિટ જપ્ત કરવામાં આવે છે અને જમા કરવામાં આવેલી રકમ સરકારની તિજોરીમાં જાય છે. લોકસભાની ચૂંટણી લડવા માટે સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ રૂ. 25,000  અને એસસી, એસટી કેટેગરીના ઉમેદવારોએ રૂ.12,500 સિક્યોરિટી ડિપોઝિટ તરીકે જમા કરાવ્યા હતા.રાજકોટ બેઠકમાં અપક્ષ ઉમેદવારોને નિયમ મુજબ 16.6 ટકા મત મળ્યા હોવાથી અન્ય તમામ સાત ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત કરવા કાર્યવાહી કરવામાં આવશે.

15 2

16 2

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.