માધાપર, મુંજકા, મોટામવા અને ઘંટેશ્ર્વર ગામનો રાજકોટ મહાનગરપાલિકામાં સમાવેશ કરાયો છતાં વોર્ડ કે બેઠકોની સંખ્યામાં કોઈ વધારો નહીં : વોર્ડની વસતી વધશે
રાજકોટ મહાનગરપાલિકાની હદમાં માધાપર, મુંજકા, મોટામવા અને ઘંટેશ્ર્વર ગામનો સમાવેશ કરવામાં આવતા એવું લાગી રહ્યું હતું કે, શહેરમાં હયાત વોર્ડની સંખ્યા અને બેઠકોમાં વધારો થશે પરંતુ ગઈકાલે શહેરી વિકાસ વિભાગ દ્વારા પ્રસિઘ્ધ કરવામાં આવેલા જાહેરનામામાં રાજકોટમાં ૧૮ વોર્ડ અને ૭૨ કોર્પોરેટરોની સંખ્યા યથાવત રાખવામાં આવી છે હવે મહાપાલિકા આગામી ચુંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો માટે ટીકીટ ફાળવણીમાં મોટા માથાઓને સાચવી લેવો સૌથી મોટો પડકાર બની જશે. આ ચાર ગામોનો જે વોર્ડમાં સમાવેશ થશે તે વોર્ડનાં સીટીંગ કોર્પોરેટરોની ટીકીટ પર પણ હાલ જોખમ ઉભું થયું છે. ગઈકાલે જાહેર કરવામાં આવેલા જાહેરનામામાં પાંચ બેઠકો એસસી કેટેગરી માટે, એક બેઠક એસ.ટી. કેટેગરી માટે અને ૭ બેઠકો ઓબીસી કેટેગરી માટે અનામત રાખવામાં આવી છે ત્યારે ૫૦ ટકા બેઠકો મહિલા અનામત રહેશે.
ગત ૧૮મી જુનનાં રોજ શહેરી વિકાસ વિભાગ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની હદમાં માધાપર, મુંજકા, મોટામવા અને ઘંટેશ્ર્વરનો સમાવેશ કરવાની દરખાસ્તને બહાલી આપવામાં આવી હતી. આ ચારેય ગામોમાં પ્રાથમિક સુવિધા રઝળી ન પડે તે માટે મહાપાલિકા દ્વારા હાલ હંગામી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેમાં માધાપરનો સમાવેશ વોર્ડ નં.૨માં, મુંજકાનો સમાવેશ વોર્ડ નં.૯માં, ઘંટેશ્ર્વરનો સમાવેશ વોર્ડ નં.૧માં અને મોટામવાનો સમાવેશ વોર્ડ નં.૧૦માં કરવામાં આવ્યો છે. ગઈકાલે રાજકોટ કોર્પોરેશનનાં વોર્ડ અને બેઠકોનું જાહેરનામું પ્રસિઘ્ધ કરવામાં આવ્યું છે જેમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા રાજકોટમાં ૧૮ વોર્ડ અને ૭૨ બેઠકો યથાવત રાખવામાં આવી છે. ૭૨ બેઠકો પૈકી ૫ બેઠકો એસ.સી માટે અનામત છે જેમાં ત્રણ મહિલા અનામત રહેશે. એક બેઠક એસ.ટી. માટે અનામત રખાઈ છે જે મહિલા અનામત રહેશે જયારે ૭ બેઠકો ઓબીસી કેટેગરી માટે અનામત છે જે પૈકી ૪ બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. સાથો સાથ ૭૨ બેઠકોમાં ૫૦ ટકા મહિલા અનામત યથાવત રાખવામાં આવી છે. ૭૨ માંથી કુલ ૪૧ બેઠકો તો અનામતમાં જ જતી રહેશે બાકીની ૩૧ બેઠકો પર ઉમેદવારો શોધવાનાં રહેશે. ચાલુ બોડીમાં પણ એસસી માટે ૫, ઓબીસી માટે ૭ અને એસ.ટી. માટે ૧ બેઠક અનામત છે સુધારો માત્ર પુરુષ અને સ્ત્રીની કેટેગરીમાં સંખ્યામાં કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
કોર્પોરેશનની હદમાં ચાર ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેની વસ્તી આશરે ૯૫ હજાર જેવી થવા પામે છે. આટલી મોટી સંખ્યામાં વસ્તી વધારો થતો હોવા છતાં વોર્ડ અને બેઠકમાં વધારો કરવામાં આવ્યો નથી. બેઠક ન વધતા ભાજપ અને કોંગ્રેસ સહિતનાં રાજકિય પક્ષો માટે આ ચારેય ગામોનાં મોટા રાજકીય માથાઓને સાચવવા મોટો પડકાર બની રહેશે. હાલ એવું લાગી રહ્યું છે કે, હંગામી ધોરણે ૪ ગામોનો જે ૪ વોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે જ વોર્ડમાં કાયમી ધોરણે તેને સમાવી લેવામાં આવશે જો આવું થશે તો જે ૪ વોર્ડમાં ૪ ગામો હંગામી ધોરણે ભળ્યા છે તે ચારેય ગામોમાં તમામ બેઠકો ભાજપની છે. ગ્રામ પંચાયતનાં રાજકીય ધુરંધરોને સાચવી લેવા માટે ભાજપ કેટલાક સીટીંગ કોર્પોરેટરોની ટીકીટ પર કાતર ફેરવે તેવી શકયતા પણ હાલ નકારી શકાતી નથી. વોર્ડ અને બેઠકો યથાવત રખાયા બાદ હવે સીમાંકન અને વોર્ડનાં વિભાજન માટે ટુંક સમયમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા આદેશ આપવામાં આવશે. હાલ એક વોર્ડની વસ્તી આશરે ૭૫ હજારથી લઈ ૮૩ હજાર સુધીની છે જેમાં પણ વધારો થાય તેવું લાગી રહ્યું છે. ૨૦૧૫માં પણ નવા સીમાંકન પ્રમાણે ચુંટણી યોજાઈ હતી. સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં રાજય સરકાર દ્વારા ૫૦ ટકા મહિલા અનામત અને કોઠારીયા તથા વાવડી ગામનો રાજકોટમાં સમાવેશ કરવામાં આવતા નવું સીમાંકન અસ્તિત્વમાં આવ્યું હતું. અગાઉ શહેરમાં ૨૩ વોર્ડ અને ૬૯ કોર્પોરેટરો હતા જેનાં કારણે વોર્ડનો વિસ્તાર ખુબ જ મર્યાદિત હતો હવે શહેરનો વ્યાપ વઘ્યો છે પરંતુ વોર્ડમાં કોઈપણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો ન હોય વોર્ડનો વિસ્તાર અને વસ્તીમાં વધારો થશે જેનાથી નગરસેવકો પર પણ લોકોની વિકાસની ભુખ સંતોષવાની સૌથી મોટી જવાબદારી આવવી પડશે. વોર્ડ અને બેઠકો યથાવત રહેતા હાલ મુખ્ય રાજકીય પક્ષોની ચિંતામાં વધારો થયો છે. ૪ ગામોનાં મોટા રાજકીય માથાઓને ફરજીયાત સાચવવા પડે તેમ છે. બીજી તરફ સીટીંગ નગરસેવકોની ટીકીટ કપાય તો પણ ભડકો થવાનો ભય અંદર ખાને પક્ષને સતાવી રહ્યો છે.