દેશ ઉપર શાસન કેમ કરવું તે પ્રશ્ન તાલિબાનોને મૂંઝવી રહ્યો છે, દેશમાં ભૂખમરા, ખાદ્યચીજોની અછત સહિતના અનેકવિધ જટિલ પ્રશ્નોએ પણ મૂકી માઝા
અબતક, નવી દિલ્હી : તાલિબાનોને સફળતા એટલી જલ્દી મળી છે કે હવે તેઓનો જીતનો જશ્ન ઝેર થઈ રહ્યો છે. હવે દેશ ઉપર શાસન કેમ કરવું તે પ્રશ્ન તાલિબાનોને મૂંઝવી રહ્યો છે. આ ઉપરાંત દેશમાં અનેકવિધ જટિલ પ્રશ્નો પણ સર્જાયા છે. શાસનની ધૂરા સાંભળતા વેંત જ આવા પ્રશ્નોના નિરાકરણ પણ કેમ લાવવા તે પણ તેમના માટે પડકારરૂપ છે.
અફઘાનિસ્તાનમાં ૨૦ વર્ષ પછી બુધવારનો દિવસ તાલિબાનો માટે ઐતિહાસિક હતો. અમેરિકાના નેતૃત્વમાં નાટો દળોએ સંપૂર્ણપણે વિદાય લઈ લીધી છે. બુધવારનો દિવસ અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસનનો પહેલો દિવસ હતો. જોકે, આતંકીઓમાંથી શાસક બનેલા તાલિબાનો માટે દેશમાં ફેલાયેલો ભૂખમરો અને આર્થિક કંગાલિયતની સ્થિતિને દૂર કરવી એ સૌથી મોટો પડકાર છે. બીજીબાજુ અમેરિકાએ તાલિબાનને ચેતવણી આપી છે કે જરૂર પડશે તો અમે અફઘાનિસ્તાન પર ડ્રોન હુમલો કરતા રહીશું.
અમેરિકન સૈન્યની વિદાયને પગલે તાલિબાનો ઊજવણી કરી રહ્યા છે. પરંતુ તેમના માટે આ ઊજવણી લાંબો સમય ચાલે તેમ નથી. અમેરિકન અને નાટો દળોની વિદાય એવા સમયે થઈ છે જ્યારે અફઘાનિસ્તાન ભૂખમરાનો સામનો કરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના એક અધિકારીએ આ સંદર્ભમાં ચેતવણી આપતા કહ્યું કે અફઘાનિસ્તાનમાં આ મહિના પછી ભયાનક ભૂખમરાની સ્થિતિ આવી શકે છે. અફઘાનિસ્તાન જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે તે જોતા ત્યાં અનાજની ભયંકર અછત પેદા થઈ શકે છે.
સ્થાનિક માનવીય સમન્વયક રમીઝ અલાકબારોવે કહ્યું કે, દેશની એક તૃતિયાંશ વસતી ખાદ્ય અસલામતીનો સામનો કરી રહી છે. રોમ સ્થિતિ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના રિપોર્ટ મુજબ ૩.૯ કરોડ લોકોની વસતીવાળા દેશમાં ૧.૪ કરોડ લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે.અફઘાનિસ્તાનમાં ત્રણ વર્ષમાં બીજી વખત દુષ્કાળ જેવી સ્થિતિ છે. અફઘાનિસ્તાનમાં ૨૦ લાખ બાળકો કુપોષણનો ભોગ બનેલા છે. અમેરિકન સૈનિકોની વિદાય પહેલાં જ બંદૂકની અણીએ તાલિબાનોએ લગભગ આખા દેશ પર કબજો કરી લીધો હતો. પરિણામે અમેરિકા, યુરોપ સહિત અનેક દેશોએ અફઘાનિસ્તાનને અપાતી આર્થિક સહાય બંધ કરી દીધી હતી.
તાલિબાનો માટે દેશવાસીઓ માટે અનાજની સમસ્યા ઉપરાંત સરકારી કર્મચારીઓના પગારની પણ સમસ્યા છે. સરકારી કર્મચારીઓને કેટલાક મહિનાઓથી પગાર ચૂકવાયા નથી. તાલિબાનોના આગમનને કારણે દેશનું ચલણ પણ ખૂબ જ નીચા સ્તરે પહોંચી ગયું છે. બેન્કોના એટીએમ પણ ખાલી થઈ ગયા છે. તાલિબાનો માટે શાસન કરવા માટે દેશને ભૂખમરા અને આર્થિક કંગાલિયતમાંથી બહાર કાઢવો એ સૌથી મોટો પડકાર બની રહેશે.
ઈરાન મોડેલના આધારે સરકાર બનાવવા તાલિબાનની મથામણ
અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની થયેલી વિદાય બાદ તાલિબાને અહીંયા સરકાર બનાવવા માટેની તૈયારી પૂરી કરી લીધી છે. આ માટે બહુ જલ્દી જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. એવુ કહેવાઈ રહ્યુ છે કે, તાલિબાન સરકાર બનાવવા માટે ઈરાન મોડેલની કોપી કરવા જઈ રહ્યુ છે. જેના ભાગરૂપે તાલિબાન પ્રમુખ શેખ હિબ્તુલ્લાહ અખુંદજાદાને સર્વોચ્ચા નેતા જાહેર કરાય તેવી શક્યતા છે. આ માટે લગભગ સર્વ સંમતિ બની ચુકી છે. ઈન્ટરનેશનલ મીડિયા રિપોર્ટ પ્રમાણે તાલિબાન ઈરાન મોડેલ અપનાવા માંગે છે. તાલિબાનના સાંસ્કૃતિક આયોગના સભ્ય પહેલા પણ કહી ચુકયા છે કે, અમારી નવી ઈસ્લામિક સરકાર દુનિયા માટે મોડેલ હશે. દેશના સંચાલન માટેની શૂરા કાઉન્સિલની કમાન હિબ્તુલ્લાહ અખુંદજાદાના હાથમાં હશે. સરકારમાં એક પીએમ પણ હશે અને તેની કેબિનેટ પણ હશે. જોકે હિબ્તુલ્લાહ અખુંદજાદા તેના સર્વોચ્ચે નેતા હશે તે નક્કી છે.તાલિબાન પહેલા જ પ્રાંતોમાં ગર્વનર, પોલીસ પ્રમુખ અને પોલીસ કમાન્ડર જેવી નિમણૂંકો કરી ચુકયો છે. દરેક પ્રાંતમાં તેમણે કામ કરવાનુ શરૂ કરી દીધુ છે. નવી સરકારને જોકે આંતરરાષ્ટ્રીય રોકાણકારો અને ડોનર્સનુ કેટલુ સમર્થન મળે છે તે જોવાનુ રહે છે.