રિનોવેશનની કામગીરી થોડા દિવસ માટે મુલતવી રાખો: કોંગ્રેસે અરજદારોને સાથે રાખી કરી રજૂઆત
શહેરના વિજય પ્લોટ વિસ્તારમાં આવેલા મહાનગર પાલિકા સંચાલિત અવંતિબાઈ લોધી હોલમાં રિનોવેશનની કામગીરી હાથ ધરવાની હોવાના કારણે આગામી એપ્રીલ માસ માટે કરવામાં આવેલા કોમ્યુનિટી હોલનું બુકિંગ રદ કરવામાં આવ્યું છે. જેના કારણે અરજદારોમાં ભારે દોડાદોડી થવા પામી છે. લગ્નની કંકોત્રી પણ લખાઈ ગઈ છે અને સગા વ્હાલાને આપી દેવામાં આવી છે. આવામાં કોમ્યુનિટી હોલના બુકિંગ રદ ન કરવા અને રિનોવેશનની કામગીરી થોડો સમય મુલત્વી રાખવા રજૂઆત કરવામાં આવી છે.
આજે કોંગ્રેસના આગેવાન રણજીત મુંધવા અને કેતન ઝરીયા દ્વારા કોર્પોરેશનના અધિકારીને રજૂઆત કરવામાં આવી છે અને જણાવવામાં આવ્યું કે, મહાપાલિકાના કોમ્યુનિટી હોલનું ભાડુ સસતું હોવાના કારણે મધ્યમવર્ગીય પરિવાર હોલને લગ્ન પ્રસંગે બુક કરાવતા હોય છે. દરમિયાન રીનોવેશનની કામગીરી હાથ ધરવામાં હોવાથી એપ્રીલ માસમાં લગ્નગાળાની સીઝનમાં જે લોકોએ હોલનું બુકિંગ કરાવ્યું અને ડિપોઝીટ ભરી છે તે રદ્દ કરવામાં આવી રહ્યાં છે. હોલ બુકિંગ થયા બાદ અરજદારોએ લગ્નની કંકોત્રી પણ છપાવી લીધી અને સગા વહાલાને આપી પણ દીધી છે. આવામાં કોમ્યુનિટી હોલનું બુકિંગ રદ ન કરવાની માંગણી કરવામાં આવી છે અને રીનોવેશનની કામગીરી થોડા સમય માટે મુલત્વી રાખવા જણાવ્યું છે.