આવનારા સમયમાં બોર્ડની પરીક્ષાઓનો દોર શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે યોગ્ય અને મહેનતુ વિદ્યાર્થીને તેમની મહેનત પ્રમાણેનું સચોટ પરીણામ મળી રહે તે આવશ્યક છે. વિદ્યાર્થીએ વ્યવસ્થિત અભ્યાસ કરેલો હોય છતાં પણ અપેક્ષાની સરખામણીમાં પરીણામ નીચુ જોવા મળે છે. આ બાબત ઉંડાણપૂર્વક વિચારતા એ બાબત ઉપસી આવે છે કે પરીક્ષામાં સફળતા માટે જવાબ લખવાની કળા એ મહત્વની વસ્તુ છે.
પ્રશ્ર્નપત્રનો જવાબ આપતી વખતે કઈ વિગતો ધ્યાનમાં રાખવી ? આ પ્રશ્નો નો જવાબ વારંવાર પરીક્ષા આપી ચુકેલા લગભગ જાણતા હોય છે. છતાં તેઓ ઉતરવહી લખતી વખતે ભુલ કરે છે. જવાબ લખવાની કળા પ્રાપ્ત કરવા માટે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા નીચેના મુદા બરાબર ધ્યાનમાં રાખો.
પરીક્ષામાં બેઠા પછી પ્રશ્નપત્ર આવે એટલે તે શાંતીથી વાંચો. પ્રશ્ર્નો અંગેની વિવિધ સુચના, કુલ કેટલા પ્રશ્નોના જવાબ લખવાના છે. મુખ્ય પ્રશ્નોના જવાબ લખવાના છે. મુખ્ય પ્રશ્નોમાં આવતા પેટાપ્રશ્નોમાં આપવામાં આવતા અપવાદ વગેરે બરાબર જાણી લો. ના ફાવે તેવા એક-બે પ્રશ્ન વાંચી પ્રશ્ન પત્ર અઘરું છે તેમ માની ના લેવું. સારી તૈયારી કરનાર વિદ્યાર્થીને પણ પપ્રશ્નપત્ર પ્રથમ નજરે સહેજ વિચિત્ર લાગી જતું હોય છે પરંતુ જવાબ આપવાની શરૂઆત થવા પછીના સમયમાં ઘણું યાદ આવવા લાગે છે.
એક મહત્વની બાબત તરફ ખાસ ધ્યાન આપવા જેવું છે. તમને કોઈ પ્રશ્નનો જવાબ વધારે આવડતો હોય તો તેને વધારે પડતો લખવાની લાલચ થઈ જાય છે. પરંતુ કોઈ પ્રશ્નનો જવાબ લંબાણથી આપવાને લીધે સમય ખુંટે અને બીજા કોઈ પ્રશ્નનો જવાબ રહી જાય તેવી સ્થિતિ વિદ્યાર્થી માટે એકંદરે નુકસાનકર્તા સાબિત થાય છે.
સરખામણી અથવા તુલના કરો:- આ પ્રકારના પ્રશ્નમાં સરખા અને ભિન્ન મુદા દર્શાવો, સરખામણી કે તુલના પુછાય ત્યારે બંને વચ્ચેના માત્ર સમાન મુદા જ લખવા એમના માની લેવું.
તફાવત આપો:- આ પ્રકારના પ્રશ્નોના ઉતરમાં ભેદ સ્પષ્ટ કરતા મુદા દર્શાવવા. અહીં સામ્ય મુદા જણાવવાની જરૂર રહેતી નથી.
મુલ્યાંકન કરો:- વિષયના સાત્યા સત્યનું પરીક્ષણ કરવું. જરૂર લાગે તો વિષય અંગેના વ્યકિતગત અભિપ્રાયનો આછો ઉલ્લેખ કરી શકાય.
સમજાવો:- સ્પષ્ટ કરો, સ્પષ્ટીકરણ કરો, ઓછી બુદ્ધિગમ્ય વિગતોને વધારે બુદ્ધિગમ્ય બનાવવી વગેરે.
અર્થઘટન કરો:- વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે અર્થ વધારે સ્પષ્ટ કરવો જરૂરી બને છે.
રૂપરેખા આપો:- મિત્રો, આ પ્રકારના પ્રશ્નોના ઉતરમાં વિષયના મુખ્ય મુદાઓ અથવા સામાન્ય સિદ્ધાંતો આપવા.
સંબંધ દર્શાવવો:- અહીં તમારે વિગતો અથવા મુદાઓ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે તે દર્શાવવું.
સમીક્ષા કરો:- આ પ્રકારના પ્રશ્નના ઉતરમાં તમારે વિષયને ટીકા-ટીપ્પણ સાથે તપાસવો પડશે.
સંક્ષિપ્ત અથવા ટુંકસાર આપો:- અહીંયા તમારે વિષયનો ટુંકો પરીચય આપવો તેમજ લંબાણ વિગતો અને ઉદાહરણો ના આપવા).
નિંબધ સ્વરૂપે ઉતર આપો:- અહીં તમારે પ્રમાણમાં લાંબો જવાબ લખવાનો હોય ત્યારે જવાબનો સહેજ વિચાર કરી મુખ્ય મુદા ઉતરવહીના છેલ્લા પાને લખી લો. પછી મુખ્ય મુદાને વ્યવસ્થિત રીતે ગોઠવીને જવાબ લખો. જવાબ લખતા પહેલા મુખ્ય મુદાના આયોજનને અપાતો થોડો સમય એકંદરે લાભદાયક નિવડે છે.
વિદ્યાર્થી મિત્રો, આપણે ચર્ચેલા પરીક્ષા અંગેના મુદા એ સ્પષ્ટ દર્શાવે છે કે પરીક્ષા પહેલા અને પરીક્ષા દરમ્યાન ધ્યાન રાખનારને પરીણામ સમયે પસ્તાવનો સમય આવતો નથી.