- ખેડૂત નેતા સ્વ.વિઠ્ઠલભાઇ રાદડિયાની પૂણ્યસ્મૃતિમાં યોજાયા લગ્નોત્સવ
- 50 હજારથી વધુ જનમેદની વચ્ચે મોટા કરિયાવર સાથે ધારાસભ્ય જયેશભાઇએ 351 દિકરીઓને વિદાય આપી
ખેડૂત નેતા અને સેવાના ભેખધારી સ્વ.વિઠ્ઠલભાઇ રાદડિયાએ પ્રગટાવેલી સેવાની જ્યોતના અજવાળા આજ પણ સૌરાષ્ટ્રની ધરામાં અવિરત પથરાયેલા છે અને તેમાં પણ સ્વ.વિઠ્ઠલભાઇએ શરૂ કરેલ સમૂહ લગ્નની પરંપરાને તેના પુત્ર અને ધારાસભ્ય જયેશભાઇ રાદડિયાએ કાયમ રાખી છે.
જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ કન્યા છાત્રાલય દ્વારા જયેશભાઇ રાદડિયાના નેજા હેઠળ વિઠ્ઠલભાઇ રાદડિયાની પુણ્યસ્મૃતિમાં જામકંડોરણાના આંગણે ગઇકાલે ભવ્યાતિભવ્ય જાજરમાન ‘લાડકડીના લગ્ન’ યોજાયા હતા. સમૂહ લગ્નોત્સવમાં 351 દિકરીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.
શાહી ઠાઠથી યોજાયેલ લગ્નોત્સવમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ભરતભાઇ બોઘરા, દિલીપભાઇ સંઘાણી સહિતના રાજકીય નેતાઓએ ખાસ ઉ5સ્થિત રહી લગ્નોત્સવનો આનંદ માણ્યો હતો.
પચ્ચાસ હજારથી વધુની જનમેદની વચ્ચે શાહી ઠાઠથી યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નવદંપતિને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે સ્વ.વિઠ્ઠલભાઇની સેવાકીય અને સમૂહ લગ્નની પરંપરાને જયેશભાઇએ જાળવી રાખી તેનું જતન કર્યું છે.
આજ સ્વ.વિઠ્ઠલભાઇની પુણ્યતિથીએ જયેશભાઇ રાદડિયાએ શાહી સમૂહ લગ્નમાં 351 દિકરીઓનું કન્યાદાન મોટા કરિયાવર સાથે કરી પિતા સ્વ.વિઠ્ઠલભાઇને શ્રધ્ધાંજલિ અર્પી છે. દિકરીઓના લગ્ન એજ મોટું કન્યાદાન અને દાન કહેવાય. તેઓએ એમ પણ ઉમેર્યું હતું કે આજે ચારે કોર ભાજપનો વાયરો છે અને આવનારી લોકસભાની ચૂંટણીમાં 400 સીટ મેળવવા અમારો લક્ષ્યાંક છે.
તેમ તેઓએ જણાવ્યું હતું. જ્યારે પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ભરતભાઇ બોઘરાએ જણાવ્યું હતું કે સ્વ.વિઠ્ઠલભાઇની પુણ્ય સ્મૃતિમાં યોજાયેલ શાહી લગ્નોત્સવએ બહુ મોટી વાત છે અને મેં આ પ્રસંગે હાજરી આપી અને ધન્યતા અનુભવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ જયેશભાઇ રાદડિયા દ્વારા સ્વ.વિઠ્ઠલભાઇની સેવાની જ્યોતને જલતી રાખી આવા શાહી ઠાઠના સમૂહ લગ્ન યોજાય તે ખૂબ સારી બાબત છે. જ્યારે દિલીપભાઇ સંઘાણીએ સમૂહ લગ્નોત્સવનો રાજીપો વ્યક્ત કરી જયેશભાઇએ કરેલા 351 દિકરીઓના કન્યાદાનની સરાહના કરી હતી.
તબીબોની ટીમ રહી ખડેપગે: ઢોલ-નગારા, રાસ-ગરબા અને લગ્નગીતોની ભારે જમાવટ
જામકંડોરણાના આંગણે લગ્નોત્સવની ખૂબ ઉત્સાહ પૂર્વક ઉજવણી: ડો. મનસુખ માંડવીયા
સ્વ.વિઠ્ઠલભાઇ રાદડિયા દ્વારા શરૂ કરવામાં આવેલ સમૂહ લગ્નની પરંપરાને જયેશભાઇ દ્વારા આજ પણ જાળવી રાખી વિશાળ અને શાહી ઠાઠના લગ્નોત્સવમાં આવી હું મારો રાજીપો વ્યક્ત કરૂં છું.
શાહી લગ્નોત્સવમાં આવી હું ધન્ય થયો: ડો. ભરત બોઘરા
ખેડૂત નેતા સ્વ.વિઠ્ઠલભાઇ રાદડિયાની પુણ્યસ્મૃતિમાં જામકંડોરણાના આંગણે સમૂહ લગ્નમાં ‘લાડકીના લગ્ન’એ ખૂબ મોટી બાબત છે. આજે હું આ લગ્નોત્સવમાં આવીને ધન્યતા અનુભવું છું.
351 દિકરીઓને કન્યાદાન કરી જયેશભાઇએ સ્વ.વિઠ્ઠલભાઇને શ્રધ્ધાજંલિ અર્પી છે: વિજય રૂપાણી
જામકંડોરણાના આંગણે સ્વ.વિઠ્ઠલભાઇની પુણ્યસ્મૃતિમાં જયેશભાઇ રાદડિયાએ શાહી સમૂહ લગ્નોત્સવ યોજી મોટા કરિયાવર સાથે 351 દિકરીઓનું કન્યાદાન કરી પિતાને સાચા અર્થમાં શ્રધ્ધાજંલિ અર્પી છે.
સમૂહ લગ્નમાં હાજરીએ મારૂં અહોભાગ્ય: દિલીપ સંઘાણી
જામકંડોરણાના આંગણે સમૂહ લગ્નોત્સવમાં આવી મને ખૂબ જ આનંદ થયો જયેશભાઇ દ્વારા 351 દિકરીઓનું કન્યાદાન પ્રસંગે હાજરી આપવી એજ મારૂં અહોભાગ્ય છે.