યુરોપિયન યુનિયનની ક્રિટિકલ મટિરિયલ્સ કલબમાં ભારતની એન્ટ્રી, લિથિયમના ઉપયોગને મળશે બુસ્ટર
ભારત લિથિયમનો વિપુલ જથ્થો ધરાવતું હોવા ઉપરાંત સંસદમાં વિશેષ બિલ પણ પાસ કરવામાં આવતા ગ્રીન ઇકોનોમી માટે કામ કરતી યુરોપિયન કલબે ભારતને સભ્ય બનવા સામેથી આમંત્રણ આપ્યું
ભારત લિથિયમનો વિપુલ જથ્થો ધરાવતું હોવા ઉપરાંત સંસદમાં વિશેષ બિલ પણ પાસ કરવામાં આવતા ગ્રીન ઇકોનોમી માટે કામ કરતી યુરોપિયન યુનિયનની ક્રિટિકલ મટિરિયલ્સ કલબે ભારતને સભ્ય બનવા સામેથી આમંત્રણ આપ્યું છે. આ કલબમાં ભારતની એન્ટ્રી થતા લિથિયમને બુસ્ટર મળશે. આમ બિનપરંપરાગત ઉર્જાસ્રોતના સંગ્રહ અને પરિવહનને લઈને સરકારની દુરંદેશી કારગત નીવડી રહી છે.
યુ.એસ. સમર્થિત મિનરલ્સ સિક્યોરિટી પાર્ટનરશિપમાં ભારતે સ્થાન મેળવ્યાના મહિનાઓ પછી, યુરોપે પણ ભારત માટે પોતાના દરવાજા ખોલ્યા છે. યુરોપિયન યુનિયન દ્વારા બનાવવામાં આવી રહેલા ક્રિટિકલ મટિરિયલ્સ ક્લબમાં જોડાવા માટે ભારતને સામેથી આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સંબંધમાં પ્રાથમિક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને ભારત પણ તેમાં જોડાવા ઈચ્છે છે.
ક્રિટિકલ મટિરિયલ્સ ક્લબ બેટરી અને અન્ય ગ્રીન ટેક્નોલોજી સંબંધિત ’ક્રિટિકલ મટિરિયલ્સ’ માટે સપ્લાય ચેઇનને મજબૂત કરવા માટે સમાન વિચારધારા ધરાવતા ભાગીદારોને એકસાથે લાવવાની અપેક્ષા છે.
સ્થાનિક મોરચે, ભારત દુર્લભ ખાણકામ શરૂ કરી રહ્યું છે. સંસદના ચાલુ સત્રમાં તેના માટે ખાણ અને ખનીજ (વિકાસ અને નિયમન) સુધારા અધિનિયમ, 2023 બિલ પણ પાસ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર હવે ખનિજ બ્લોક્સ માટે હરાજીના પ્રથમ સેટની જાહેરાત કરવા માટે તૈયાર છે.
ઓક્ટોબરમાં લંડન ખાતે બેઠક યોજાઈ તેવી શકયતા
યુએસની મિનરલ્સ સિક્યુરિટી પાર્ટનરશીપના સભ્ય દેશોની આ વર્ષે ઓક્ટોબરમાં લંડનમાં બેઠક યોજાય તેવી અપેક્ષા છે. આ બેઠકમાં લગભગ 20 પ્રોજેક્ટ પર ચર્ચા થવાની અપેક્ષા છે. જેમાં ભારત પ્રથમ વાર ભાગ લેવાનું છે.
ચીન ઉપર નિર્ભરતા ઘટાડવી એ પણ ક્લબનો ઉદ્દેશ
યુરોપની ક્રિટિકલ મટિરિયલ્સ ક્લબનો એક ઉદ્દેશ ચીન ઉપરની નિર્ભરતા ઘટાડવાનો પણ છે. યુએસ, યુરોપના મોટાભાગના દેશો જે બિન પરંપરાગત ઉર્જા ક્ષેત્રે ચીન સહિતના દેશો ઉપર નિર્ભર છે. ભારત પણ આવી જ સમસ્યા ધરાવે છે. એટલે આ બધા દેશો ભેગા મળીને ચીન ઉપરની નિર્ભરતા ઘટાડવના પગલાં લેશે.
અત્યાર સુધી ભારત લિથિયમ માટે ચીન ઉપર નિર્ભર હતું, પણ હવે ચિત્ર બદલાશે
ઈલેક્ટ્રિક વાહનોથી લઈને સ્માર્ટ ફોન સુધીના ઉત્પાદનોમાં બેટરીમાં તેના ઉચ્ચ વપરાશને કારણે લિથિયમ સૌથી વધુ માંગ ધરાવતું જટિલ ખનિજોમાંનું એક છે.તેની લિથિયમની જરૂરિયાત માટે, ભારત લગભગ સંપૂર્ણપણે ચીનથી આયાત પર નિર્ભર છે. પણ હવે સરકારે આ માટે ખાસ બિલ પણ પસાર કર્યું હોય ચીન ઉપરની નિર્ભરતા ઘટશે.
લિથિયમ સાથે ગ્રેફાઈટ પણ મહત્વનું, જે અરૂણાચલ પ્રદેશમાંથી મળ્યું છે
લીથીયમ સાથે ગ્રેફાઇટ પણ ઊર્જા સંક્રમણ માટે નિર્ણાયક છે. તે ઇલેક્ટ્રોડ્સ, ઇલેક્ટ્રિકલ મોટર બ્રશ, ઇંધણ કોષો, ઉચ્ચ-તાપમાન લુબ્રિક્ધટ્સ અને પવન અને પાણીની ટર્બાઇન્સમાં કમ્પોઝિટ્સના ઉત્પાદન માટે એક મહત્વપૂર્ણ રો મટિરિયલ્સ છે. તે એરોસ્પેસ ઉદ્યોગ માટે પણ જરૂરી છે. ભારતે અરુણાચલમાં ગ્રેફાઇટના ભંડારની ઓળખ કરી છે અને તે પ્રાથમિકતાના આધારે તેની હરાજી કરવાનું વિચારશે.