ગામમા 75%થી વધુ ઘર ઉપર સોલર રૂફટોપ યોજના કાર્યાંવિત
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના તખતગઢ ગામને ઓળખની જરૂર નથી. તખતગઢ ગામમાં જળસંચય અને પર્યાવરણ બચાવ માટે અનેકવિધ યોજનાઓ અમલી કરવામાં આવી છે જેમાં ગામમાં ઘરે-ઘરે રૂફ ટોપ સોલર પ્લાન્ટ અને પાણીના મીટર, ખેતરોમાં જળસંચય માટે ખેત તલાવડીઓ, આડબંધ, કુવાઓ તેમજ ખેતી ટપક સિંચાઈ પદ્ધતિથી કરીને પાણીના બચાવ અને પર્યાવરણ બચાવવા માટે ગામનો દરેક નાગરિક જાગૃત બની કામ કરી રહ્યો છે.
ગામના યુવા સરપંચ શ્રી નિશાંતભાઈ પટેલ જણાવે છે કે, હાલમાં સરકાર દ્વારા જળસંચય અને પર્યાવરણ બચાવ માટે અનેક યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. આ યોજનાઓ થકી પર્યાવરણના બચાવવા તેમજ આવનારા ભવિષ્યમાં પાણીની સમસ્યાના ઉદભવે તે માટે જળસંચય ખૂબ જ જરૂરી બન્યું છે.
વધુમાં તેઓ ઉમેરે છે કે, આપણા વડાપ્રધાનશ્રી દ્રારા મન કી બાતના 99 માં એપિસોડમાં પુન: પ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતોના ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો હતો. તે પ્રમાણે આમારા ગામમાં દરેક ઘરે સોલર રૂફ ટોપ પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે. ગામમાં 75% થી વધુ ઘર આ યોજના કાર્યાંવિત થઈ છે અને ટૂંક સમયમાં સમગ્ર ગામમાં સોલર રૂફ ટોપ લાગી જશે.
જળસંચય માટે ગામના દરેક ઘરે પાણીના મીટર છે, ખેડૂતો માટે પાણી અનિવાર્ય છે. ગામના દરેક ખેતરમાં જળસંચય માટે ખેત તલાવડીઓ, આડબંધ કે કુવાઓ બનાવ્યા છે. જેથી ખેતરનું પાણી ખેતરમાં જ રહે. તેમજ ખેતી ટપક સિંચાઈ પદ્ધતિથી કરીને પાણીનો બચાવ કરવામાં આવે છે.
ગામની ગૌચર જમીનમાં જાપાનીસ ટેકનીક મિયાવાંકી પદ્ધતિ થકી ત્રણ વર્ષ અગાઉ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. હાલમાં આ નાનકડું જંગલ તૈયાર થઈ ગયું છે. જેમાં 1000 થી વધુ વૃક્ષો છે. જેમાં આંબા, લીમડા, ગુલમહોર, સરગવા, લીંબુ જેવા વૃક્ષોનો સમાવેશ થાય છે. જ્યાં પક્ષીઓની કલરવ ગુંજી રહ્યો છે. અહીં ગ્રામ વિકાસ એજન્સી થકી મનરેગા હેઠળ આ નાનકડા જંગલનું ધ્યાન રાખવા માણસ પણ રોકવામાં આવ્યો છે. જેથી વાવેલા વૃક્ષોની માવજત થાય તેમજ સમય તેને પાણી આપી સારામાં સારો ઉછેર થઈ શકે.