તુમ સમાન નહી કૌ ઉપકારી

‘માનસ-વૃંદા’ કથાના ચતુર્થ દિવસે બાપુએ પોતાના શ્રીમુખેથી રામકથાનું અલૌકિક મહત્વ સમજાવ્યું

શ્યામધામ ખાતેની પૂજ્ય મોરારી બાપુની ચોથા દિવસની રામકથાનો આરંભ કરતા પૂજ્ય બાપુએ કહ્યું કે –  “કુંભમેળાનું પૂણ્ય રામકથા છે. કુંભ- સ્નાન પછી જો રામકથામાં ડૂબકી ન લગાવીએ, તો એ કુંભ-સ્નાન અધૂરું છે! એટલે જ પ્રયાગ સ્થાન પર કુંભ પૂર્ણ થયા પછી, પરમ વિવેકી યાજ્ઞવલ્ક્ય મહારાજ પાસે મહર્ષિ ભારદ્વાજ રામકથા સાંભળવાની જિજ્ઞાસા વ્યક્ત કરે છે. કિનારે બેસીને વાતો કરવાથી છીપલાં મળે મોતી નહીં. રામનું ગુણગાન ગૂઢ અને રહસ્યમય છે. એ સાંભળવા માટે મુની ભારદ્વાજ સંશય વ્યક્ત કરે છે.”

પૂજ્ય બાપુએ કહ્યું કે -” સંશયના બે પ્રકાર છે- એક દૈવી અને બીજો અદૈવી. દૈવી સંશય અંતતોગત્વા શુભત્વમાં પરિણમે છે. સાધકનો ક્રમશ: વિકાસ કરે છે અને સાધક એટલો વિસ્તૃત થઈ જાય છે કે છેવટે  અસ્તિત્વમાં વિલીન થઈ જાય છે.

માનસમાં ત્રણ જણાં- ગરુડજી, માં પાર્વતીજી અને માતા ભવાની- એ કરેલો સંદેહ અલૌકિક છે. લૌકિક સંદેહ વિનાશ કરે, જ્યારે દૈવી સંદેહ વિકાસ કરે. દૈવી સંદેહ કલ્યાણકારી હોય છે, જે આખરે વિશ્વમંગલ કરે છે. રામકથા કેવળ મંગલ જ નથી કરતી, કળિયુગમાં માનવીના ગમે તેવા મેલને પણ ધોઈ નાખે છે. સંદેહ “કલિમલ” છે અને કથા “કલિમલ હરની ગંગા” છે. ભારદ્વાજ ઋષિએ મૂઢતા ઓઢીને યાજ્ઞવલ્કયજીને પ્રશ્ન કર્યો, એ જ રીતે પરમ્બા માં પાર્વતી રામ-તત્વનો મહિમા જાણતાં હોવાં હતાં છતાં તેમણે રામકથા સાંભળવા માટે સંદેહ કર્યો, એટલે એ સંદેહ પણ દિવ્ય છે.

કોરોના અને લોડાઉનના સંદર્ભમાં ગવાતી શ્રોતા વિનાની કથા સંદર્ભે બાપુએ દાદા ગુરુનું સ્મરણ કરતા સજળ નેત્રે કહ્યું કે –  ” *મને લાગે છે કે તલગાજરડાના ખૂણામાં બેસીને હું કથા કરી રહ્યો છું અને દાદા સાંભળી રહ્યા છે. ક્યારેક તો  માનસની પોથી, એ પોથી નહીં પણ દાદાની પાઘડી હોય, એવું અનુભવાય છે.*”

બાપુએ એક નાનકડી બોધ કથા કહી. પાણીના ધરામાં એક માછીમાર રોજ માછલી પકડતો. માછલી પકડવાની દોરી પર માછીમાર ખાવાનું મૂકતો, જેથી માછલી પોતાનું મુખ ખોલે અને ફસાઈ જાય. એક દિવસ ધરાના કાંઠે એક મૌની સાધુ પુરુષ આવીને બેસી જાય છે. એ કશું જ બોલતા નથી. પરંતુ એમના મૌન અને ધ્યાનની અસરથી માછલીઓ ઉછળકૂદ કરતી બંધ થઇ જાય છે. એટલે તે દિવસે એક પણ માછલી, માછીમારની જાળમાં ફસાતી નથી.માછલીઓ મૌન બની ગઈ છે. પોતાનું મુખ ખોલતી નથી એટલે બચી જાય છે. *આપણે જેટલું આપણું મુખ બંધ રાખીએ – મૌન રહીએ- એટલા ફસાતા બચી જઈએ. પરંતુ પ્રલોભન આપણું મોં ખોલાવી નાખે છે. બાપુએ કહ્યું કે મારા માટે હું જ પ્રમાણ છું. મારા અનુભવથી હું કહું છું કે વ્યાખ્યા બધી પારકી હોય છે જ્યારે અનુભવ સદાય પોતાના હોય છે.ઉધાર અજવાળા કરતાં પોતાનું અંધારું વધારે સારું.  એટલે જ બુદ્ધ કહે છે કે “અપ્પ દીપો ભવ” – તારો દીવો તું જ બન.

ચેતનાની ધારા જ્યારે બહિર્મુખી બને, ત્યારે તે બુદ્ધિ છે. બુદ્ધિને શ્રદ્ધામાં પરિવર્તિત કરવાની પ્રક્રિયા સંશયથી શરૂ થાય છે. દૈવી સંદેહ હોવો તે પ્રથમ સોપાન છે.સતિની ચેતના જ્યાં સુધી બહિર્મુખી હતી, ત્યાં સુધી તે – કથામાં હોવા છતાં – કથા સાંભળી શકતા નથી. સંશયગ્રસ્તતા એ પહેલો પડાવ છે. એ જ બહિર્મુખ ચેતનાને અંતર્મુખ કરવા માટે *બુદ્ધિને શ્રદ્ધામાં પરિવર્તિત કરવાનો બીજો પડાવ છે – સાધુનો સંગ કદી છોડવો નહીં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.