એક સમયનો શીતળાનો રોગ ભૂતકાળ બની ગયો !!
અબતક, નવી દિલ્હી
એક સમયે શીતળા રોગે સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું હતું. ભારતમાં પણ આ રોગે હાહાકાર મચાવી દીધો હતો. આજે શીતળા સાતમે શીતળા માતાજીની આરાધના કરવામાં આવે છે. તેની પાછળ પણ એવી માન્યતા છે કે શીતળા માતાજી શીતળા રોગથી આપણને બચાવે છે. આ રોગ ઉપર મહામહેનતે કાબુ આવ્યો છે. હવે તે નહિવત છે. આમ વાયરસો તો એક પછી એક આવતા જ ગયા છે. અગાઉ શીતળાના રોગથી ઘણા લોકોના મૃત્યુ થયા હતા. જે સઘન રસીકરણ પછી હવે વિશ્વમાં ક્યાય શીતળાનો રોગ દેખાતો નથી. તેનો શ્રેય શીતળાની રસીના શોધક ડો.એડવર્ડ જેનરના ફાળે જાય છે.
નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે તમામ પ્રકારના ટીકાઓ અને મુકાતી રસીઓ આપતા બાળકોના સ્વાસ્થ્ય માટે અભિરક્ષક છે, જે આપણા શરીરના જાગૃત ચોકીદારો જેવું કાર્ય કરે છે. આપણી ભૂજાઓ પર ટીકાનું નિશાન જોઇએ છીએ ત્યારે તેના આવિષ્કર્તા તરફ આદરથી માથુ નમી જાય છે, કે જેમણે આ સંસારને મહાવિનાશક ચેપગ્રસ્ત રોગોની મહામારીમાંથી સદાને માટે મૂક્ત કર્યા.વિશ્વ આરોગ્ય સંસ્થાના 1967માં બહાર પાડેલા એક ચોંકાવનારા સર્વેક્ષણ-સંશોધન મુજબ અઢારમી સદીના અંત સુધીમાં યુરોપ અને અમેરિકાના કુલ છ કરોડ લોકો એકલા શીતળાના રોગથી માર્યા ગયા હતા. 1721માં એમેરિકાના બોસ્ટન શહેરની અડધી વસ્તી શીતળા ગ્રસ્ત હતી, જેમાં દસે એક વ્યક્તિ આ મહામારીમાં મૃત્યુ પામી હતી. 1749માં ઈંગ્લેન્ડના ગ્લોટશાયર કસબામાં એક પાદરી પિતાના ઘરે જન્મેલા, એડવર્ડ જેનરે ચિકિત્સાશાસ્ત્રનું વ્યવહારિક જ્ઞાન લંડનના સેન્ટ જ્યોર્જ હોસ્પિટલમાંથીએ સમયના મહાન સર્જક જોન હન્ટરના માર્ગદર્શન નીચે મેળવ્યું હતું.અઢારમી સદીના મધ્યભાગમાં યુરોપમાં કાઉપોક્ષ નામનો રોગ ગાયોમાં સંક્રાંત થયા પછી વિશાળ માત્રામાં માણસોમાં ફેલાતો હતો. ’વાકા’ લેટિન શબ્દો અર્થ ગાય થાય છે, જે પરથી વેસિનિટ આ રોગ માટે જાણીતો શબ્દ બન્યો. વેસિનિયાએ ગહન અધ્યયન અને સંશોધન પોતાના પરાર્મશદાતા અને પથદર્શક ગુરૃ ડો.જોન હન્ટરના માર્ગદર્શન નીચે કર્યું. બધા મળીને કુલ 27 કાઉપોક્ષ રોગીઓનો ક્રમીક ઇતિહાસ અને વિવિધ પરીક્ષણો કર્યા. તેઓએ નોંધ્યું કે કાઉપોક્ષના દર્દીઓને શીતળાનો રોગ થયો નહી. કેટલાક રોગગ્રસ્ત દર્દીઓની ભુજા પર શીતળાના કીટાક્ત દ્રવ્યોને ઈજેક્ટ કરીને જોયું કે તેમને શીતળાનો રોગ બિલકુલ થયો નહીં.
1796માં ડો.જેનરે એક મહત્વના પરીક્ષણ માટે જેમ્સ ફિપ્પ નામના આઠ વર્ષના એક બાળકને તેના માતા-પિતાની મંજૂરી લઇને શીતળાની રસીના મહત્વપૂર્ણ નિર્ણાયક પરીક્ષણ માટે તૈયાર કર્યો. કાઉપોક્ષના વાઇરસનો તેના શરીરમાં દાખલ કરી બિમાર બનાવ્યો. થોડા સમય પછી શીતળાના વાઇરસને તેના શરીરમાં દાખલ કરી નિરીક્ષણ કર્યું તો માલૂમ પડયું કે બાળકને શીતળાનો રોગ બિલકુલ લાગુ ન પડયો. બ્રિટીશ સરકારે તેમને માનવ કલ્યાણ અર્થે શોધેલી શીતળા વિરોધી રસીના સંદર્ભે નાઇટહુડ ખિતાબ તથા સમગ્ર વિશ્વે તેમનું અમુલ્ય બહુમાન કર્યું. 1800થી 1947 સુધી બ્રિટીશ સરકારે પબ્લીક હેલ્થ અને વેકિસનેસન પોલીસી અંતર્ગત ભારતમાં જન્મતા પ્રત્યેક બાળકને શીતળાની રસી મુકવાનો કાર્યક્રમ ઘડયો. સ્વતંત્ર ભારતમાં ઈન્ડીયન નેશનલ સ્મોલ-પોક્ષ ઈરેડિકેશન પ્રોગ્રામ તળે ભારત સરકારે રસીકરણના ભગીરથ પ્રયત્નો કર્યા. 1947થી 1977 સુધી કંટ્રોલ અને ઈરેડિકેશન પ્રોગ્રામ ઓફિ સ્મોલપોક્ષ અંતર્ગત વિશ્વ આરોગ્ય સંસ્થાએ વિશાળ માત્રામાં પ્રત્યેત ઘરે ઘરે ફરીને રસીકરણ કર્યા, જેની ફુલશ્રુતિ સ્વરૃપે 1977માં ભારતમાંથી અને સમગ્ર વિશ્વમાંથી શીતળાનો મહાવિનાશક ચેપગ્રસ્ત રોગ સદાયને માટે વિદાય થઇ ગયો.આમ શીતળા પણ અત્યંત ઘાતક હતો. આવી જ રીતે એક પછી એક વાયરસો વિશ્વમાં આવી ગયા છે અને ચાલ્યા પણ ગયા છે. પણ કોરોનાએ તો વિશ્વ આખાને ડરાવી દીધું છે.
એક સમયે વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનાર શીતળાને પણ વૈજ્ઞાનિકોએ મ્હાત આપી તેની નિશાની આજે પણ દરેક ભારતીયોના ખંભા પર જોવા મળે છે
કોરોનાના ભયસ્થાન વચ્ચે કોવિશિલ્ડનો બુસ્ટર ડોઝ આપવો પડશે?
દેશમાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનની એન્ટ્રી બાદ રસીકરણ ઝુંબેશને વેગવાન બનાવવામાં આવી રહી છે. ત્યારે હવે બે ડોઝ બાદ ત્રીજો ડોઝ એટલે કે બુસ્ટર ડોઝ અંગે આજે વિષય નિષ્ણાત સમિતિ પ્રથમ બેઠક યોજશે. બૂસ્ટર ડોઝ તરીકે કોવિશિલ્ડની મંજૂરી માટે અરજી કરનાર સીરમ ઇન્સ્ટિટ્યૂટ ભારતમાં પ્રથમ રસી બનાવતી કંપની છે. આ સંબંધમાં એસઇસીની બેઠક આજે બપોરે 12 વાગ્યે શરૂ થશે. તાજેતરમાં, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ દેશના ડ્રગ રેગ્યુલેટર પાસે કોવિશિલ્ડને કોરોના ચેપ સામે બૂસ્ટર ડોઝ તરીકે આપવા માટે પરવાનગી માંગી હતી. સંસ્થાના સરકારી અને નિયમનકારી બાબતોના નિર્દેશક પ્રકાશ કુમાર સિંહે આ સંબંધમાં ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાને આ માટે પરવાનગી માંગતી અરજી મોકલી હતી. આ અરજીમાં તેમણે કહ્યું છે કે યુનાઈટેડ કિંગડમના ડ્રગ રેગ્યુલેટરે આ રસીના બૂસ્ટર ડોઝ માટે પહેલાથી જ મંજૂરી આપી દીધી છે. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે દેશમાં કોવિડશિલ્ડ રસીની કોઈ અછત નથી અને જે લોકોએ બંને ડોઝ લીધા છે તેઓ રોગચાળાના નવા વેરીએન્ટ આવ્યા પછી બૂસ્ટર ડોઝની માંગ કરી રહ્યા છે.