વાયુ વાવાઝોડા, વરસાદના કારણે ઝુપડા અને મકાન સહિતની બાબતોની થયેલ નુકશાનીનો સર્વે કરીને નિયમોનુસાર સહાય કરાશે
આજે સોમનાથ ટ્રસ્ટ ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે સંભવિત વાયુ વાવાઝોડાની આગાહીના પહેલા પ દિવસ અગાઉ સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તંત્રની તૈયારી શરૂ કરાવી દીધી હતી. અને રાજ્યના 11 સંભવિત જિલ્લાઓના વરિષ્ઠ અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી તેમને પુર્વ તૈયારીઓ શરૂ કરી દેવા સુચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સંભવિત જિલ્લાઓમાં કામગીરી અને મંત્રીઓ પણ સંભાળી લીધી હતી.
મંત્રી ચુડાસમાએ જણાવ્યું કે તંત્રની સજ્જતા અને સતર્કતાના કારણે એક પણ માનવ કે પશુ મૃત્ય થયેલ નથી. ગઈકાલે અહી મારા માર્ગદર્શન હેઠળ 20 જેટલા પદાધિકારીઓ/અધિકારીઓની ટીમો બનાવીને 100 ગામોનો પ્રવાસ કર્યો હતો. મે પણ જિલ્લાના 15 થી 20 સ્થળોની જાત મુલાકાત લીધી હતી. સ્થળાંતરીત લોકોને સલામત જગ્યાએ આશ્રય આપીને તેઓને બે ટાઈમના સારા ભોજન સહિતની વ્યવસ્થા કરાયેલી હતી. મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, આ સંભવિત ચક્રવાત વાયુ ગુજરાતને ટચ કર્યા વગર નીકળી જતા કુદરતે કુદરતી રીતે આશીર્વાદ આપેલ છે. આ માટે અમે સોમનાથ દાદાનો આભાર માનવા માટે પદાધિકારીઓ/અધિકારીઓ સાથે દર્શન કરવા જઈ રહ્યા છે. અમે સોમનાથ દાદાની પુજા, અર્ચના કરીશું. હવે વરસાદની આગાહીના સંદર્ભે પણ જિલ્લા વહીવટીતંત્રથી સુસજ્જતા છે. વરસાદના કારણે પાણી ભરાવાની સમસ્યાના નિવારણ માટે ગ્રામ્ય વિસ્તારમાં 21 જેટલા ડી.વોટરીંગ પમ્પ સેટો અને શહેરી વિસ્તારમાં 5 જેટલા ડી.વોટરીંગ પમ્પ સેટો અને અન્ય મશીનરીની વ્યવસ્થા કરાયેલ છે.
ગીર-સોમનાથ જિલ્લાના અસરગ્રસ્તોને તાત્કાલીક રાહત માટે આજ સાંજથી કેશડોલ્સ/રોકડ સહાયની ચુકવણી શરૂ કરવામાં આવશે. જ્યારે જે મકાનો સહિતની નુકશાની થયેલ હશે. તેના માટે તંત્ર દ્રારા સર્વે કરીને નિયમોનુસાર સરકાર દ્રારા સહાય અપાશે. માછીમારોને નુકશાન થયુ થયેલ હશે તો તેમનો સર્વે અને અહેવાલ તૈયાર કરીને મદદ કરાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ સંભવિત કુદરતી આપતિ સંદર્ભે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે વાતચિત કરીને કેન્દ્ર સરકાર પણ ગુજરાત સાથે છે અને તમામ પ્રકારનો સહયોગ કરવાની તર્પતા દાખવી હતી.
આ પ્રસંગે પુર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઈ ઠકરાર, ગુજરાત બીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવા, આગેવાનો, પ્રભારી સચિવ સંજયનંદન, કલેકટર અજયપ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી રહેવર, સહિતના અધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.