- પાટા ધોવાઇ જતા મીઠાનો પાક નિષ્ફળ જવાની ભીતી: નુકસાન અંગે સહાય આપવા અગરીયાઓની માંગણી
ગુજરાત રાજ્યની નર્મદાની કેનાલમાંથી બેફામ રીતે પાણીનો બગાડ કરવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યુ છે ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામની બાજુમાં આવેલા કચ્છના નાનો રણ માં મીઠાના અગરમાં નર્મદાનાં મીઠા પાણી ભરાઈ ગયા છે. જેથી કરીને અગરિયાઓને મોટું નુકસાન થયું છે. એક કે બે નહિ પરંતુ અંદાજે 15 કિલોમીટર કરતા પણ વધારે વિસ્તારમાં ચોમાસાની સિઝન દરમિયાન જે રીતે પાણી ભરાતું હોય છે તેવી રીતે પાણી ભરાઈ ગયું છે જેમાં હાલમાં સિચાઈ માટે પાણી છોડવામાં આવી રહ્યું છે. જોકે, પાણીનો બેફામ બગાડ કરવામાં આવતો હોવાથી હાલમાં નર્મદાના કેનાલના પાણી ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામની બાજુમાં આવેલા કચ્છના નાના રણમાં મીઠાના અગરોમાં ભરાઈ ગયા છે આ પાણી એક કે બે કિલોમીટર નહિ પરંતુ 15 કિલોમીટર કરતા વધારે જમીનમાં હાલમાં નર્મદાનું મીઠું પાણી ભરાઈ ગયું છે. જેથી કરીને ચોમાસા પછી અગરિયાઓ દ્વારા પાળા બાંધવાની તેમજ જમીન સમથળ કરવા માટેની જે મહેનત કરી હતી અને લાખો રૂપિયાના ખર્ચ કર્યા હતા. તેના ઉપર હાલમાં નર્મદાનું પાણી ફરી વળ્યું છે. છેલ્લા એક મહિના થી અહી પાણી ભરેલું છે અને પાણીની આવક હજુ પણ ચાલુ જ છે ત્યારે આ અંગે ચકુજી ઠાકોર, સહિતના અગરિયાઓએ જણાવ્યું હતું કે, ધ્રાંગધ્રા તાલુકામાં રવિ સીઝન માટે નર્મદાની કેનાલમાં ખેડૂતો દ્વારા ખેતરમાં પાકને પાણી આપી દેવામાં આવ્યા બાદ બકનળી મારફતે કેનાલમાંથી કાઢવામાં આવતા પાણીને બંધ કરવામાં આવતા નથી. જેથી કરીને રણમાં મીઠાની ખેતી કરતાં દરિયા ખેડૂને નુકસાન થાય છે. હાલમાં ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામ પાસે આવેલા કચ્છના નાના રણમાં અગરિયાઓ દ્વારા મીઠાનો પાક લેવા માટે જે મજુરી કરવામાં આવી હતી તેના ઉપર પાણી ફરી વળ્યું છે અને અગિયારીયાઓ મુશ્કેલી વધી ગઇ છે.
કુડાના રણમાં મીઠું પકવતા અગરિયાઓ એક પાળો બનાવવા માટે મજૂરી, ટ્રેક્ટર, સોલાર સહિતનો એક લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. ત્યારે મીઠું પકવવાનું કામ શરુ થતું હોય છે. જો કે, હાલમાં નર્મદા કેનાલના પાણી મીઠાના અગરમાં ઘુસી જતા 30થી વધુ મીઠાના પાટા ધોવાઈ જવાથી રણમાં મીઠું પકવતા અગરિયાઓ લાખોની નુકસાની થવાની નોબત આવી છે ધ્રાંગધ્રા તાલુકાનાં કુડા ગામ નજીક આવેલા કચ્છના નાના રણમાં મીઠાના અગરમાં છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી પાણી ભરાઈ ગયા છે. તેની અધિકારીઓને આ વખતે પણ જાણ કરવામાં આવી છે. તો પણ કોઈ અગરિયાઓની દરકાર લેવા માટે આવ્યું નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ચાર-પાંચેક વર્ષથી આ રીતે અગરીયાના અગરમાં નર્મદાનાં મીઠા પાણી આવી જાય છે. જેથી કરીને દર વર્ષે મીઠું પકવતા ખેડૂતોને નુકસાન થાય છે. હાલમાં જે પાણી અગરમાં છે, તે કયારે સુકાશે તે કહેવું મુશ્કેલ છે ત્યારે અગરિયાઓના પાળા બનાવવા સહિતની કામગીરીમાં જે ખર્ચા થયા છે. તેની સામે સરકારી અને ખેડૂતોની બેદરકારીના લીધે અગરમાં નુકસાન થઈ રહ્યું છે. જેથી કરીને સરકાર તરફથી સહાય આપવામાં આવે અને નર્મદાનાં પાણી અગરમાં આવતા રોકવા માટે નક્કર કામ કરવામાં આવે તેવી અગરીયાઓની વ્યાપક માંગ છે.