બે દાયકામાં સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અંતર્ગત મળેલી 566139 અરજીઓમાંથી 99.52 ટકા અરજીઓનો સંતોષકારક નિકાલ
ગુજરાતના તત્કાલિન દીર્ઘદ્રષ્ટા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003 માં નાગરિકોના પ્રશ્નોના સીધા ઉકેલ માટે કાર્યક્રમની શરૂઆત કરી હતી . સ્વાગત કાર્યક્રમ છેલ્લા બે દાયકાથી અવિરત નાગરિકોની સમસ્યાના ઉકેલનું સરનામુ બન્યો છે .
સ્વાગત ઓનલાઇન મારફતે નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી સુશાસનની પગદંડી ઉપર ગુજરાતની વિકાસ યાત્રાને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વધુ તેજ રફતારથી આગળ ધપાવી રહ્યા છે . છેલ્લા બે દાયકામાં સ્વાગત ઓનલાઇન મારફતે અનેક લોકોના પ્રશ્નોનું સંતોષજનક રીતે નિરાકરણ આવ્યું છે . રાજ્યના પ્રત્યેક નાગરિકોને પારદર્શિતા , સંવેદનશીલતા અને સુશાસનની પ્રતીતિ થઈ રહી છે . સ્વાગત ઓનલાઇન કાર્યક્રમની માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના અન્ય દેશોએ પણ નોંધ લીધી છે . આ ગુજરાતની સુશાસનની સફળતાનો જીવંત પુરાવો છે.
રાજ્યના દરેક નાગરિકને મહેસૂલી બાબત એક યા બીજી રીતે સ્પર્શે છે . ઝૂંપડામાં રહેતો વ્યક્તિ હોય કે આલિશાન ફાર્મ હાઉસ કે ખેતીલાયક જમીન ધરાવતો નાગરિક . આ તમામ લોકોને મહેસૂલ વિભાગની કોઈને કોઈ કચેરીની કામ માટે મુલાકાત લેવાની થતી હોય છે . સ્વાગત ઓનલાઈનમાં સૌથી વધુ મહેસૂલી પ્રશ્નોની ફરિયાદો આવી છે અને એનું ઝડપી નિવારણ થતું હોવાની દરેકને પ્રતીતી થઇ રહી છે.
સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના પરબડી ગામના વાલાભાઇ વાઘેલાને વર્ષ 1965 માં સાંથણીમાં જમીન મળી હતી . આ જમીન પર અન્ય વ્યકિતઓએ કબજો કરી લીધો હોવાની અરજી કરી હતી. આ બાબતે વાલાભાઈએ કબજો સોંપવા માટે રાજ્ય સ્વાગતમાં અરજી કરી હતી . વાલાભાઈની અરજી સંદર્ભે મુખ્યમંત્રીએ અરજદારને કુલ બે એકર 16 ગુંઠા જમીન વર્ષ 1965 સાંથણીમાં મળી છે તે અંગે જરૂરી માપણી સરકારી ખર્ચે કરાવી 7 દિવસમાં અરજદારને કબજો મળે તે બાબતે કલેક્ટરને સૂચના આપી પ્રશ્નનું નિરાકરણ લાવ્યું હતું.
અરજદાર પ્રભુદાસભાઈ પટેલની રજૂઆત પરત્વે મુખ્યમંત્રીએ જિલ્લા કલેકટરને ડીઆઇએલઆરના પરામર્શમાં રહી માપણી કરાવી ત્રણ અઠવાડીયામાં (20 દિવસ ) માં સમગ્ર કાર્યવાહી નિયમાનુસાર પૂર્ણ કરવા જણાવ્યું મુખ્યમંત્રીએ આપેલી સુચનાને પરિણામે ત્વરિત કામગીરી થતા ગ્રામ પંચાયત મારફતે દબાણ નક્કી કરીને દબાણને દૂર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
ગામડાઓમાં રસ્તાની, શેઢાની તકરારો , ભાઈઓ વચ્ચેના ભાગની ફરિયાદો વગેરે જોવા મળતી હોય છે . કોઈ વ્યવસ્થિત વ્યક્તિ તેમાં વચ્ચે રહીને યોગ્ય નિર્ણય કરે તો સમાધાન શક્ય બને છે. આવો જ એક પ્રશ્ન સુરતમાં રહેતા ભનુભાઈ કોટડીયાના કેસમાં સામે આવ્યો. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના નાગધ્રા ગામે ભનુભાઈની પોતાની સ્વતંત્ર માલિકીની ખેતીની જમીન આવેલી છે . આ જમીનમાં જવાનો રસ્તો ખુલ્લો કરી આપવા તેમજ રહેઠાણ અને ખેતરમાં થયેલા દબાણ દૂર કરવાથી ભનુભાઈ કોટડીયાએ સ્વાગત ઓનલાઈનમાં અરજી કરી હતી.
અરજીની રજૂઆત અન્વયે મુખ્યમંત્રીએ નિયમ અનુસાર જરૂરી ચકાસણી કરી અને જો તે જૂનો ગાડા માર્ગ હોય તો જાહેર હિતમાં દબાણ દૂર કરી એક અઠવાડિયામાં પ્રશ્નનો નિરાકરણ લાવવા સૂચના આપી હતી મુખ્યમંત્રીએ આપેલી સૂચના અન્વયે પક્ષકારો વચ્ચે સમજૂતી થતા આ પ્રશ્ર્નનુ સુખદ સમાધાન થયું છે . આ સ્થળે તેમના સહહિસ્સેદારનું પણ નિવેદન લઈ , પંચકામ કરી આ પ્રશ્નનો સકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
આવો જ એક પ્રશ્ર્ન અરવલ્લી જિલ્લાના અરજદાર મનહરભાઈ પટેલનો છે . અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના તેનપુર અને જૂનાવાડા ગામે સરકારી જમીન પરનું દબાણ હટાવવા બાબતે મનહરભાઈ પટેલે અરજી કરી હતી. મનહરભાઈ પટેલની અરજી અન્વયે કલેકટર એ ખેતી વિષયક દબાણ બે – ત્રણ દિવસમાં દૂર કરવા બાહેંધરી આપી હતી . તેમજ અરજદાર ની બે મકાનના દબાણ અંગેની માંગણી બાબતે કલેકટર દ્વારા મકાન ખાલી કરાવી દબાણ દૂર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. મનહરભાઈ પટેલની અરજીની રજૂઆત અન્વયે સરકારી જમીનમાં થયેલ દબાણ દૂર કરવા બાયડ મામલતદાર દ્વારા કલમ 61 હેઠળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ તો આપણે વાત કરી વાલાભાઈની મનહરભાઈની, ભનુભાઈની અને પ્રભુદાસભાઈની પરંતુ રાજ્યના આવા તો અનેક નાગરિકો છે જેમના પ્રશ્ર્નનું સ્વાગત ઓનલાઇન મારફતે નિરાકરણ આવ્યુ છે . છેવાડાના માનવીને મહેસુલી પ્રશ્ર્નનો નિવારણ લાવવા માટેનું માધ્યમ સ્વાગત કાર્યક્રમ બન્યો છે . છેલ્લા બે દાયકામાં 2,77,910 જેટલા મહેસૂલ વિભાગને લગતી અરજીઓ મળી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સ્વાગત ઓનલાઈન અંતર્ગત આવેલી 5,66,139 અરજીઓમાંથી 99.52 ટકા અરજીઓનો સંતોષજનક રીતે નિકાલ થયો છે.