- ખાદ્ય અને ઉર્જા સંકટમાંથી વિશ્ર્વ આખું માંડ બચ્યું છે, તેવામાં યુધ્ધ ઘેરૂં બનતા ફરી વિશ્ર્વ આખું ચિંતામાં
- અમેરિકાએ 100 પરમાણુ શસ્ત્રો યુરોપમાં મોકલ્યા હોવાના દાવાથી ખળભળાટ
રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ ફરી ભયાનક સ્વરૂપ લેતા વિશ્વ આખા ઉપર જોખમ તોળાઈ રહ્યું છે. ખાદ્ય અને ઉર્જા સંકટમાંથી વિશ્વ આખું માંડ બચ્યું છે, તેવામાં યુદ્ધ ઘેરું બનતા ફરી વિશ્વ આખું ચિંતામાં ગરક થયું છે.
યુક્રેનની રાજધાની કીવ અને ખારકીવ સહિતના શહેરો પર કેટલાક મહિનાની એકંદર શાંતિ પછી ફરી એક વખત રશિયાએ ભયાનક હુમલા શરૂ કર્યા છે. રશિયાએ યુક્રેન પર 84 મિસાઈલ છોડી ભયાનક હુમલો કર્યાના બીજા દિવસે પશ્ચિમમાં લવીવથી લઈને પૂર્વમાં ખારકીવ સુધીના શહેરોમાં મિસાઈલ-ડ્રોનથી તાજેતરના મહિનાઓનો ભયાનક હુમલો કર્યો હતો. આ ઘટનાઓ વચ્ચે અમેરિકાનું કહેવું છે કે રશિયા અને યુક્રેનના યુદ્ધ સાથે દુનિયામાં ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું છે, રશિયા આ યુદ્ધમાં પરમાણુ હુમલા કરતાં પણ ખચકાશે નહીં. આ સાથે અમેરિકાએ પણ 100 પરમાણુ શસ્ત્રો યુરોપમાં મોકલ્યા હોવાનો દાવો કરાયો છે.
બીજા દિવસે રશિયાએ લવીવ ઓબ્લાસ્ટ શહેરમાં ચાર ઈલેક્ટ્રિક સબસ્ટેશન ઉડાવી દીધા હતા, જેને પગલે શહેરમાં વીજપૂરવઠો ખોરવાઈ ગયો હતો, તેમાં બે સબસ્ટેશન્સ પર બે દિવસમાં બીજી વખત મિસાઈલ મારો કર્યો હતો. રશિયાએ યુક્રેનના બે શહેરો કીવ અને ખારકીવમાં સબવે સ્ટેશન્સ સહિત આશ્રય સ્થળો પર મિસાઈલ મારો કર્યો હતો. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીનાં પત્ની ઓલેનાએ કીવ સબ સ્ટેશનની સીડીઓ પર આશરો લઈ રહેલા લોકો એક લોક ગીત ગાતા હોય તેવો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો.
દરમિયાન રશિયા દુનિયાને પરમાણુ હુમલાની ધમકીઓથી ડરાવી રહ્યું છે અને સ્થિતિ કાબુમાં નહીં આવે તો નિષ્ણાતો ત્રીજા વિશ્વ યુદ્ધની ચેતવણી આપી રહ્યા છે. તેવામાં અમેરિકામાં વ્હાઈટ હાઉસમાં રશિયાની બાબતો અંગેના ભૂતપૂર્વ સલાહકાર ફિયાનો હિલેએ જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિમાં પશ્ચિમી દેશો અને રશિયા વચ્ચે પહેલાંથી જ વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું છે. આપણે લાંબા સમયથી આ સ્થિતિમાં જ છીએ, પરંતુ તે જાણી શક્યા નથી.
બીજીબાજુ અમેરિકન પ્રમુખ બાઈડેન પણ અગાઉ ચેતવણી આપી ચૂક્યા છે કે ક્યુબા મિસાઈલ કટોકટી પછી 60 વર્ષમાં પહેલી વખત દુનિયા ઉપર પરમાણુ યુદ્ધનું જોખમ વધી ગયું છે.
ચાર પ્રાંતોને પોતાનામાં ભેળવી દીધા બાદ પણ રશિયા આક્રમક
યુક્રેનના ચાર પ્રાંતોને રશિયાએ પોતાના દેશમાં ભેળવી દીધા પછી આ યુદ્ધનો અંત આવશે તેમ મનાતું હતું, પરંતુ ગયા સપ્તાહના અંતમાં રશિયા અને ક્રિમિયાનો પૂલ તોડી પડાયા પછી રશિયાએ યુક્રેન પર હુમલા વધારી દીધા છે. રશિયાએ યુક્રેનની રાજધાની કીવ, ખારકીવ, લવિવ, ડિનિપ્રો, ટેર્નોપિલ સહિતના શહેરોમાં 84થી વધુ મિસાઈલોનો મારો કરી ભયાનક વિસ્ફોટો કર્યા હતા.
રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને શાંત પાડવા મોદી એક જ સક્ષમ હોવાનો વિશ્ર્વ આખાનો સુર’
આ દિવસોમાં ભારત સરકારની વિદેશ નીતિ ચર્ચાનો વિષય બની છે. રશિયા પાસેથી તેલ ખરીદવાનો મુદ્દો હોય કે પછી યુક્રેનના યુદ્ધમાં રશિયાની નિંદા ન કરવાનો કે પશ્ચિમી દેશોના પ્રતિબંધોમાં તેમને સાથ ન આપવાનો મુદ્દો હોય, વિદેશ નીતિના જાણકારોનું માનવું છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને ઘણી રીતે સાબિત કરી દીધું છે. તે જોતાં દેશ સ્વતંત્ર વિદેશ નીતિ અપનાવવા સક્ષમ છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે, યુક્રેનમાં યુદ્ધ પછી, જ્યાં અમેરિકા, રશિયા અને ચીન જેવી મહાસત્તાઓ ભારતને તેના દુશ્મનો પર વ્યૂહાત્મક ફાયદો મેળવવાથી રોકવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ ભારત અને પીએમ મોદીએ સાબિત કર્યું છે કે આ તે ક્ષણ છે જે તેમને શક્તિશાળી સાબિત કરવામાં મદદરૂપ સાબિત થશે.