ગુજરાતમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં મતદાન શરૂ થઈ ગયું છે. ચૂંટણી મતદાનને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યુવાનોથી લઈને વૃદ્ધો સુધી પોતાના કિંમતી મત આપવા જઈ રહ્યા છે અને સાથે લોકોને મતદાન કરવા અપીલ કરી રહ્યા છે. વહેલી સવારે શરૂ થયેલી મતદાન પ્રક્રિયા શાંતિ પૂર્ણ રીતે ચાલી રહી છે. હજુ સુધી ક્યાયથી પણ ફરિયાદ સામે આવી નથી. જોકે, સોશિયલ મીડિયા પર મતદાન કરતા હોવાનો EVM સાથેનો વીડિયો વાયરલ થયો છે.
વીડિયો ગોંડલનો હોવાનો દાવો
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો ગોંડલના ગ્રામ્ય વિસ્તારના હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, કોઈ વ્યક્તિ આપના નિશાનની સામે મત આપી રહ્યું છે. EVMમાં મત આપ્યા બાદ અવાજ પણ આવી રહ્યો છે. જોકે, અબતક મીડિયા આ વીડિયોની પૂષ્ઠી કરતુ નથી. વીડિયો ક્યાનો અને ક્યારનો છે તે તપાસ બાદ સામે આવી શકે છે. બીજી બાજુ એક તરફ મતદાન પ્રક્રિયા ચાલુ છે. બીજી બાજુ આ પ્રકારનો વીડિયો વાયરલ થતા અનેક સવાલો ઉભા થયા છે.
ચૂંટણી પંચે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો
વીડિયો વાયરલ થયાનું ધ્યાનમાં આવતા જ ગોંડલના ચૂંટણી અધિકારી દ્વારા મતદાનના ગુપ્તતાના ભંગ બદલ ગુનો દાખલ કરવામાં આવ્યું છે. જેમાં ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે ગોંડલ તાલુકા પંચાયતની બેઠક-7 ઘોઘાવદર અને જિલ્લા પંચાયતની બેઠક – 21 મોવિયાના વાછરા-1 મતદાન મથક ખાતે પ્રિસાઇડિંગ ઓફિસરની જાણ બહાર કોઇ મતદાર દ્વારા મતદાન કરતો વીડિયો સોસિયલ મીડિયા પર વાયરલ કરેલ હોવાનું જણાતા લગત પોલીસ સ્ટેશનમાં ગુજપાત પંચાયત અધિનિયમ – 1993ની કલમ – 38 અને ગુજરાત પંચાયત ચૂંટણી નિયમો – 1994ના નિયમ – 41 મુજબ મતદાર દ્વારા કરવામાં આવેલા મતદાનના ગુપ્તતાના ભંગ બદલ નિયમ પ્રમાણે કાર્યવાહી કરવા જણાવેલ છે.