- સામસામે બંને પક્ષે છ મહિલાઓ સહિત કુલ 15 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો
- રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના હરિયાસણ ગામે બે પરિવારો વચ્ચે સામસામે મારામારીનો બનાવ બન્યો છે. બે પરિવારો વચ્ચેની બઘડાટીમાં પથ્થરમારો થતાં ત્રણથી વધુ ઈજાગ્રસ્ત થયાં હતા.
જામકંડોરણાના હરિયાસણ ગામે રહેતા 37 વર્ષીય યુવાન મહેશભાઈ હીરાભાઈ પરમારએ નોંધાવેલી ફરિયાદમાં રવિ મનસુખ પરમાર, ભાવના મનસુખ પરમાર, મનસુખ પુંજા પરમાર, દિનેશ પુંજા પરમાર, ચંપા દિનેશ પરમાર, ભયના પુંજા પરમાર, પુંજા રૂડા પરમાર, નાનજી રૂડા પરમાર એમ કુલ આઠ શખ્સોંના નામ આપતાં જણાવ્યું હતું કે, ગત તા.05/04/2025 સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ મારા ભાઈ હિતેશભાઈને રવિભાઈ મનસુખભાઈ પરમારનો ફોન આવેલ કે તમે અમારા બાથરૂમના પાઇપ માં દાટો કેમ મારેલ છે તે દાટો હું કાઢી નાખું છું તું અહીંયા આવ તેમ વાત કરતા મારો ભાઈ અને હું અમારા ઘરેથી અમને સરકાર દ્વારા ફાળવેલ પ્લોટ ખાતે ગયા હતા. મારો નાનો ભાઈ હરેશભાઈ, મારી પત્ની અસ્મિતાબેન, ભાભી રેખાબેન, માતા મંજુલાબેન તથા નાના ભાઈના પત્ની પૂજાબેન પણ સાથે આવ્યા હતા. પ્લોટ ખાતે પહોંચતા રવિ પરમાર ત્યાં ઉભેલ હોય તેને અમે સમજાવતા હતા કે આ પ્લોટ અમને ફાળવેલ હોય તમારું બાથરૂમનું ભૂંગળુ બંધ કરી દેજો. દરમિયાન ભાવના પરમાર, મનસુખ પરમાર, દિનેશ પરમાર, ચંપા પરમાર, ભાઈનાબેન, પુંજા પરમાર તથા નાનજી પરમાર આવી ગયેલ હતા અને જોર-જોરથી અમારી સાથે ગાળાગાળી કરવા લાગેલ હતા.
જેથી અમે ગાળો બોલવાની ના પાડતા રવિ એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને તેના હાથમાં રહેલ ત્રીકમથી મારા માથાના ભાગે ઘા મારી દીધેલ હતો.
બાદમાં તમામ લોકો અમારી સાથે ઝપાઝપી કરવા લાગેલ હતા. ત્યારે અમો બધા પાયામાં પડી ગયેલ હતા. ત્યાર બાદ હું બહાર નીકળી રોડ ઉપર આવતા ત્યાં આ બધાએ ફરીથી મને ઘેરી લીધેલ અને ઢીકા પાટુનો માર મારવા લાગેલ હતા. મારા પરિવારના સભ્યો તથા આજુબાજુના લોકોએ વચ્ચે પડી મને વધુ મારમાંથી છોડાવેલ હતો. દરમિયાન સામસામાં પથ્થરના ઘા કરતા હતા અને ત્યારબાદ આ લોકો તેના ઘરમાં જતા હતા ત્યારે બોલતા હતા કે આજે તો તું બચી ગયો છો જો આ પ્લોટમાં હવે પછી આવીશ તો જાનથી મારી નાખીશ તેમ કહી ધમકી આપી હતી. બાદમાં યુવકને માથામાં લોહી નીકળતું હોય 108 એમ્બ્યુલન્સ મારફત જામકંડોરણા સરકારી દવાખાને સારવારમાં લઈ ગયેલ હતા અને ત્યારબાદ જુનાગઢ સરકારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલ હતા.
સામાપક્ષે વળતી ફરિયાદ નોંધાવતા સિધ્ધરાજભાઈ ઉર્ફે ચકાભાઈ ઉગાભાઈ પરમાર (ઉ.વ.45)એ નોંધાવેલી ફરિયાદમાં મહેશ હીરા પરમાર, હરેશ હીરા પરમાર, હિતેશ હીરા પરમાર, મંજુ હીરા પરમાર, રેખા હિતેશ પરમાર, અસ્મિતા મહેશ પરમાર, પૂજા હરેશ પરમારનું નામ આપતાં જણાવ્યું હતું કે, ગત 5 એપ્રિલના હું ઘરે હતો દરમિયાન ઘરની આજુબાજુમાં અવાજ આવતો હોય હું ઘરની બહાર ગયો હતો. તે વખતે મારા મોટાબાપા પુંજા પરમાર, ભત્રીજો રવી પરમાર, બાપાનો દિકરો મનસુખ પરમાર, દિનેશ પરમાર, ભાભી ભાવના પરમાર એમ બધા હતા અને રવીભાઇના હાથમાં ત્રીકમ હતુ. અમારા ગામના હરેશ પરમાર, હીતેશ પરમાર, મહેશ પરમાર તથા મંજુ પરમા2, રેખા પરમાર, અસ્મિતા પરમાર, પુજા પરમાર હાજર હતા અને બોલાચાલી-ગાળાગાળી થતી હતી. તે વખતે મારા મોટાબાપા પુંજાભાઇ પરમાર ત્યાં માણસોના ટોળામાં વચ્ચે હોય જેથી હુ તેને લેવા માટે ગયેલ તો મારા મોટા બાપા પુંજા પરમારને હીતેશ પરમાર, મહેશ પરમારે પથ્થર હાથમાં મારેલ હતા અને મને હરેશ પરમારે એક પથ્થર વાસાના ભાગે મારેલ હતો. ભાભી ભાવનાને પથ્થર ગોઠણ પાસે મારેલ હતો. મંજુ પરમાર, રેખા પરમાર,અસ્મિતા પરમાર તથા પુજાબેન હરેશભાઈ પરમાર પણ હાજર હોય તેઓ પણ અમારા ઉપર પથ્થરના ઘા કરતા હતા. બાદ અમે બધા અમારા ઘરે જતા રહેલ હતા અને ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયેલ હતા
મામલામાં જામકંડોરણા પોલીસે સામસામે બંને પક્ષે છ મહિલા સહીત કુલ 15 શખ્સોં વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.