સરકાર મહેરબાન, માંગ્યા વિના આજીમાં 170 એમસીએફટી નર્મદાનું પાણી ઠાલવી દીધુ: હજી આવક ચાલુ: આજી ઓવરફ્લો થવામાં 5 ફૂટ જ બાકી
જળ કટોકટી વેળાએ વારંવાર માંગવા છતા રાજ્ય સરકાર દ્વારા રાજકોટને સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર આપવામાં થોડી ઢીલ દાખવવામાં આવે છે. પરંતુ હાલ ભર ચોમાસે માંગ્યા વિના આજી ડેમમાં નર્મદાના નીર ઠાલવવામાં આવી રહ્યા છે.
છેલ્લા 13 દિવસથી આજી ડેમની જળ સપાટી નર્મદાના નીરના સહારે સતત વધી રહી છે. 29 ફૂટે ઓવરફ્લો થતા આજી ડેમની સપાટી 24 ફૂટે પહોંચી જવા પામી છે. ડેમ હવે ઓવરફ્લો થવામાં માત્ર 5 ફૂટ બાકી રહ્યો છે.
સરદાર સરોવર ડેમમાં પાણીની ધોધમાર આવક થઇ રહી હોય છેલ્લા ઘણા દિવસોથી ડેમના દરવાજા ખોલી પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. દરમિયાન રાજ્યના જે જળાશયોમાં પર્યાપ્ત માત્રામાં પાણીની આવક થવા પામી નથી. તેમા નર્મદાના પાણી ઠાલવવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત 15મી ઓગસ્ટથી આજીમાં નર્મદાનું પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. છેલ્લા 13 દિવસમાં 170 એમસીએફટી પાણી ઠાલવી દેવામાં આવ્યું છે. હજી પણ નર્મદાના નીર છોડવામાં આવી રહ્યું છે.
29 ફૂટે ઓવરફ્લો થતા આજી ડેમની સપાટી હાલ 24 ફૂટે પહોંચી જવા પામી છે અને ડેમમાં 609 એમસીએફટી પાણી સંગ્રહીત છે. દૈનીક વિતરણ વ્યવસ્થા મુજબ રાજકોટ શહેરને દેવ દિવાળી સુધી ચાલે તેટલું પાણી સંગ્રહિત થઇ ગયુ છે. ડેમ ઓવરફ્લો થવામાં માત્ર પાંચ ફૂટ બાકી છે.
ભાદર ડેમમાં ત્રણેક દિવસથી નર્મદાનું પાણી ઠાલવવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. જો કે છલકાતા નદી-નાળાના કારણે ડેમની સપાટી વધી રહી છે. ભાદરમાં નવુ 0.20 ફૂટ પાણી આવ્યું છે. 34 ફૂટે ઓવરફ્લો થતા ભાદરની સપાટી 31 ફૂટે પહોંચી જવા પામી છે. ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 3 ફૂટ બાકી રહ્યું છે. ડેમમાં 5237 એમસીએફટી પાણી સંગ્રહિત છે. એક વર્ષ ચાલે તેટલું પાણી ભાદરમાં સંગ્રહિત છે.
આ ઉપરાંત ન્યારી-1 ડેમમાં 0.16 ફૂટ, ઇશ્ર્વરિયામાં 0.16 ફૂટ, ઘેલો સોમનાથ 0.69 ફૂટ, માલગઢમાં 0.33 ફૂટ, મચ્છુ-1 ડેમમાં 0.30 ફૂટ, મચ્છુ-2માં 0.10 ફૂટ, ડેમી-1માં 0.13 ફૂટ, ડેમી-2 ડેમમાં 0.33 ફૂટ, બ્રાહ્મણીમાં 0.30 ફૂટ, બ્રાહ્મણી-2માં 0.49 ફૂટ, સસોઇ ડેમમાં 0.10 ફૂટ પાણીની આવક થવા પામી છે. વર્તુ-2 ડેમમાં 0.13 ફૂટ, વેરાડી ડેમમાં 0.26 ફૂટ, વઢવાણ ભોગાવો-1માં 0.10 ફૂટ, ફલકુ ડેમમાં 0.66 ફૂટ, લીંબડી ભોગવો-2માં 0.33 ફૂટ પાણીની આવક થવા પામી છે.
રાજ્ય સરકાર દ્વારા હાલ નર્મદાના વધારાના પાણી રાજ્યના એવા જળાશયોમાં છોડવામાં આવી રહ્યા છે. જ્યાં ચોમાસાની સિઝનમાં પર્યાપ્ત માત્રામાં પાણીની આવક થવા પામી નથી. તેમા નર્મદાના પાણી છોડવામાં આવી રહ્યા છે. દરમિયાન રૂલ લેવલ સુધી ડેમની સપાટી પહોંચતાની સાથે નર્મદાનું પાણી બંધ કરી દેવાશે.