ભાજપ અને કોંગ્રેસ બંને પાસે સમાન સંખ્યા બળ: કોંગ્રેસમાંથી કડવીબેન વામરોટીયા, ભાજપમાંથી વિનુભાઈ ચંદ્રવાડિયા પ્રમુખ માટે ઉમેદવારી કરશે
ઉપપ્રમુખ પદ માટે ભાજપમાંથી વનરાજભાઈ, રાકેશભાઈ જયશ્રીબેનમાંથી કોઈ એકની પસંદગી થશે: કોંગ્રેસમાંથી પાનસેરિયા, ઝાલાવાડિયા અને રૂપાપરા વચ્ચે સ્પર્ધા
ઉપલેટા તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે આવતીકાલે બપોરે ત્રણ વાગયે યોજાનારી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષ વચ્ચે સરખુ સંખ્યા બળ હોવાથી બંને પદો પર નસીબદાર વ્યકિત વિજયની વરમાળા પહેરશે ત્યારે જો આવતીકાલ સુધી કોઈ નવા જૂની ન થાય તો ચૂંટણી ભારે રસાકસી બનવાની સંભાવના સેવાઈ રહી છે. કાલે તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પ્રાંત અધિકારી મિયાણીના અધ્યક્ષ સ્થાને તાલુકા પંચાયતના સભાખંડમાં બપોરે ત્રણ વાગ્યે યોજાવાની છે.ત્યારે આ ચૂંટણીને લઈ તાલુકાભરમાં ભારે ઉતેજના વ્યાપી છે. તાલુકા પંચાયતમાં સામાન્ય ચૂંટણીમાં ભાજપને આઠ, કોંગ્રેસને આઠ અને બે બેંકો ઉપર અપક્ષ ઉમેદવારો વિજેતા બન્યા હતા. ત્યારબાદ બંને અપક્ષોને ખેંચવામાં ભાજપ અને કોંગ્રેસ પક્ષ ખેંચવામા સફળ થતા હાલ ભાજપ પાસે નવ તેમજ કોંગ્રેસ પાસે પણ નવ સભ્યોનું સંખ્યાબળ થતા બંને પક્ષો પાસે સરખું સંખ્યાબળ થતા આ ચૂંટણીમાં જેના નસીબમાં પ્રમુખ પદ બનવાનું હશે તે વિજેતા થશે તેવું જ ઉપપ્રમુખ પદની ચૂંટણીમા પણ બનશે.ભાજપ પક્ષમાંથી પ્રમુખ પદ માટે મુખ્ય બે દાવેદારો છે તેમાં સંભવિત જેનું નામ છે તે આહિર સમાજમાં સારૂ નામ ધરાવતા અને સંર્વત્રાની પ્રતિષ્ઠા ભરી બેઠક ઉપર પૂર્વ પ્રમુખ લાખાભાઈ ડાંગરને હરાવી જાયન્ટ કિલર બનેલા વિનોદભાઈ હાજાભાઈ ચંદ્રવાડિયા જયારે બીજા દાવેદાર વરજાંગ જાવીયા બેઠક ઉપરથી ચૂંટાયેલા વનરાજભાઈ કારાભાઈ સાવલીયા તેમજ રાકેશ હરસુખભાઈ વૈશ્ર્નાણી છે. તેમાંથી વિનુભાઈ ચંદ્રવાડિયાની ઉપર મોવડી મંડળ પ્રમુખ પદનો કળશ ઢોળે તેવી પૂરેપૂરી સંભાવના સેવાઈ રહી છે.
જયારે કોંગ્રેસ પક્ષમાંથી તલંગણાની બેઠક ઉપરથી અપક્ષ તરીકે ચૂંટાયેલા કડવીબેન રામશીભાઈ વામરોટીયાને પ્રમુખ પદનો તાજ પહેરાવવા કમર કસી રહી છે. કડવીબેનના પતી રામસીભાઈની નસેનસમાં કોંગ્રેસ ભળેલી છે. અગાઉ પણ તેઓ કોંગ્રેસ પક્ષ વર્ષોથી સેવા આપી રહ્યા છે. જયારે ઉપપ્રમુખ તરીકે ઢાંકની બેઠક ઉપરથી બીજી વખત ચૂંટાયેલા રસ્મીતાબેન શાંતીલાલ પાનસેરિયા તેમજ પાનેલી 1 બેઠક ઉપરથી ચૂંટાયેલા હર્ષાબેન મનોજભાઈ ઝાલાવડીયા અને ધારાસભ્યના નજીક ગણાતા સમઢીયાળાની બેઠક ઉપરથી ચૂંટાયેલા રાજેન્દ્રભાઈ બાવનજીભાઈ રૂપાપરાને બેસાડવામાં આવે તેવી સંભાવના છે. હર્ષાબેન ઝાલાવડીયાને ઉપપ્રમુખ પદે બેસાડવા પાનેલી જિલ્લા પંચાયતના સભ્ય જતીન ભાલોડીયા પણ પોતાની શકિત કામે લગાડી છે. આવતીકાલે યોજાનાર પ્રમુખ ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં ભાજપકે કોંગ્રેસ પક્ષ આવતી ધારાસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આહિર, કડવા પટેલ અને લેઉવા પટેલની જ્ઞાતિનાં લોકોને સ્થાન આપી સમાવી લેશે. પણ પ્રમુખ પદ માટે બંને પક્ષ આહિર જ્ઞાતિ ઉપર પસંદગી ઉતારશે તેવી ભારોભાર સંભાવના સેવાઈ રહી છે.ત્યારે ભાજપ બંને પદો ઉપર પુરૂષ ઉમેદવારોને ઉતારશે જયારે કોંગ્રેસ પક્ષ બંને પદો પર મહિલાને સ્થાન આપે તેવી શકયતા સેવાઈ રહી છે.
તાલુકા પંચાયત કબ્જે કરવા કોંગ્રેસમાંથી એક માત્ર લલિત વસોયા લડે છે
આવતીકાલે યોજાઈ રહેલ તાલુકા પંચાયતના પ્રમુખ -ઉપપ્રમુખની ચૂંટણીમાં આ બંને પદો પર ભાજપ ઉમેદવારો વિજય બંને તેમાટે પ્રદેશ જિલ્લા અને સ્થાનીક ભાજપના આગેવાનો છેલ્લા આઠ દિવસથી કસરત કરી રહ્યા છે. જયારે કોંગ્રેસ પક્ષમાંથી એકલવીર લડવૈયા ધારાસભ્ય લલીત વસોયા પોતાની ચાણ્યકય રાજનીતિ કામે લગાડી બંને પદોપર કોંગ્રેસ પાસે આવે તેવી મહેનત કરી રહ્યા છે.
બંને પક્ષોમાંથી એક એક ઉમેદવાર ચૂંટાય તેવી પણ શકયતા
પ્રમુખ અને ઉપપ્રમુખ પદ પર બંને પક્ષનાં એક એક ઉમેદવારો પણ ચૂંટાઈ આવે તો પણ નવાઈ નહી રહે પણ જે પક્ષનો ઉમેદવાર પ્રમુખ પદે વિજય બનશે તે પક્ષના ભાગે કારોબારીના ચેરમેનનું પદ મળશે તેમાં કોઈ શંકાનું સ્થાન નથી.