આંદોલનકારીઓ અને સરકાર વચ્ચેની આઠ તબક્કાની વાતચીત અનિર્ણીત રહેતા ઉકેલ માટે સમિતિની રચના અને સુપ્રીમની મધ્યસ્થીથી આ મામલાનો ઉકેલ ક્યારે?

વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતના અર્થતંત્રને પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવાની દિશામાં સરકારના પ્રયત્નો વચ્ચે કૃષિ ક્ષેત્રને સમૃધ્ધ બનાવવા સરકારે બનાવેલા ત્રણ કૃષિ કાયદાનો ખેડૂતોએ વિરોધ કર્યો છે. દિલ્હી સરહદ ઉપર સવા મહિનાથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે ત્યારે વાટાઘાટના તમામ તબક્કાઓ નિરાશાજનક રહ્યાં છે ત્યારે હવે આ મામલો સુપ્રીમના આંગણે પહોંચ્યો છે. સામાન્ય રીતે કાયદો બનાવવો એ સંસદનું કામ છે, સુપ્રીમ કોર્ટ કાયદાના અર્થઘટન અને તેના અમલના માર્ગદર્શનની ભુમિકામાં હોય છે ત્યારે ખેડૂતોનું આ આંદોલન સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે સમાધાનના તમામ તબક્કામાં નિષ્ફળ પુરવાર થયું છે તેવા સંજોગોમાં સુપ્રીમ કોર્ટે ગઈકાલે તાકીદ કરી સરકારને આ મામલો જલ્દીથી ઉકેલવા નિર્દેશ કર્યો છે. ખેડૂતોને સરકારે કાયદામાં જરૂરી સુધારા કરવાની કરેલી શરત પર ખેડૂતોએ સકારાત્મક અભિગમ અપનાવ્યો હતો અને આ અંગે વાતચીત આગળ ચાલી હતી. પરંતુ હવે આ મામલો સુપ્રીમ કોર્ટના આંગણે પહોંચી ચૂક્યો છે ત્યારે કોર્ટે આ મુદ્દો ઉકેલવા માટે સમીતીની રચનાની તૈયારી શરૂ કરી દીધી છે. મામલો વાતચીત અને રૂબરૂ સંવાદથી ઉકેલવાની દિશા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે સમીતીની રચના અને સુપ્રીમ કોર્ટે હાથમાં મામલો લીધો છે ત્યારે આંદોલનકારીઓ અને સરકાર વચ્ચે સુપ્રીમની દિવાલ ઉભી થઈ જશે અને આ મામલો કોઈપણ પરિણામ વગર અદ્ધરતાલ રહે તેવા સંજોગો ઉભા થયા છે. સુપ્રીમ કોર્ટે આજે આ મામલે ચૂકાદો આપવાની જાહેરાત કરી છે ત્યારે સમગ્ર મામલા પર તમામની મીટ મંડાયેલી છે.

સુપ્રીમ કોર્ટે સોમવારે કૃષિ કાયદાને પડકારતી પીટીશનની અનેક અરજીઓની એક સાથે સુનાવણી કરીને ખેડૂત આંદોલનને લગતા મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરીને કેન્દ્ર સરકારને તાકીદ કરી સમાધાનની વાટાઘાટો જે રીતે કોઈપણ પરિણામ વગર પુરી થવાની પરિસ્થિતિની નિરાશા વ્યકત કરી જણાવ્યું હતું કે, જો કેન્દ્ર સરકાર આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં સક્ષમ હોય તો કોર્ટ આ અંગેનો હુકમ જારી કરી દેશે. મુખ્ય ન્યાયધીશ બોબડેની અધ્યક્ષતાવાળી બેંચે જણાવ્યું હતું કે, અમને સમાધાનની બિન પરિણામદાયી પરિસ્થિતિથી સંતોષ નથી. સરકારને તાકીદ કરી હતી કે, તમે ખેડૂતોના વિરોધના પરામર્શ વિના કાયદો બનાવ્યો છે. તેથી હડતાલનો ઉકેલ પણ તમારે જ લાવવો જોઈએ.

સુપ્રીમ કોર્ટ આજે આ મુદ્દે પોતાનો આદેશ જારી કરશે. પૂર્વ ન્યાયધીશની અધ્યક્ષતાવાળી સમીતીની સ્થાપના માટે નિર્ણય લેવાશે. આ મડાગાંઠનો ઉકેલ કઈ રીતે શોધવો તે અંગે મુખ્ય ન્યાયમુર્તિ એસ.એ.બોબડેની ખંડપીઠે નિર્દેશ આપ્યો હતો કે, ખેતીના કાયદા અને આંદોલનને લગતા મામલા અંગે આજે નિર્ણય લેવાશે. સુપ્રીમ કોર્ટે જાહેર હિતની અરજીઓની સુનાવણીમાં કેન્દ્ર સરકારને આ મામલો જલ્દીથી ઉકેલવા નિર્દેશ આપ્યો હતો. એટર્ની જનરલ વેણુ ગોપાલે સુપ્રીમમાં દલીલ કરી હતી કે, જ્યાં સુધી કોર્ટ મુળભૂત અધિકારો અથવા બંધારણના ઉપયોગ ન કરે ત્યાં સુધી કાયદો રોકાઈ શકે નહીં. તેની સામે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, કોઈપણ કાયદાના સ્ટેની પરિસ્થિતિ સ્વસ્વીકૃત ન હોય શકે. અમે અમારા હાથ લોહીથી રંગવા માંગતા નથી. ખેડૂતનું આંદોલન રોકી ન શકાય પરંતુ જો આ આંદોલન લાંબુ ખેંચાશે તો હિંસક પરિસ્થિતિ ઉભી થાય તેમ છે. કંઈ પણ ખોટુ થાય તો તમામ પરિબળો તેના જવાબદાર ગણાય. આંદોલનકારી વૃદ્ધ ખેડૂતો, મહિલા અને બાળકોને ઘેર પાછા લઈ જવા હિમાયત કરી હતી. કિસાનના નેતા દર્શન પાલે જણાવ્યું હતું કે, ખેડૂત નેતા હવે પછીની પરિસ્થિતિ અંગે કાનૂનવિદોની સલાહ લઈ રહ્યાં છે.

કોંગ્રેસે  પણ આ મુદ્દે સરકારનું વલણ યોગ્ય ન હોવાની દલીલ કરી હતી. કેરળથી ૫૦૦ ખેડૂતોનું પ્રતિનિધિ મંડળ નવીદિલ્હી પહોંચ્યું હતું. શરદ પવારે ખેડૂત આંદોલન સ્થળની મુલાકાત લઈ સુપ્રીમ કોર્ટના વલણ અંગે ચર્ચા કરી હતી અને ખેડૂતોને ટેકો જાહેર કર્યો હતો.  કૃષિ આંદોલનની મડાગાંઠ ઉકેલવા માટે ખેડૂતો અને સરકારના પ્રયત્નો વચ્ચે હવે સુપ્રીમ કોર્ટની દિવાલ ઉભી થાય તેવી પરિસ્થિતિ વચ્ચે આજે સુપ્રીમ કોર્ટ આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.