- અગ્નિકાંડની ઘટનાને લઇ ‘અબતક’ સાથે રોનક પટેલની ચર્ચા
- અગ્નિકાંડમાં જીવ ગુમાવનારાઓ મૃતકો નહીં ‘શહીદો’ કારણકે તેઓએ પોતાના જીવ દઇને ગુજરાતના ખમીરને જગાડ્યું, આ દુર્ઘટના બાદ હવે લોકો બોલતા થયા
રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન ખાતે જે દુર્ઘટના ઘટી છે. તેના ઘેરા પડઘા પડ્યા છે. ઘટનાને પગલે અનેક તપાસો ચાલી રહી છે અને અનેક અધિકારીઓ વિરૂધ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. ત્યારે આજે અગ્નિકાંડની ઘટનાને લઇ એબીપી અસ્મિતાના સંપાદક રોનકભાઇ પટેલે ‘અબતક’ મીડીયાના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા સાથે ખાસ વાતચિત કરી હતી અને તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ દિવસમાં જે રીતની તપાસ ચાલી રહી છે. મને આશા છે કે મારે ઝાંઝુ બોલવું નહિં પડે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જે ઘટના બની છે તેમાં રાજનેતાઓ બોલવા તૈયાર નથી. જે ચૂંટણી પહેલા ડોર ટુ ડોર ફરતા હતા તે હવે ડોક્યું પણ કરતા નથી. આપણે જેઓને પ્રબુધ્ધ નાગરિક કહીએ છીએ તે પ્રથમવાર આ ઘટના બાદ ખૂલ્લીને બોલી રહ્યા છે. આ ઘટનામાં જેટલા લોકોના જીવ ગયા છે. તે મૃતક નથી પરંતુ શહિદ છે. કેમ કે આ ઘટનામાં અધિકારીઓ-ફાયરના અધિકારીઓનું પાપ પોકાર્યું છે અને ખાસ તો મીડીયાએ જ આ વાત ઉજાગર કરી છે. લોકો અત્યાર સુધી ન્હોતા બોલતા પરંતુ હવે જે થયું છે તેનાથી લોકો બોલતા થયા છે. ગુજરાતનું ખમીર છે. સરદાર પટેલના જે સંસ્કાર છે. તે ધીમેધીમે ઉજાગર થતા હોય તેવું જોવા મળી રહ્યું છે.
આ ઘટના બાદ હવે લોકો કચરો રોડ ઉપર ફેંકતા કે થૂંકતા પણ વિચાર કરશે. આપણે ત્યાં લોકોની એક એવી માનસિકતા છે કે નિયમ તોડવા તેનો વિકૃત આનંદ લ્યે છે. વિકૃત માનસિકતા ધીમેધીમે વધી રહી છે. ઘરનું પાર્કિંગ હશે તો પણ લોકો રોડ પર પાર્કિંગ કરશે. આ માનસિકતા ઘર કરી ગઇ છે. જેને લઇ નાની-મોટી દુર્ઘટનાઓ થતી જ રહે છે. નેતા પણ નાગરિક છે તેમજ અધિકારી પણ એક નાગરિક જ છે. દરેક વ્યક્તિએ સમજીને પ્રામાણીક બનવું પડશે. એક રૂપિયાનું ખોટું કરે કે એક કરોડનું તો પણ એ ખોટું જ છે.
સમાજમાં દરેક એવું વિચારે છે કે, ઘરે ઘરે ભગતસિંહ પેદા થવા જોઈએ પણ મારા ઘરેનહી પાડોશીના ઘરે… એટલે જ બીજા પાસેથી અપેક્ષા રાખે. દરેક વ્યકિત એવું વિચારે કે મારા વતી કોઈ બોલે મારા વતી કોઈ લડે. આપણે એક જોઈતા હોય કે કોઈ ડીપાર્ટમેન્ટમાં કોઈ અધિકારી કે વ્યકિતને પૂછીએ કે આ બાબતે ઈન્ટરવ્યુ આપશો તો એક જ જવાબ મળે કે મને મારા ડીપાર્ટમેન્ટમાં મુશ્કેલી ઉભી થાય. શોષણ વધવાનું એક માત્ર કારણ આ જ છે. હું કહીશ એ શિષ્યાચાર બીજો કરે એ ભ્રષ્ટાચાર એવું માનવાવાળા લોકો જ ભ્રષ્ટાચાર આચરતા હોય છે.દીવાળીની એક નાની ગીફટ પણ ભ્રષ્ટાચાર છે.
પ્રશ્ર્ન: કયાક આપણે જીવનમાં જ ભ્રષ્ટાચાર ઘર કરી ગયું છે?
જવાબ: પ્રશ્ર્નના જવાબમાં રોનક ભાઈએ જણાવ્યું હતુ કે, આપણને સંસ્કાર આપવાવાળી ધાર્મિક સંસ્થાઓ છે ત્યાં પણ કયાંકને કયાંક ભેદભાવ થઈ રહ્યો છે. હું જઉ તો મારા માટે અલગ પ્રસાદ… અમારો કોઈ પત્રકાર જાય તો તેના માટે અલગ પ્રસાદ… સામાન્ય ભકત જાય તો તેના માટે અલગ પ્રસાદ…. આપણે તો આપણી જવાબદારી નિભાવવા જતા હોય પરંતુ એક ભકત જે કેટલા માઈલ દૂરથી આવ્યો છે. તે શ્રધ્ધાથી આવ્યો હશે તે સાચો ભકત છે પણ ભકત ને પ્રસાદમાટે પણ લાઈનમાં ઉભુ રહેવું પડશે તો આ વાતથી મોટુ કઈ દુર્ભાગ્ય ના હોઈ શકે.
પ્રશ્ર્ન: હું તો બોલીશ? એક મોટુ પ્લેટફોર્મ…. આઝાદીના આટલા વર્ષો પછી પણ કયાંક આપણે ગુલામીમાં હોય…? ત્યારે તમે તો હું તો બોલીશ કાર્યક્રમ ચલાવો છો? પ્રજા કયારે બોલશે? તમને કેવો અનુભવ?
જવાબ: હું કોઈનું નામ નહી લવ. પણ એક રસપ્રદ વાત કે આજ સરકારના એક મોટા અગ્રણી વ્યકિતએ કહયું કે તમે જે શો ચલાવો છો એ નિરંતર રાખજો લાંબો ચલાવજો… અને હું એટલે ઈચ્છુ કેમકે લોકો પણ હવે તમારી જેમ બોલતા થાય. બીજી વાત કે દરેક વ્યકિતનો એક સિધ્ધાંત હોય છે. દરેક વ્યકિત બોલવા પણ માંગે પણ તેને પ્રેરણા આપવી ખૂબજ જરૂરી છે. પણ જે છેલ્લા પાંચ વર્ષમં જુદીજુદી ઘટના બની છે. તેમાં હું લોકોને વધુ પ્રેરીત બોલવા માટે ના કહી શકયો. પરંતુ રાજકોટની આ ગોઝારી ઘટના બાદ મને લાગ્યું કે હવે તો હું બદલાવ લોકોમાં જોઈ રહ્યો છું. થોડુ થોડુ તો પણ બોલતા થયા છે. ખોટી વાતો સામે પણ બોલતા થયા છે. હવે મને લાગે છે કે લોકો પણ હવે બોલે છે.રાજકોટની જે દુર્ઘટના થઈ છે ત્યારે દોષિતો ને સજા અપાવવામાં કે સફળ ન થયો તો હું શો તો ચલાવીશ પરંતુ જે રીતે શોમાં ન્યાય અપાવાની વાતુ કરૂ છઉં તેહું બંધ કરીદઈશ, પણ આ વખતે મને આશા છે, જે રીતે સસ્પેન્ડ, ટ્રાન્સફર, ધરપકડ થઈ છે. ગત જે બનાવો બન્યા છે. એમાંથી છટકવાનો દોષિતોને મોકો મળ્યો છે. પણ આ વખતે હું ન્યાય અપાવીશ એવું મને લાગી રહ્યું છે.
પ્રશ્ર્ન: છેલ્લા ત્રણ દિવસમાં જે જે અધિકારીઓની પૂછપરછ થઈ છે. આ પણ કયાંક આશા છે? જવાબદારોથી ભાગવાની કોશિષ હતી તે બંધ થઈ એક લાગે છે?
જવાબ: જે વર્ષો જુની સિસ્ટમ ચાલતી આવતી હતી તે હવે કયાંક બ્રેક થઈ છે. અને આપણે ડિક્ષનરીમાંથી અધિકારી નામનો શબ્દ બદલવો પડશે. કેમકે અધિકાર વાળો વ્યકિત અધિકારી નહી પણ ફરજકારી હોવો જોઈએ. અધિકારી અધિકારી નહીં પણ પ્રજાના અધિકારોનું રક્ષણ કરનારો ફરજકારી છે. પણ આજે રાજકોટની ઘટના બની છે.તેના પરથી તમામ અધિકારીઓને અહેસાસ થશે કે આપણે અધિકારી નહી ફરજકારી છીએ અને ફરજ વિશેનો હિસાબ સરકાર ગમે ત્યારે માંગશે.આ ઘટના બાદ ભૂપેન્દ્રભાઈ પટેલને અભિનંદન આપવા જોઈએ કે આવી ઘટનામાં પ્રથમવાર ચોકકસ પગલા લીધા છે. હું સુભાષ ત્રિવેદીને ડીસીપી હતા ત્યારથી ઓળખું છું તે વ્યકિત રીપોર્ટ બનાવવામાં કોઈના પ્રભાવમાં નહી આવે. તેમના અભિપ્રાયો, રિપોર્ટને સરકાર કેટલી ગંભીરતાથી લેશે તે જોવું રહ્યું… પરંતુ એક આશા એટલે જાગી છે કેમકે તપાસ થશે તે સચોટ થશે.
પ્રશ્ર્ન: ખરેખર સરકાર હવે ગંભીર બની છે એવું લાગે છે કયાક એક નવી સિસ્ટમ બની રહી છે તેવું લાગે છે?
જવાબ: હું એટલું કઈશ કે કયાક આ ઘટનાથી એક નવી આશા, કાર્યવાહી શરૂ થઈ છે. અલગ અલગ જગ્યાએ ચેકીંગ શરૂ થઈ ગયા. મંજુરી માંગવાની ચાલુ થઈ ગઈ પણ સાથે જે પુછડી વાંકી તેવા અધિકારીઓ એવું ના કરે કે તેમને લૂંટવા માટેનો છૂટો દોર મળી જાય. કોઈક નાના માણસની મિલ્કત કે દુકાન શીલ કર્યા બાદ ફરી ચાલુ કરવા માટે રૂપીયા લે તે વાતનું મીડીયાએ ખાસ ધ્યાન રાખવું પડશે.
જડતામાંથી બહાર નિકળવા થોડો સમય જડતા પણ જરૂરી સરદાર પટેલના વિધાનને મમળાવતા રોનક પટેલ
જે રાજકોટમાં દુર્ઘટના બની તેમાં જે-જે લોકોની સંડોવણી હતી તેમને સસ્પેન્ડ કર્યા. તે રીતે રાજ્યભરમાં હાલ ચકાસણી શરૂ થઇ. જે લોકો પાસે લાઇસન્સ નથી તેની સામે એફઆરઆઇ દાખલ કરી પરંતુ જે અધિકારીએ અત્યાર સુધી ચાલવા દીધું તેને કેમ સસ્પેન્ડ નહીં કરવાનો? તેનો મતલબ એવો જ થાય કે દુર્ઘટના થાય તો જ સસ્પેન્ડ કરવાના? અન્ય જગ્યાએ ખોટી રીતે ચાલતા ગેમ ઝોન છે. તેમાં પણ અધિકારીઓ સામે કાર્યવાહી કેમ નહીં?
સુરતમાં જે આગની ઘટના બની ત્યારે જે સ્કુલોમાં ડોમ તોડી પાડવામાં આવ્યા હતા. તે તમામ સ્કુલોએ ફરી ડોમ બનાવી નાંખ્યા. આ બાબતે હું સરદાર સાહેબને યાદ કરીશ. તેઓ કહેતા…જડતા હોય ત્યાં દ્રઢતા હોય એટલે થોડા સમય માટે તંત્ર, સરકાર અને લોકોએ જડ રહેવું પડશે. જે કોઇનો હેતુ સારો હોય તો ક્યાક ચલાવી લેવું પડે પણ પૈસા બનાવવાની લાલચે આવી ઘટના હવે ચલાવી ના લેવાય.