આર્કોલોજીકલ સર્વે માટે વડોદરાથી ટીમ દોડી આવી
વાતાવરણની અસરને ખાળવા ટુંકમાં ટ્રીટમેન્ટ શરૂ કરાશે
યાત્રાધામ દ્વારકામાં આવેલ વિશ્ર્વપ્રસિઘ્ધ દ્વારકાધીશ જગતમંદિરે દરિયાકિનારે આવેલ હોય દરીયાઈ ખારાશને લીધે જગતમંદિરની દિવાલ તથા સ્તંભો અને અન્ય બાંધકામને મોટું નુકસાન થયા હોવાનું જણાતા દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના અધ્યક્ષ તથા જિલ્લા કલેકટર દ્વારા મંદિરના નાયબ વહિવટદાર પટેલને તાત્કાલિક વડોદરા ખાતેની આર્કોલોજીકલ સર્વેની કચેરી ખાતે દોડાવ્યા હતા.
આગામી સમયમાં જન્માષ્ટમીના તહેવારો આવતા હોય જગતમંદિરમાં લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે તેમ હોય આ ખારાશને લીધે મંદિરના માળખાને થતી નુકસાની અટકાવવા જરૂરી પગલા તત્કાલ લેવાય અને હાલમાં મંદિરમાં ગર્ભગૃહમાં પણ પાઉડર સમાન રજકણો પુષ્કળ માત્રામાં ખરી રહ્યા હોય અને દિવાલોમાં ગંભીર ક્ષતિ જણાતા આ અંગે તત્કાલ પગલા લેવાય તે માટે રજુઆતો કરાતા એક્ષપર્ટની મદદ લઈ ટુંકમાં જ મંદિરના ક્ષતિગ્રસ્ત ભાગોમાં કેમીકલ ટ્રીટમેન્ટથી વાતાવરણથી થતી અસરો અટકાવવા ટ્રીટમેન્ટ શરૂ કરાશે તેવું આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળેલ છે.
આ અંગે દ્વારકા આર્કોલોજી વિભાગના અધિકારી એ.એસ.આઈ શાહનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, આ અંગે વડોદરા સ્થિત વડી કચેરીનો સંપર્ક સાધી આ દરિયાઈ ખારાશથી થતી નુકસાની અટકાવવા ૬૦૦ કારીગરો દ્વારા કામગીરી કરાવવામાં આવશે અને આશરે ૬ માસમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આગામી જન્માષ્ટમીના તહેવારો આવતા હોય જન્માષ્ટમી બાદ મંદિરમાં દર્શનાર્થીઓ તેમજ પુજારી દ્વારા કરાતા ઠાકોરીજીના નિત્યક્રમને અસર ન થાય તે રીતે વ્યવસ્થા સાથેનું આયોજન કરવામાં આવનાર છે.