વાહ.. વાંકાનેર પોલીસ…વાહ…

મોરબી સહિત રાજ્યભરની પોલીસ અનુકરણ કરે તો ગુન્હેગારો ભો – ભીતર ઉતરી જાય

લુખ્ખાગીરી, રોમિયોગીરી અને દારૂ પી છાકટા થતા તત્વો આજે પોલીસની પણ સામે થતા થઈ ગયા છે અને સમગ્ર રાજ્યમાં પોલીસની ધાક ઓસરી રહી છે ત્યારે વાંકાનેર તાલુકા પોલીસના નાનકડા ગણી શકાય તેવા ફૂટ પેટ્રોલિંગના દૈનિક નિત્યક્રમને કારણે વાંકાનેર તાલુકા વિસ્તારનો ક્રાઇમરેટ સડસડાટ નીચે ઉતરી ગયો છે અને લોકો પોલીસની કામગીરીની ભારોભાર પ્રસંશા કરી રહી છે તો બીજી તરફ આવારા, બેલગામતત્વો ભો-ભીતર થઈ જવા પામ્યા છે.

સામાન્ય રીતે જેતે પોલીસ મથકના સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ થતું હોય છે. પરંતુ આ ફુટ પેટ્રોલિંગ સમયાંતરે કરવામાં આવતું હોય છે. જ્યારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ દરરોજ ૨ કલાક જેટલો સમય કાઢીને ફૂટ પેટ્રોલિંગ સાથે વાહનોનું ચેકીંગ પણ હાથ ધરે છે. વાંકાનેર તાલુકા પોલીસની નિષ્ઠા પૂર્વકની કામગીરી જોઈને લોકોનો પોલીસ પરનો વિશ્વાસ વધ્યો છે.2 20સાથે ગુનાખોરીના પ્રમાણના પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જોકે ગુનો થયા બાદ પોલીસનું કામ શરૂ થતું હોય છે. પરંતુ વાકાનેર તાલુકા પોલીસ ગુનાઓ ન બને તે માટે જ કામ કરી રહી છે. વાંકાનેર તાલુકાના પોલીસ સબ ઇન્સ્પેકટર જી.આર. ગઢવી અને બી.ડી. પરમારની આગેવાની હેઠળ દરરોજ ૧૫થી ૨૦ પોલીસ કર્મીઓ ફૂટ પેટ્રોલિંગ પર નીકળે છે. ફૂટ પેટ્રોલિંગ સાથે તેઓ વાહનોનું ચેકીંગ પણ હાથ ધરે છે.

આ અંગે પી.એસ.આઈ. ગઢવી કહે છે કે ફુટ પેટ્રોલિંગ વડે પોલીસની હાજરીનો લોકોને અહેસાસ થાય છે. તેઓની ટીમે દરરોજ ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકીંગ કરી લોકોનો વિશ્વાસ કેળવ્યો છે. ઉપરાંત ટીમની આ કામગીરીથી ગુનાહિત પ્રવૃત્તિઓ પણ અટકી છે. ઢૂંવા ચોકડી પાસે અસામાજિક તત્વોનો ત્રાસ હતો તેમજ ગુનાહિત પ્રવૃતિઓ પણ ચાલતી હતી. જે ફૂટ પેટ્રોલિંગ બાદ બંધ થઈ ગઈ છે. હાલ અહીંના લોકો પોલીસની જાગૃતતા થી વાકેફ થતા ચિંતા મુક્ત થયા છે.

વાંકાનેર પોલીસે ફુટ પેટ્રોલિંગ હાથ ધરીને પોતાના પોલીસ મથકના વિસ્તારમાં ગુનાખોરી ઘટાડી  છે. વાંકાનેર તાલુકા પોલીસની આ કામગીરીની લોકો સરાહના કરે છે. વાંકાનેર પોલીસની જેમ રાજ્યભરની પોલીસ જો પોતાના વિસ્તારમાં જો આરીતે કામગીરી કરી સક્રિયતા બતાવે તો અસામાજિક તત્વો ભૂગર્ભમાં ઉતરી જાશે અને ક્રાઇમ રેટ આપોઆપ ઘટી જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.